પ્લુરોમિયેલ્સ : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગના લાયકોપ્સિડા વર્ગનું એક ગોત્ર. તે મધ્ય ટ્રાયેસિકથી ક્રિટેશસ ભૂસ્તરીય યુગોમાં મળી આવે છે અને અર્વાચીન આઇસૉઇટિસ અને પર્મો-કાર્બનિફેરસ સિજીલારિયાની વચગાળાની અવસ્થાનું નિર્દેશન કરે છે. તે લેપિડોડેન્ડ્રેસી કરતાં આઇસૉઇટિસની વધારે નજીક હોવાથી સીવાર્ડે તેને આઇસૉઇટિસની વધારે નજીક મૂકી છે. પ્લુરોમિયા (ટ્રાયેસિક) અને નેથૉર્સ્ટિયાના (ક્રિટેશસ) નામની આ ગોત્રની બે પ્રજાતિઓ ક્રમિક ઉત્ક્રાંતિ દર્શાવે છે.
પ્લુરોમિયાનો મૂળ નમૂનો મૅગ્ડેબર્ગ કથીડ્રલના ખડકમાંથી પ્રાપ્ત થયો હતો. હીરમર, એમ. (1927–1983) નામના જર્મન જીવાશ્મવિજ્ઞાનીએ તેનું સંપૂર્ણ વર્ણન આપ્યું છે. તેનું પ્રકાંડ સીધું, નળાકાર અને સિજીલારિયાની જેમ અશાખિત હોય છે અને લગભગ 2.0 મી.ની ઊંચાઈ અને 9.0 સેમી.નો વ્યાસ ધરાવે છે. પ્રકાંડના તલસ્થ ભાગે ઉપરની તરફ લંબાયેલા ગાંઠ જેવા નાના કદના ચાર ખંડો જોવા મળે છે અને તે સ્ટિગ્મારિયન તંત્ર બનાવે છે. તેના પરથી અનેક મૂલાંગ-વૃંત (rhizo-phores) સમૂહમાં નીકળે છે. પ્રકાંડનો નીચેનો ભાગ કુંતલાકારે ગોઠવાયેલા અસંખ્ય પર્ણ-ક્ષત (leaf scars) ધરાવે છે. તેની ટોચ પર કુંતલાકારે ગોઠવાયેલાં લગભગ 11.0 સેમી. લાંબાં અને 2.0 સેમી. પહોળાં, સાંકડાં, સોયાકાર (awl-shaped) પર્ણો જોવા મળે છે. પર્ણની મધ્યમાં સમાંતરે જતી બે મધ્યશિરાઓ હોય છે. તે સમાલગ્ન (Clasping) તલ ધરાવે છે. તેના તલપ્રદેશે જિહવિકા આવેલી હોય છે.
પ્રકાંડ બહિરારંભી (exarch) રશ્મિમધ્યરંભ (actinostele) ધરાવે છે. દ્વિતીય વૃદ્ધિ લૅપિડોડેન્ડ્રેસીની જેમ માત્ર બાહ્યરંભીય (extrastellar) – બાહ્ય વલ્ક (periderm) દ્વારા થાય છે અને તેનાથી ઉદભવતા જાડી દીવાલવાળા કોષો યાંત્રિક પેશી તરીકે કાર્ય કરે છે.
તેના પ્રકાંડના અગ્ર ભાગે સઘન શંકુ આવેલો હોય છે. આ શંકુ મધ્ય અક્ષ અને તેની ફરતે એકબીજા પર ગાઢ રીતે આચ્છાદિત થતાં અસંખ્ય ઢાલાકાર બીજાણુપર્ણોનો બનેલો હોય છે. પ્લુરોમિયા વિષમબીજાણુક (heterosporous) દ્વિગૃહી (dioecious) વનસ્પતિ છે. લઘુબીજાણુપર્ણો (microsporophylls) અને મહાબીજાણુપર્ણો (megasporophylls) ધરાવતા શંકુનો સંપૂર્ણ નમૂનો પ્રાપ્ત થયો નથી; પરંતુ તે તૂટેલી સ્થિતિમાં મળી આવ્યા છે. પર્ણતલની નીચેની સપાટીએથી બીજાણુધાનીઓ ઉત્પન્ન થાય છે. એક મંતવ્ય પ્રમાણે છત્રાકાર બીજાણુપર્ણો ધરાવતા પૂર્વજોમાં ઉપરની બીજાણુધાનીઓના લુપ્ત થવાથી અને નીચેની બીજાણુધાનીઓ દીર્ઘસ્થાયી બનતાં પ્લુરોમિયાની ઉત્ક્રાંતિ થઈ હોવી જોઈએ. બીજાણુધાનીઓ મોટી હોય છે અને તે રજ્જુકાઓ (trabeculae) ધરાવે છે. આ લક્ષણ તેને લૅપિડોસ્ટ્રોબસ અને આઇસૉઇટિસ સાથે સાંકળે છે. મહાબીજાણુધાનીઓ લગભગ 2.0 સેમી.નો વ્યાસ ધરાવે છે અને લઘુબીજાણુધાનીઓ કરતાં મોટી હોય છે. મહાબીજાણુઓ લઘુબીજાણુઓ કરતાં આશરે 20 ગણા મોટા હોય છે.
નેથૉર્સ્ટિયાના ક્રિટેશસ ભૂસ્તરીય યુગમાંથી પ્રાપ્ત થયેલી પ્રજાતિ છે. તે કદમાં વધારે નાની (લગભગ 20.0 સેમી. ઊંચી) હોય છે. પ્રકાંડના અગ્રભાગે સોયાકાર અસંખ્ય પર્ણો કુંતલાકારે ગોઠવાયેલાં હોય છે. આ પર્ણો તલસ્થ ભાગેથી પહોળાં હોય છે. મૂલવૃંત (rhizomorph) અનેક ખાંચો અને શૃંગો ધરાવે છે. તેના પરથી કુંતલાકારે મૂલિકાઓ (rootlets) ઉત્પન્ન થાય છે. નેથૉર્સ્ટિયાનાનાં બીજાણુપર્ણો કે પ્રજનનાંગોના જીવાશ્મો પ્રાપ્ત થયા નથી.
જૈમિન વિ. જોશી