ફડચો (liquidation) : શૅરહોલ્ડરો અથવા સભાસદોની મર્યાદિત જવાબદારી હોવાના સૂચન રૂપે જેના નામ પછી ‘લિમિટેડ’ શબ્દ લખવો ફરજિયાત છે તેવા ધંધાકીય એકમનું કાયદાની વિધિ અનુસાર વિસર્જન કરવાનું કાર્ય. ધંધાકીય એકમ બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે; જેવાં કે સમયસર દેવાં ચૂકવવાની અશક્તિ, પોતાના ધંધાકીય એકમની પુનર્રચના, અન્ય એકમો સાથેનું તેનું જોડાણ, તેની સ્થાપના કરવાના હેતુની સિદ્ધિ, ભવિષ્યમાં અશક્ય લાગતું તેનું સંચાલન વગેરે. ધંધાકીય એકમોનાં વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, મર્યાદિત જવાબદારીવાળી મંડળી, સહકારી મંડળી, જાહેર તેમજ સંયુક્ત સાહસના એકમો જેવા વિવિધ સ્વરૂપ-પ્રકારો હોઈ શકે છે.
વૈયક્તિક માલિકીના એકમોની સ્થાપના અને અસ્તિત્વ માટે કોઈ ખાસ કાયદો નથી. ભાગીદારી પેઢી ભાગીદારીના કાયદા હેઠળ કે કાયદાનો સહારો લીધા વિના પણ સ્થાપી અને ચલાવી શકાય છે. વૈયક્તિક માલિકીના એકમ અને ભાગીદારી પેઢીના ભાગીદારોને પ્રેસિડન્સી ટાઉન્સ ઇનસૉલવન્સી ઍૅક્ટ, 1909 અથવા પ્રોવિન્શિયલ ઇનસૉલવન્સી ઍક્ટ, 1920 હેઠળ નાદાર જાહેર કરવામાં આવે છે, જ્યારે મર્યાદિત જવાબદારીવાળી મંડળી, સહકારી મંડળી, જાહેર સાહસ અને સંયુક્ત સાહસના એકમો કાયદાથી અસ્તિત્વમાં આવે છે અને તેથી કાયદાએ ફડચા માટે સૂચવેલી વિધિ પ્રમાણે ફડચામાં જાય છે. આ એકમોને (1) અદાલત દ્વારા ફરજિયાત રીતે, (2) સ્વૈચ્છિક રીતે અને (3) અદાલતની દેખરેખ હેઠળ ફડચામાં લઈ જવામાં આવે છે.
જે કાયદા હેઠળ આ એકમોની સ્થાપના થઈ હોય તે કાયદાની કેટલીક કલમોનો ભંગ કરવામાં આવે ત્યારે, એકમ દેવાં ચૂકવી શકશે નહિ એવી ખાતરી થાય કે અદાલતને લાગે કે એકમને ફડચામાં લઈ જવાનું ન્યાયી અને વાજબી છે ત્યારે તે એકમને ફરજિયાત ફડચામાં લઈ જવામાં આવે છે. જો એકમની સ્થાપનાના હેતુ સિદ્ધ થાય તો અથવા એકમના જ શૅરહોલ્ડરો કે સભાસદો ખાસ કે સામાન્ય ઠરાવ કરીને પોતાના એકમને સ્વૈચ્છિક રીતે અથવા ઠરાવમાં નક્કી કરીને અદાલતની દેખરેખ હેઠળ ફડચામાં લઈ જઈ શકે છે.
કાયદા દ્વારા સ્થાપિત એકમોને ફડચામાં લઈ જવાના નિર્ણય બાદ ફડચા/વિસર્જન-અધિકારી (liquidator) નીમવામાં આવે છે. આ અધિકારી ત્રાહિત અને નિષ્પક્ષ હોવો જરૂરી છે. એ દેવાં-લેણાંની સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવી, મિલકતોને રોકડમાં ફેરવી સૌથી પહેલાં સલામત લેણદારોને પૂરેપૂરાં નાણાં ચૂકવે છે. ત્યારબાદ, વિસર્જનના ખર્ચા ચૂકવવામાં આવે છે. ત્યારબાદ, પસંદગીના લેણદારોને નાણાં ચૂકવવામાં આવે છે; પછી જો નાણાં વધે તો બિનસલામત લેણદારોને તે ચૂકવવામાં આવે છે. જો બાકી નાણાં ઓછાં પડે તો બિનસલામત લેણદારો વચ્ચે લેણાના પ્રમાણમાં જે તે રકમ ચૂકવવામાં આવે છે. જો એમને ચૂકવતાં નાણાં વધે તો પહેલાં પ્રેફરન્સ શૅરહોલ્ડરોને નાણાં ચૂકવાય છે. ત્યારબાદ પણ જો નાણાં વધે તો ઇક્વિટી શૅરહોલ્ડરો વચ્ચે એમણે રોકેલી મૂડીના પ્રમાણમાં તે વહેંચવામાં આવે છે.
સૂર્યકાન્ત શાહ