ફત્તેલાલ શેખ (જ. 1897, કાગલ, કોલ્હાપુર; અ. 1964) : હિંદી-મરાઠી ફિલ્મોના દિગ્દર્શક. મૂળ નામ યાસીન મિસ્ત્રી. પ્રભાત ફિલ્મ કંપનીના પાંચ ભાગીદારો પૈકી એક ફત્તેલાલે બીજા એક ભાગીદાર વિષ્ણુપંત ગોવિંદ દામલે સાથે મળીને હિંદી-મરાઠી ચિત્રોનું દિગ્દર્શન કર્યું અને પ્રભાત દ્વારા નિર્મિત ચિત્રોનું કલાનિર્દેશન સંભાળ્યું. કાનડી મુસ્લિમ પરિવારમાં જન્મેલા ફત્તેલાલના પિતા સુથાર જાતિના હતા, પણ વધુ તો તેઓ કડિયાકામ કરતા હતા. 1910માં ફત્તેલાલ મહારાષ્ટ્રની લલિત કલાદર્શ સંસ્થામાં જોડાયા. તેઓ કુશળ ચિત્રકાર હતા. કલાગુરુ વી. શાંતારામ જેમની પાસે કલાના પાઠ શીખ્યા એ બાબુરાવ પેન્ટર સાથે મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીમાં ફત્તેલાલે પણ કામ કરેલું. બાબુરાવ પેન્ટર સાથે અણબનાવ થતાં શાંતારામ સહિત જે ચાર મિત્રોએ છૂટા પડી પ્રભાત ફિલ્મ કંપનીની સ્થાપના કરી તેમાં ફત્તેલાલ પણ એક હતા. મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીમાં હતા ત્યારે 1928માં નિર્મિત ‘મહારથી કર્ણ’નું તેમણે પ્રથમ વાર નિર્દેશન કર્યું હતું. મૂક ફિલ્મોના યુગમાં દામલે સાથે મળીને 1929થી 1939 સુધીમાં તેમણે 20 ચલચિત્રોનું છાયાંકન કર્યું. 1932થી 1935 સુધીમાં પ્રભાત દ્વારા નિર્મિતિ ‘અયોધ્યા કા રાજા’ (મરાઠી અને હિંદી), ‘જલતી નિશાની,’ ‘સૈરંધ્રી’, ‘અમૃતમંથન’, ‘ચંદ્રસેના’ વગેરેનું ફત્તેલાલે કલાનિર્દેશન કર્યું હતું. ચલચિત્રો બનાવતી બીજી કંપનીઓ જ્યારે પડદા ચીતરીને, ર્દશ્યો ખડાં કરતી ત્યારે ફત્તેલાલ આબેહૂબ સેટ બનાવતા. ‘અમૃતમંથન’, ‘ચન્દ્રસેના’ તથા ‘આદમી’ માટે તેમણે બનાવેલા સેટ ખૂબ વખણાયા હતા.
‘પ્રભાત’ દ્વારા નિર્મિત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ચિત્ર ‘સંત તુકારામ’(1936)નું દિગ્દર્શન ફત્તેલાલે દામલે સાથે મળીને કર્યું હતું. દામલે સાથે મળીને તેમણે ‘ગોપાલકૃષ્ણ’ (1938), ‘સંત જ્ઞાનેશ્વર’ (1940) તથા દામલે અને રાજા નેને સાથે મળીને 1941માં ‘સંત સખૂ’નું પણ નિર્દેશન કર્યું હતું.
‘પ્રભાત’માં ભાગીદારો વચ્ચે મતભેદો ઊભા થતાં 1942માં શાંતારામ ‘પ્રભાત’ છોડી ગયા અને દામલે પથારીવશ થતાં ફત્તેલાલ એકલા પડી ગયા હતા. ‘પ્રભાત’ દ્વારા નિર્મિત ચિત્રો નિષ્ફળ જવા માંડ્યાં અને કંપની આર્થિક સંકટમાં ઘેરાઈ ગઈ, તેમ છતાં તેમણે પ્રભાતનો સાથ ન છોડ્યો, પણ અંતે 11 જાન્યુઆરી, 1957ના રોજ તેમણે પ્રભાત ફિલ્મ કંપની વેચી નાખી.
તેમના કલાનિર્દેશનવાળાં ચલચિત્રો : ‘અયોધ્યા કા રાજા’ (1932), ‘જલતી નિશાની’ (’32), ‘માયા મચ્છિન્દ્ર’ (’32), ‘સિંહગડ’ (’33), ‘સૈરંધ્રી’ (’33), ‘અમૃતમંથન’ (’34), ‘ચન્દ્રસેના’ (’35), ‘ધર્માત્મા’ (’35), ‘રાજપૂત રમણી’ (’36), ‘અમર જ્યોતિ’ (’36), ‘સંત તુકારામ’ (’36), ‘વહાં’ (’37), ‘દુનિયા ના માને’ (’37), ‘ગોપાલકૃષ્ણ’ (’38), ‘મેરા લડકા’ (’38), ‘આદમી’ (’39), ‘સંત જ્ઞાનેશ્વર’ (’40), ‘પડોશી’ (’41), અને ‘રામશાસ્ત્રી’ (’44). નિર્માતા તરીકે તેમણે આપેલાં ચલચિત્રો : ‘ચાંદ’ (’45), ‘લાખારાની’ (’45), ‘હમ એક હૈં’ (’46), ‘ગોકુલ’ (’46), ‘આગે બઢો’ (’47), ‘સીધા રાસ્તા’ (’47), ‘અપરાધી’ (’48), ‘સંત જનાબાઈ’ (’49), અને ‘ગુરુદેવ દત્ત’ (’51). તેમનાં દિગ્દર્શિત ચલચિત્રો : ‘જગત-ગુરુ શંકરાચાર્ય’ (’55), અને ‘અયોધ્યાપતિ’ (’56).
હરસુખ થાનકી