પ્રૌઢાવસ્થા : મનુષ્યની યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની વચ્ચે આવતો તબક્કો. બધા મનુષ્યો અમુક ઉંમરના થાય ત્યારે જ પ્રૌઢ બને, અને અમુક ઉંમરે પ્રૌઢ બને જ, એવો અનિવાર્ય સંબંધ હોતો નથી. કેટલાક લોકો 30 વર્ષની વય વટાવતાં તુરત પ્રૌઢતા અનુભવે છે, જ્યારે બીજાઓ 45 વર્ષ વટાવ્યા પછી પણ યુવાનીની સ્ફૂર્તિ અને ચંચળતા અનુભવે છે. તેથી ફિસ્ક કહે છે તેમ, પ્રૌઢતા ઘણે અંશે મનની અવસ્થા છે, જે મોટા ભાગે જીવનના મધ્ય ભાગમાં આવે છે.
વ્યક્તિની સરેરાશ વય 40થી 59 વર્ષ સુધીની હોય ત્યારે તેને પ્રૌઢ ગણી શકાય. 40થી 49 વર્ષનો ગાળો પૂર્વ-પ્રૌઢાવસ્થા અને 50થી 59 વર્ષનો ગાળો ઉત્તર-પ્રૌઢાવસ્થા કહી શકાય. પ્રૌઢાવસ્થા, ભારતીય પરંપરા મુજબના ગૃહસ્થાશ્રમના પાછલા ભાગ અને વાનપ્રસ્થ આશ્રમના પૂર્વભાગને આવરી લે છે.
પ્રૌઢાવસ્થાનું મહત્વ એ છે કે એમાં વ્યક્તિને પોતાની શક્તિ અને સમયના ઉપયોગ માટે કુટુંબ, વ્યવસાયી – સામાજિક પ્રવૃત્તિ, કળા અને શોખ, વાચન, પ્રવાસ, શોધખોળ, આધ્યાત્મિક ઉન્નતિ જેવા વધારે વિવિધ પ્રકારના વિકલ્પો મળી રહે છે. મોટાભાગે, જ્યારે વ્યક્તિ પ્રૌઢ બને ત્યારે જ તેને જીવન શું છે અને પોતે જીવનમાંથી શું ઇચ્છે છે તે બરોબર સમજાય છે. પ્રૌઢાવસ્થામાં થતાં પરિવર્તનોની માત્ર પ્રૌઢો ઉપર જ નહિ, યુવાનો અને કિશોરો ઉપર તેમજ સમગ્ર સમાજ ઉપર ઊંડી અસર થાય છે. પ્રૌઢ-વય નવી અને જૂની પેઢીને સાંકળનારી મહત્વની કડી છે, અને સમાજનો આધારસ્તંભ છે.
એરિક્સનના મતે પછીની પેઢીઓ માટેની જવાબદારી નિભાવવી એ પ્રૌઢાવસ્થાનું મુખ્ય કાર્ય છે. ગાઢ સંબંધો વિકસાવવાની શક્તિ પ્રૌઢ-વયના વિકાસનું અગત્યનું પાસું છે. રસનું કેન્દ્ર કુટુંબથી વિસ્તારીને વ્યાપક બનાવવાનું હોય છે. પ્રૌઢ-વયની કટોકટીઓ વ્યક્તિને અનુભવોનું સંકલન કરી સ્વમૂલ્યાંકન કરવા પ્રેરે છે, અને તેના વિચારવર્તનમાં ફેરફારો લાવે છે. હેવિગહર્સ્ટના મતે પ્રૌઢ વ્યક્તિએ એ વયને અનુરૂપ આ કાર્યો પર પ્રભુત્વ મેળવવું પડે છે : (1) કુટુંબ માટે યોગ્ય જીવનધોરણ પ્રાપ્ત કરીને ટકાવવું, (2) જીવનસાથી સાથેના સંબંધોને ર્દઢ કરવા, (3) સંતાનોને પુખ્ત અને સુખી વ્યક્તિ તરીકે વિક્સવામાં મદદ કરવી, (4) વૃદ્ધ વડીલો સાથે સુમેળ સાધવો, (5) પોતાના શારીરિક ફેરફારોને સ્વીકારી તેની સાથે મેળ બેસાડવો, (6) બીજા પ્રૌઢો સાથે સંબંધો કેળવવા, (7) ફુરસદની યોગ્ય પ્રવૃત્તિઓ અપનાવવી અને (8) સમાજના પુખ્ત નાગરિક તરીકેની જવાબદારી સ્વીકારીને પાર પાડવી.
