પ્લૂટાર્ક (જ. ઈ. સ. 46, ચિરોનિયા, બોએશિયા, ગ્રીસ; અ. ઈ. સ. 120) : ગ્રીક જીવનચરિત્રલેખક અને નિબંધકાર. એણે એથેન્સમાં રહીને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો તથા રોમમાં એ વિશે પ્રવચનો આપ્યાં હતાં. એણે ગ્રીસ, ઇજિપ્ત અને ઇટાલીનો વિસ્તૃત પ્રવાસ કરીને ત્યાંના મહાપુરુષોનાં જીવનચરિત્રોનો અભ્યાસ કર્યો હતો તથા એમના વિશે માહિતી એકઠી કરી હતી. એ પ્રવાસોના અંતે એ ચિરોનિયામાં પાછો ફર્યો ત્યારે ત્યાં આવેલા ઍપોલોના દેવળના પાદરી તરીકે રહ્યો હતો. આ દેવળમાં રહીને જ એણે એનાં મહત્વનાં પુસ્તકો લખ્યાં હતાં.
પ્લૂટાર્ક એક મહાન જીવનચરિત્રલેખક હતો. એણે એના પ્રસિદ્ધ પુસ્તક ‘પૅરેલેલ લાઇવ્ઝ ઑવ ઇલસ્ટ્રિયસ ગ્રીક્સ ઍન્ડ રોમન્સ’માં ગ્રીસ અને રોમના રાજપુરુષો તથા સેનાપતિઓનાં જીવનચરિત્રો આલેખ્યાં છે. આ જીવનચરિત્રોમાંથી પ્રાચીન ગ્રીસ અને રોમનો ઇતિહાસ તથા મહાપુરુષો વિશે વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય છે. સર ટૉમસ નૉર્થેએ આ પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું છે. આ પુસ્તકમાંથી પ્રેરણા અને આધાર લઈને મધ્ય યુગમાં અનેક વાર્તાઓ તથા કાવ્યો લખાયાં હતાં. એલિઝાબેથ યુગના વિલિયમ શેક્સપિયર તથા અન્ય નાટ્યકારોએ આ પુસ્તકમાંથી વિષયવસ્તુ લઈને એમનાં પ્રસિદ્ધ ઐતિહાસિક નાટકો લખ્યાં હતાં.
પ્લૂટાર્કનાં અન્ય લખાણોમાં ‘મૉરલ્સ’ નામના પુસ્તકનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં એણે ઐતિહાસિક, ધાર્મિક અને તત્વજ્ઞાનને લગતા વિષયો પર નિબંધો લખ્યા હતા. એમાં ‘ધ ફેઇસ ઑન ધ મૂન’ વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે. ગ્રીસના મહાન લેખકોમાં પ્લૂટાર્કની ગણતરી થાય છે. ખાસ કરીને જીવનચરિત્રસાહિત્યમાં એનું પ્રદાન નોંધપાત્ર છે. ગુજરાતીમાં બલવંતરાય ક. ઠાકોરે હરિલાલ માધવજી ભટ્ટ સાથે રહીને ‘પ્લૂટાર્કનાં જીવનચરિત્રો’ (1906)નો અનુવાદ આપ્યો છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી