ફર્ન ટ્રી : દ્વિદળી વર્ગમાં આવેલા સેપિન્ડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Filicum decipiens Thw. (નિંગલ) છે. તે મધ્યમ કદનું, સદાહરિત શોભન-વૃક્ષ છે. તેનું થડ 1.5મી.થી 1.8 મી.નો ઘેરાવો ધરાવે છે. તે પશ્ચિમ ઘાટમાં નીલગિરિથી શરૂ થઈ દક્ષિણમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તેનાં પર્ણો હંસરાજ જેવાં હોવાથી તેને ‘ફર્ન ટ્રી’ અથવા ‘ફર્ન લીવ્ડ ટ્રી’ કહે છે. તેનાં પર્ણોને લીધે તે આકર્ષક લાગે છે. તેનો પર્ણદંડ સપક્ષ હોય છે. પર્ણિકાઓ એકાંતરિક અથવા ઉપસમ્મુખ (subopposite) હોય છે. પુષ્પવિન્યાસ કક્ષીય લઘુપુષ્પગુચ્છી (panicle) હોય છે. પુષ્પો નાનાં, સફેદ અને એકલિંગી હોય છે. ફળ અંડાકાર, જાંબલી અને એકબીજમય હોય છે.
આ વૃક્ષની વૃદ્ધિ ખૂબ ધીમી હોય છે. શરૂઆતમાં તેને કૂંડામાં ઉછેરવામાં આવે છે. પ્રસર્જન બીજ દ્વારા થાય છે; પરંતુ જૂનાં બીજ ઊગતાં નથી. ગુજરાતની આબોહવા અને જમીનમાં તે સહેલાઈથી ઊગી શકે છે. ગાંધીનગરના ઉદ્યાનમાં તેનો સુંદર નમૂનો છે.
કાષ્ઠ રતાશ પડતું બદામી અને કેટલીક વાર ઘેરા રંગની રેખાઓ ધરાવે છે. તે ભારે (વિ. ગુ., 0.96; વજન 964 કિગ્રા.થી 1,040 કિગ્રા./ઘમી.), સખત, ઋજુકણિકામય (straight grained), સમ-ગઠિત (even-textured) અને ટકાઉ હોય છે. તે થાંભલા, પાટડા, રાચરચીલું, ગાડાનાં પૈડાં, વૅગન અને ડબાનાં તળિયાં, ઓજારોના હાથા અને ઢેફાં ભાગવાનું યંત્ર બનાવવામાં ઉપયોગી છે. તે વૃક્ષવીથિ (avenue) તરીકે પુષ્કળ પ્રમાણમાં વાવવામાં આવે છે. તે લાખ-કીટક(lac-insect)નું યજમાન પણ છે.
મ. ઝ. શાહ