લેવિનસન પ્રૌઢ-વયને જીવનનો સંક્રાંતિકાળ કહે છે. આ વયે યુવાની જવા માંડી હોય છે, પણ હજી ઘડપણ આવ્યું હોતું નથી. આ સમયે આવતાં સંખ્યાબંધ પરિવર્તનોને પહોંચી વળીને વ્યક્તિ પરિપક્વ બને છે. ગોલ્ડસ્ટાઇનના મતે પ્રૌઢ-વયે સુપ્ત શક્તિઓ પૂર્ણ રૂપે પ્રગટીને વ્યક્તિને સ્વ-આવિષ્કાર તરફ દોરે છે.
ભારતીય જીવનદર્શન પ્રમાણે પ્રૌઢ-અવસ્થામાં વ્યક્તિએ પોતાની પ્રવૃત્તિશીલતાને ક્રમશ: ઘટાડીને પોતાનું ધ્યાન સ્વાર્થ ઉપરથી હઠાવીને પરમાર્થ તરફ, સમાજને ઉપયોગી બનવા તરફ ખસેડવાનું હોય છે.
ભૂતકાળમાં પ્રૌઢો વિશે જવલ્લે જ અભ્યાસો થતા. તાજેતરમાં પ્રૌઢાવસ્થા વિશે કેટલાંક સંશોધનો થયાં છે : કૅલિફૉર્નિયાની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ હ્યૂમન ડેવેલપમેન્ટનો અભ્યાસ દર્શાવે છે કે કિશોર-વયથી પ્રૌઢ-વય સુધીમાં વ્યક્તિત્વમાં મોટા ફેરફારો થતા હોય છે. કેટલાક દાખલામાં પ્રૌઢ-વયે વ્યક્તિત્વ વધુ સ્વસ્થ અને પરિપક્વ બને છે, તો અન્ય કેટલાક દાખલામાં પ્રૌઢ-વયે અનિષ્ટ લક્ષણો ઊપજે છે; દા.ત., બાળપણમાં બીકણ અને નિરાશાવાદી વ્યક્તિ પ્રૌઢ-વયે સર્જનાત્મક અને સફળ બને છે. તો બાળપણમાં આનંદી સ્વભાવની વ્યક્તિ પ્રૌઢ-વયે અસંતુષ્ટ અને ચીડિયા સ્વભાવની પણ બને છે. વેઇલન્ટનો દીર્ઘાભ્યાસ (longitudinal study) દર્શાવે છે કે પ્રૌઢ-અવસ્થાની સમસ્યાઓમાં મોટા વ્યક્તિગત તફાવતો હોય છે. સીઅર્સનો 1,000 પ્રૌઢ વ્યક્તિઓનો અભ્યાસ દર્શાવે છે કે પ્રૌઢ પુરુષો મુખ્યત્વે સંતોષકારક કૌટુંબિક સંબંધો અને કાર્યસફળતાના આધારે સંતોષ મેળવે છે. પ્રૌઢાઓ સર્જક પ્રવૃત્તિઓ વડે સંતોષ મેળવે છે.
શારીરિક અને માનસિક શક્તિઓમાં થતાં પરિવર્તનોનો લેવિનસનનો અભ્યાસ સૂચવે છે કે પ્રૌઢ-વયે ચેતાપ્રવાહના વહનની ઝડપ જળવાઈ રહે છે, ચયાપચયનો દર વધુમાં વધુ 20% ઘટે છે, તીણા અવાજો સાંભળવાની શક્તિ સરેરાશ 25 ડેસિબેલ જેટલી ઘટે છે. ર્દષ્ટિની તીક્ષ્ણતા અને સ્વાદસંવેદનની ચોક્સાઈ 50 વર્ષની વય સુધી સ્થિર રહે છે, પછી ઘટે છે; શ્વાસ-ઉચ્છવાસની મહત્તમ શક્તિમાં 50% સુધી ઘટાડો થાય છે. કેટલાક પ્રૌઢોનું લોહીનું દબાણ વધવાથી હૃદયરોગનું જોખમ વધે છે, પ્રતિક્ષેપો ધીમા પડે છે. લાંબી માંદગીનો દર વધે છે. બૌદ્ધિક કાર્યો કરવાની શક્તિ ટકી રહે છે, અને કેટલાક દાખલામાં વધે છે. શાબ્દિક બુદ્ધિ-આંક 64 વર્ષની વય સુધી વધે છે, જ્યારે અશાબ્દિક બુદ્ધિ-આંક 40ની વય પછી થોડો ઘટે છે.
ન્યૂગાર્ટેન અને સાથીઓનો અભ્યાસ સૂચવે છે કે પ્રૌઢો પોતે કેવી ભૂમિકા કરવી જોઈએ એ વિશેની સમાજની અપેક્ષાઓને મહદંશે સ્વીકારે છે. અન્ય અભ્યાસો સૂચવે છે કે યુ.એસ.ના પ્રૌઢોમાં સ્વાયત્ત અને સ્વવિકાસશીલ વ્યક્તિઓનું પ્રમાણ ઘટતું જાય છે, જ્યારે અન્ય લોકોથી દોરવાઈ જનારા અને સુખ માટે બીજા પર આધાર રાખનારાઓનું પ્રમાણ વધતું જાય છે.
