પ્લાઝ્મા ક્ષેત્રસીમા (plasma pause) : પૃથ્વીથી આશરે 26,000 કિમી. દૂર પૃથ્વી સાથે ભ્રમણ કરતો મૅગ્નેટોસ્ફિયરનો ભાગ. જે વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અસર કરે છે તેને મૅગ્નેટોસ્ફિયર કહે છે. સૂર્યમાંથી નીકળતું ઇલેક્ટ્રૉન ધરાવતું વિકિરણ, પવન તરીકે વર્તે છે, જે મૅગ્નેટોસ્ફિયરને લાંબી પૂંછડી જેવો આકાર આપે છે. આ મૅગ્નેટોસ્ફિયરમાં પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વાનઍલન અર્ધવર્તુળાકાર પટ્ટા આવેલા છે. આ પ્રકારના પટ્ટાઓમાં ચુંબકત્વને કારણે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રૉન અને પ્રોટૉન જકડાયેલા રહે છે : આવા વિદ્યુતભારિત કણોને મૅગ્નેટોસ્ફિયર પૃથ્વી ઉપર આવતાં અટકાવે છે. આથી પૃથ્વીને આવા કણોથી રક્ષણ મળે છે. પૃથ્વીની આસપાસ મૅગ્નેટોસ્ફિયર હોવા છતાં સૂર્યમાં જ્યારે ભારે વિક્ષોભ પેદા થાય છે, ત્યારે આવા કણો પૃથ્વીના વાતાવરણને ભેદીને ચુંબકીય ધ્રુવો પાસે આવી પહોંચે છે, જેને કારણે ધ્રુવીય જ્યોતિ (aurora) પેદા થાય છે.
પ્લાઝમા ક્ષેત્રસીમાની આગળ આવેલ ભાગમાં ઇલેક્ટ્રૉનનું સંકેન્દ્રણ (concentration) ઝડપથી ઘટતું જાય છે. છેડાના ભાગમાં ઇલેક્ટ્રૉનના ભ્રમણથી તે ભાગનો આકાર બિલકુલ બદલાઈ જાય છે. સૂર્યમાં ચાલતી પ્રવૃત્તિઓ શાંત હોય ત્યારે આ પ્લાઝમા ક્ષેત્રસીમા 39,000 કિમી. સુધી પ્રસરે છે અને ખૂબ જ વિક્ષોભિત સ્થિતિમાં સંકોચાઈને તે 19,500 કિમી. જેટલી નાની બની જાય છે.
આશા પ્ર. પટેલ