પ્લાયોસીન રચના

February, 1999

પ્લાયોસીન રચના : તૃતીય જીવયુગના પાંચ કાલખંડ પૈકીનો સૌથી ઉપરનો, પાંચમો વિભાગ. તેની નીચે માયોસીન રચના અને ઉપર ચતુર્થ જીવયુગની પ્લાયસ્ટોસીન રચના રહેલી છે. ભૂસ્તરીય ઇતિહાસની કાળગણનાના ક્રમ મુજબ તેના ખડકસ્તરોની જમાવટ આજથી ગણતાં 1 કરોડ 20 લાખ વર્ષ અગાઉથી શરૂ થયેલી અને 16 લાખ વર્ષ અગાઉ સુધી ચાલેલી, એટલે તેનો કાળગાળો 1 કરોડ 4 લાખ વર્ષનો ગણાય.

‘પ્લાયોસીન’ (Pliocene) શબ્દની વ્યુત્પત્તિ ‘પ્લાયો’ (Plio, ગ્રીક Pleion) એટલે ‘વધુ’ અને ‘સીન’ (cene) એટલે ‘અર્વાચીન’ કરતાં તેનો અર્થ ‘વધુ અર્વાચીન’ થાય. સર ચાર્લ્સ લાયલે 1833માં, પૃથ્વી પર આજે જોવા મળતાં જીવંત સ્વરૂપોના 60 % અવશેષો જે સ્તરોમાં મળી આવેલા તેને માટે ‘નિમ્ન પ્લાયોસીન’ અને જે સ્તરોમાં
90 %થી 96 % જેટલા અવશેષો મળી આવેલા તેને માટે ‘ઊર્ધ્વ પ્લાયોસીન’ જેવા શબ્દપ્રયોગો કરેલા; પરંતુ પછીથી તેમણે જ તેમાં ફેરફાર કરીને ઊર્ધ્વ વિભાગ માટે ‘પ્લાયસ્ટોસીન’ અને નિમ્ન વિભાગ માટે ‘પ્લાયોસીન’ શબ્દો સૂચવ્યા, જે આજે રૂઢ થઈ ગયા છે.

પ્લાયોસીન કાલખંડ(epoch)ના ખડકો સામાન્ય રીતે જળકૃત નિક્ષેપરચનાપ્રકાર (sedimentary facies) દર્શાવે છે, તે પૈકીના મોટા-ભાગના કણજન્ય (detrital) ઉત્પત્તિ પ્રકારના છે. તૃતીય જીવયુગના લગભગ આખાય કાળગાળા દરમિયાન ઉત્તર ગોળાર્ધના ઘણાખરા ભાગોમાં આલ્પાઇન-હિમાલયન ઉત્થાન તબક્કાવાર થતું રહેલું, તેનો કહેવાતો છેલ્લો તબક્કો પ્લાયોસીન-સમય દરમિયાન થયેલો. ઉત્થાનથી થયેલી દરિયાઈ પીછેહઠને કારણે આ કાળના પ્રારંભમાં છીછરા જળના દરિયાઈ નિક્ષેપો રચાયેલા, તે ક્રમશ: ઊર્ધ્વ વિભાગ તરફ જતાં સ્પષ્ટ નદીજન્ય નિક્ષેપ-પ્રકારમાં બદલાતા ગયા છે. આ સંજોગો જોતાં પ્લાયોસીનની ઉપર તરફની નિક્ષેપ-સીમા સુસ્પષ્ટ નથી, એ કારણે આ સીમાને પ્લાયો-પ્લાયસ્ટોસીન-સીમા તરીકે ઓળખવાય છે.

પ્લાયોસીનની સ્થિતિ

પ્લાયોસીન કાલખંડ દરમિયાન પૂર્વ યુરોપ અને તુર્કસ્તાનમાંથી દરિયાઈ સંજોગો હઠી જાય છે. ત્યાં તે પછીથી ક્યારેય ફરીથી દરિયાઈ સંજોગો પ્રવર્ત્યા નથી. ઉત્તર સમુદ્રનો કે કેટલોક ભાગ તે વખતે પોલૅન્ડ પર છવાયેલો, પરંતુ તે પછીથી ક્રમશ: તે વિસ્તારમાં દરિયાઈ નિક્ષેપજન્ય સંજોગોમાંથી ખારા જળની, મિશ્ર જળની અને છેવટે નદીજન્ય સંજોગોની પરિસ્થિતિ સર્જાતી ગઈ; જોકે કેટલાક ભાગોમાં દરિયાના અવશેષો આજે પણ રહી ગયેલા જોવા મળે છે, દા.ત., અરલ સમુદ્ર, કાસ્પિયન સમુદ્ર અને કાળો સમુદ્ર. પ્લાયોસીનના અંતિમ ચરણ વખતે ઉત્તર સમુદ્ર વધુ ઉત્તર તરફ હઠતો ગયેલો એ અહીં ઉલ્લેખનીય છે.

માયોસીનના અંતિમ ચરણથી પ્લાયોસીનના આખાય કાળ દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં તાપમાન ક્રમશ: ઘટતું ગયેલું, જે તે પછીથી વધુ પ્રમાણમાં ઘટતું જઈને પ્લાયસ્ટોસીનમાં હિમયુગમાં ફેરવાયું. આબોહવા ઠંડી પડતી જતી હોવાને કારણે, તૃતીય જીવયુગમાં ઘણી સંખ્યામાં ઉત્ક્રાંત પામેલાં સસ્તન પ્રાણીઓ પૈકી કેટલાંક જ્યાં ગરમ હૂંફાળી આબોહવા હતી ત્યાં સ્થળાંતર કરી ગયાં, જે અનુકૂલન ન કરી શક્યાં તે વિલોપ પામી ગયાં; જે જે ટકી શક્યાં તે હજી આજે પણ અસ્તિત્વ ધરાવે છે.

હિપ્પારિયૉન 1.2 મીટર ઊંચાઈ ધરાવતો ઘોડો

પ્લાયોસીનમાં દરિયાઈ શેલફિશ અર્વાચીન સ્વરૂપ ધારણ કરતી જતી જણાય છે. ઠંડી આબોહવાના સંજોગોને કારણે છેક અયનવૃત્તો સુધી ઠંડીની અસર વરતાયેલી. દ્વિપુટ ક્વચપ્રકાર (bivalve), જઠરપદી ફોરામિનિફર વગેરે વિષુવવૃત્ત તરફ સ્થળાંતર કરતાં જાય છે; જોકે ફોરામિનિફર કે જેણે ઇયોસીનમાં ચૂનાખડક બનાવેલા તે હવે લગભગ ખલાસ થઈ ગયાં છે, તેમ છતાં હિન્દી-પૅસિફિકમાં તેનો અણસાર રહ્યો હોવાનું જણાય છે ખરું, પરંતુ તેનું સ્વરૂપ નાનું બનતું જાય છે. આથી ઊલટું, પ્લાયોસીન સસ્તન પ્રાણીઓ અગાઉના કાલખંડોની સરખામણીએ મોટા કદનાં સ્વરૂપોમાં ફેરવાતાં જાય છે. આ કાળમાં જ ઘાસના પ્રદેશો પણ વિસ્તરતા જાય છે. માયો-પ્લાયોસીનમાં થયેલા ભૂમિઉત્થાનને કારણે અંતિમ માયોસીન કાળનો હિપ્પારિયૉન (અમેરિકી ઘોડો) હવે જુદા જુદા ખંડોમાં વિચરતો વિચરતો પૂર્વના ખંડોમાં આવી પહોંચે છે. અન્ય કેટલાંક પ્રાણીઓ પણ આ જ રીતે સ્થળાંતર કરતાં રહે છે. આફ્રો-એશિયન પ્લાયોસીન દરિયાઈ ફાંટા (ઝાંઝીબાર, રાતો સમુદ્ર, ઈરાન, મકરાન કિનારો) જૂનાં પ્લાયોસીન પ્રાણીઓને છૂટાં પાડી દે છે. અંતિમ પ્લાયોસીન અને પ્રારંભિક પ્લાયસ્ટોસીનમાં ભૂમિસંધાન થાય છે, જેથી પ્રાણીઓની હેરફેર ઉત્તર-દક્ષિણ વિસ્તારોમાં થતી રહે છે. ઉત્તરનાં પ્રાણીઓ દક્ષિણમાં સ્થળાંતર કરે છે; જેમ કે, હાથી, ઝીબ્રા અને હિપ્પોપોટેમસ આફ્રિકા તરફ સ્થળાંતર કરે છે. અન્ય પ્રાણીઓ પણ બંને અમેરિકા ભૂમિસંધાનથી જોડાયા હોવાથી સ્થળાંતર કરે છે. દક્ષિણ અમેરિકામાંથી આર્માડિલો, કેપિબરાસ, પૉર્ક્યુપાઇન અને ભૂમિસ્લૉથ ઉત્તર અમેરિકા તરફ જાય છે, પરંતુ દક્ષિણ અમેરિકાનાં કેટલાંક ખરીવાળાં અને ઘોડા જેવાં પ્રાણીઓ વિલુપ્ત બની જાય છે. ટૂંકમાં, આલ્પ્સ અને હિમાલયના ઉત્થાન થવાથી ભૂપૃષ્ઠરચનામાં મોટા પાયા પરના ફેરફારો, ઘણાં પ્રાણીઓ માટે સ્થળાંતર અને વિલોપની સ્થિતિ સર્જે છે. (જુઓ તૃતીય જીવયુગ–પ્લાયોસીન).

ગિરીશભાઈ પંડ્યા