પ્લાક : યજમાન (host) બૅક્ટેરિયા ઉપર જીવાણુનાશકો(bacterio-phage)નો ફેલાવો કરવાથી, યજમાનનો નાશ થતાં દેખાતો ચોખ્ખો વિસ્તાર. યજમાન કોષમાં થતી બૅક્ટેરિયોફેજ વિષાણુઓની વૃદ્ધિની પ્રક્રિયા સમજવા અને કેટલી સંખ્યામાં નવા વિષાણુ પેદા થયા તે જાણવા પ્રયોગશાળામાં પ્રયોગો કરવામાં આવે છે. તે માટે સૌપ્રથમ પેટ્રી ડિશમાં ઘન માધ્યમ ઉપર જીવાણુનો ઉછેર કરવામાં આવે છે અને ત્યારબાદ આ માધ્યમ ઉપર અલ્પ પ્રમાણમાં કે ચોક્કસ ગણતરી મુજબના વિષાણુવાળા દ્રાવણનો પ્રસાર કરવામાં આવે છે. આ દ્રાવણ દાખલ કરતાં પહેલાં પેટ્રી પ્લેટના માધ્યમમાં જીવાણુઓની એકસરખી વૃદ્ધિ જોવા મળે છે. હવે વિષાણુમિશ્રિત દ્રાવણને માધ્યમમાં ઉમેરવાથી દરેક વિષાણુ એક એક યજમાનકોષમાં દાખલ થાય છે અને કોષમાંથી જરૂરી ખોરાક મેળવી ત્યાં તે ગુણન પામે છે. પરિણામે બૅક્ટેરિયા-કોષોનું મૃત્યુ થાય છે અને પ્રત્યેક મૃત કોષમાંથી આશરે 200થી 250 નવા વિષાણુ બહાર પડે છે; જે અન્ય કોષમાં પ્રવેશે છે. આમ થવાથી પેટ્રી પ્લેટમાં વસતા અન્ય જીવાણુઓ પણ નાશ પામે છે અને જીવાણુઓના અભાવમાં જગ્યા ખાલી થયેલી જણાય છે, જેને પ્લાક તરીકે ઓળખવામાં આવે છે. પ્રયોગ માટે વપરાતી પેટ્રી પ્લેટ પર કેટલા પ્રમાણમાં વિષાણુવાળું દ્રાવણ ઉપયોગમાં લીધું અને તે પ્લેટ પર કેટલા પ્લાક પેદા થયા – આ બંને વિગત ઉપરથી આવેલ નમૂનામાં કેટલા બૅક્ટેરિયાના વિષાણુ (bacteriophage) હતા તેની ગણતરી થઈ શકે છે.
‘ડેન્ટલ પ્લાક’ શબ્દ જુદા અર્થમાં વપરાય છે. માનવ-દાંતની સપાટી પર ચોક્કસ પ્રકારના જીવાણુઓ તથા કોષના અન્ય પદાર્થો જામી જતાં સ્પષ્ટપણે દેખાતા આ ભાગને ડેન્ટલ પ્લાક કહે છે. ખોરાકમાં વધુ પડતો ખાંડનો વપરાશ દાંત પર થતા પ્લાકની રચના માટે જવાબદાર હોય છે.
હોસંગ ફરામરોજ મોગલ