ફડકે, સુધીર (જ. 25 જુલાઈ 1919, કોલ્હાપુર) : જાણીતા મરાઠી ભાવગીતગાયક, સંગીતદિગ્દર્શક અને પાર્શ્વગાયક. પિતાનું નામ વિનાયકરાવ અને માતાનું નામ સરસ્વતી. મૂળ નામ રામ, પરંતુ 1934માં યોજાયેલ સંગીતના એક કાર્યક્રમમાં સુધીર નામથી તેમની ઓળખાણ કરાવવામાં આવી ત્યારથી તે નામ પ્રચલિત બન્યું. ગ્વાલિયર ઘરાનાના શાસ્ત્રીય સંગીતકાર પંડિત વામનરાવ પાધ્યે પાસેથી સંગીતની પ્રાથમિક તાલીમ મેળવી. ઔપચારિક શિક્ષણ કોલ્હાપુર તથા મુંબઈ ખાતે. 1933–36 દરમિયાન કોલ્હાપુર ખાતે સંગીતનું શિક્ષણ આપી ભરણપોષણ કરતા. 1931માં મીરજ ખાતે સંગીતનો પ્રથમ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. 1931–32 શૈક્ષણિક વર્ષ દરમિયાન મુંબઈ ખાતે યોજાયેલ શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. 1937માં આકાશવાણી, મુંબઈ પર પ્રથમ વાર ગાયન પ્રસ્તુત કર્યું. ત્યારબાદ 1939–41 દરમિયાન ભારતના જુદા જુદા પ્રદેશોનો પ્રવાસ ખેડ્યો. 1941માં કલકત્તાની એક ગ્રામોફોન કંપનીમાં સહાયક દિગ્દર્શક તરીકે જોડાયા, પણ ત્યાંનું હવામાન અનુકૂળ ન આવતાં ટૂંક સમયમાં કોલ્હાપુર પાછા આવ્યા. 1941–45 દરમિયાન હિઝ માસ્ટર્સ વૉઈસ (HMV) કંપનીમાં મુંબઈ ખાતે ગાયક અને સંગીતદિગ્દર્શક તરીકે સેવાઓ આપી. 1941માં કોલ્હાપુર ખાતેના પ્રાંતીય સાહિત્ય સંમેલનમાં તેમણે રજૂ કરેલ ગાયન દ્વારા ખ્યાતિ પ્રાપ્ત કરી. 1954માં દાદરા નગરહવેલી મુક્તિ સંગ્રામમાં અને ત્યારબાદ ગોવા મુક્તિ સંગ્રામમાં સક્રિય ભાગ લીધો.
ચિત્રપટક્ષેત્રે સંગીતનિર્દેશક તરીકેની કારકિર્દી ‘રુક્મિણીસ્વયંવર’ (1945) એ મરાઠી અને હિંદી ભાષામાં નિર્મિત બોલપટ દ્વારા શરૂ કરી જેમાં તેઓ સ્નેહલ ભાટકર સાથે સહદિગ્દર્શક હતા. પ્રભાત ફિલ્મ કંપની દ્વારા 1946માં નિર્મિત હિંદી બોલપટ ‘ગોકુલ’નું તેમણે સંગીતનિર્દેશન કર્યું ત્યારથી અત્યાર સુધી તેમણે 150 ઉપરાંત હિંદી અને મરાઠી ચિત્રપટોમાં સંગીતનિર્દેશન કર્યું છે. તેમના દસ જેટલા મરાઠી ચિત્રપટોના સંગીતનિર્દેશન માટે તેમને મહારાષ્ટ્ર રાજ્ય પારિતોષિકો, મુંબઈની સૂર સિંગાર સંસદ દ્વારા બે ચલચિત્રો – એક હિંદી અને એક મરાઠીના સંગીતનિર્દેશન માટે સ્વામી હરિદાસ પારિતોષિક, અને 1963 વર્ષનું સર્વશ્રેષ્ઠ મરાઠી પ્રાદેશિક ચલચિત્રનું રાષ્ટ્રપતિ પારિતોષિક આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્ય ગૌરવ પુરસ્કારથી પણ તેમને સન્માનવામાં આવ્યા છે.
વિખ્યાત મરાઠી કવિ ગ. દિ. માડગૂળકર દ્વારા મરાઠી ભાષામાં (1955) રચિત ‘ગીતરામાયણ’ની બધી જ 56 રચનાઓ સુધીર ફડકેએ સંગીતબદ્ધ કરી છે, જેના અત્યાર સુધી મુંબઈ આકાશવાણી ઉપરાંત ભારત અને પરદેશમાં અનેક સ્થળે હજારોની સંખ્યામાં જીવંત (live) કાર્યક્રમો થઈ ચૂક્યા છે. શબ્દ અને સ્વરના રસસિદ્ધ મિલાપની ઉત્તમ અનુભૂતિ તેના દ્વારા શ્રોતાઓને થતી હોય છે. મહારાષ્ટ્રમાં તથા મહારાષ્ટ્ર બહાર રહેતા લગભગ દરેક મરાઠી ભાષી પરિવારમાં રામાયણની કથા સંગીતના માધ્યમથી પહોંચાડવાનો જશ સુધીર ફડકેને ફાળે જાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે