પ્લાન્ટેજિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ ત્રણ પ્રજાતિઓ ધરાવે છે; તે પૈકી Plantago લગભગ 200 જાતિઓ ધરાવતી સર્વદેશીય પ્રજાતિ છે. Litorellaની 2 જાતિઓ યુરોપ અને દક્ષિણ ધ્રુવમાં થાય છે; જ્યારે Bougueria એકલપ્રરૂપી (monotypic) ઍન્ડિયન પ્રજાતિ છે.
શાકીય કે ભાગ્યે જ શાખિત ઉપક્ષુપ; પર્ણો સાદાં, એકાંતરિક કે જ્વલ્લે જ સમ્મુખ, ક્યારેક ખૂબ નાનાં, શિરાવિન્યાસ સમાંતર જેવો લાગે, પર્ણતલો ઘણી વાર આવરક (sheathing), અનુપપર્ણીય, બધાં જ પર્ણો તલસ્થ અથવા લગભગ તેવાં; પુષ્પવિન્યાસ નિપત્રી, પરંતુ નિપત્રિકારહિત, પ્રવૃન્ત (scape) પર મુંડક કે શૂકી; પુષ્પ ત્રિજ્યાસમમિત (actinomorphic), સામાન્યત: દ્વિલિંગી, અધોજાયી; વજ્રનલિકાકાર, કેટલીક વાર ઊંડે સુધી વિભાજિત, વજ્રપત્રો 4, કેટલીક વાર 3, ત્વચામય દલપત્રો 4 (કેટલીક વાર 3), ઝિલ્લીમય (scarious), શુષ્ક કોરછાદી (imbricate); પુંકેસરો 4, દલલગ્ન (epipetalous), દલપત્રો સાથે એકાંતરિક, ભાગ્યે જ 1થી 2, સમાન બહિર્ભૂત (exserted) પરાગાશય દ્વિખંડી, મોટાં, મુક્તદોલી (versatile), સ્ફોટન લંબવર્તી, સ્ત્રીકેસરો 2, બીજાશય ઊર્ધ્વસ્થ, 1થી 4 કોટરીય (સામાન્યત: દ્વિકોટરીય), પ્રત્યેક કોટરમાં એક કે તેથી વધારે અંડકો, અર્ધઅધોમુખી (semianatropous), જરાયુવિન્યાસ અક્ષવર્તી (એકકોટરીય હોય તો મુક્તકેન્દ્રસ્થ કે તલસ્થ), પરાગવાહિની 1, પાતળી, દ્વિશાખિત, પરાગાસન રોમમય; ફળ અનુપ્રસ્થ સ્ફોટી (circumscissile) પ્રાવર કે કાષ્ઠફળ; બીજમાં ભ્રૂણ સીધો અને દળદાર ભ્રૂણપોષ વડે આવરિત.
Plantago psylliumનાં બીજ અને તેના પરની ભૂંસી જીરાલો (psyllium) તરીકે અગત્યની નીપજ છે. તેનાં બીજાવરણ શ્લેષ્મી હોવાથી ઉત્તમ રેચક તરીકે વપરાય છે. તે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઊગે છે. P. ovata (ઘોડાજીરું, ઇસબગૂલ) ઉત્તર ગુજરાતનો એક અગત્યનો પાક છે. પ્રતિવર્ષ તેની મોટા પ્રમાણમાં વિદેશોમાં નિકાસ થાય છે. તેનાં બીજ અને બીજાવરણ પણ શ્લેષ્મી હોય છે. તે કફઘ્ન, પિત્તહર અને શીતળ છે. તેનો ઉપયોગ સોમલના વિષ પર, ગરમીની તરસમાં, જ્વરાતિસાર, રક્તાતિસાર, જીર્ણાતિસાર, રક્તાર્શ, રક્તસ્રાવ, જ્વર, પ્રમેહ, દાહ, રક્તસંગ્રહણી, ધાતુપુષ્ટિ અને આમાશ(મરડા)માં થાય છે. સિંદૂર સાથે ભેળવી લેપ કરતાં વાળો બહાર નીકળી આવે છે. તે પેશાબની બળતરામાં પણ ઉપયોગી છે. બાપાલાલ વૈદ્યે તેમના પુસ્તક ‘નિઘંટુ આદર્શ’(પૃ. 838–839)માં ‘સ્નિગ્ધ જીરક પાક’ના આપેલા પાઠ અનુસાર ઇસબગૂલ, બદામ, પિસ્તાં દરેક 120 ગ્રામ, ગોરડનો અથવા ખેરનો ગુંદર, રૂમી મસ્તકી, ઇસેસ – દરેક 4 ગ્રામ. આ તમામનું ચૂર્ણ કરી સાકરમાં તેનો પાક કરવામાં આવે છે. આ પાક આધાશીશી, બહેરાપણું, મગજ ખાલી પડી જવું, વારંવાર ઝાડા થવા અને માથું દુખવું જેવા રોગવિકારોમાં ઉપયોગી છે.
દીનાઝ પરબિયા
મીનુ પરબિયા