સામાન્ય રીતે, પ્રૌઢાવસ્થામાં વ્યક્તિ વધારે સ્વાયત્ત બને છે; તેનાં પ્રભાવ, મોભો અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. આ અવસ્થામાં બીજા લોકો સાથે ગાઢ અને સફળ સંબંધો બાંધવાની અનેક તકો મળે છે. પ્રૌઢ વ્યક્તિ પોતાની જાતનું વધારે વાસ્તવિક મૂલ્યાંકન કરી શકે છે, અને મુખ્યત્વે પોતાની આંતરિક શક્તિઓથી વ્યક્તિત્વનો વિકાસ સાધે છે. પણ પ્રૌઢ બનવું સરળ નથી. આ વયે સંતાનો અને યુવા પેઢી પ્રત્યે, વડીલો પ્રત્યે તેમજ બીજા લોકો પ્રત્યેની અનેકવિધ જવાબદારી આવે છે. પ્રૌઢ વ્યક્તિએ આ વિવિધ કક્ષાના લોકો સાથે અસરકારક બનતાં શીખવું પડે છે. એક તરફ, યુવાપેઢીના મોજમઝાના વલણ અને બેફિકરાઈ અંગે પ્રૌઢોએ જાગૃત રહેવું પડે છે. બીજી તરફ, શારીરિક તકલીફોથી પીડાતા વૃદ્ધ વડીલોને સહાનુભૂતિ અને પ્રોત્સાહન આપવાં પડે છે. વળી કુટુંબમાં યુવાનો અને વૃદ્ધો વચ્ચે ચાલતા ઝઘડામાં પણ મધ્યસ્થી બની સુમેળ જાળવી રાખવો પડે છે.
પ્રૌઢાવસ્થામાં માણસની માનસિક શક્તિઓ પૂર્ણ રૂપે ખીલીને સુગ્રથિત બને છે. આ વયે વ્યક્તિ કાર્યક્ષમતા અને અસરકારકતાની ટોચે પહોંચે છે, તે વ્યવસાયમાં અને સામાજિક પ્રવૃત્તિઓમાં ઝડપી પ્રગતિ કરી શકે છે. પ્રૌઢાવસ્થા દરમિયાન વ્યક્તિત્વમાં પરિવર્તનો આવવાની શક્યતા હોય છે. તેમાંયે બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના ઘણા દેશોના પ્રૌઢોમાં અત્યંત ઝડપી પરિવર્તન આવતું જણાય છે. કેટલાક પ્રૌઢો કુદરતી ક્રમ પ્રમાણે અને બદલાતી પરિસ્થિતિ પ્રમાણે પોતાનામાં પરિવર્તન થવા દે છે. બીજા કેટલાક પ્રૌઢો પોતાનાં આગવાં ધ્યેયો નક્કી કરી, યોગ્ય પુરુષાર્થ કરીને પોતે ધારેલી દિશામાં પોતાની જાતમાં પરિવર્તન લાવે છે.
પ્રૌઢાવસ્થામાં કેટલીક વ્યક્તિઓની માનસિક સ્થિતિ આશા–નિરાશા, ઉત્સાહ-નિરુત્સાહ વચ્ચે લયબદ્ધ રીતે બદલાતી રહે છે. આવી કુદરતી લયબદ્ધતા(અં. રિધમ)નું દૈનિક, સાપ્તાહિક અને માસિક ચક્ર જોવામાં આવ્યું છે. પોતાની લયબદ્ધતાને ઓળખીને એ પ્રમાણે પોતાનાં કાર્યો ગોઠવનાર પ્રૌઢ વ્યક્તિ વધારે સફળ અને સંતુષ્ટ બને છે. જે પ્રૌઢો કાર્યોના બોજા નીચે કે બીજા લોકોની અણધારી માંગણીઓને કારણે પોતાના લય પ્રમાણે વર્તી શકતા નથી તેમનો તણાવ વધી જાય છે.
પ્રૌઢ વ્યક્તિના જીવનમાં વધારે કે ઓછી અપેક્ષિત એવી કેટલીક લાક્ષણિક ઘટનાઓ બનતી હોય છે. વધારે અપેક્ષિત ઘટનાઓ આ પ્રમાણે છે : પ્રૌઢ વ્યક્તિને વ્યવસાયમાં બઢતી મળે કે તેને નીચી પાયરીએ ઉતારવામાં આવે; તેના સામાજિક પ્રભાવ સામે પડકાર ફેંકવામાં આવે; હરીફો કે વિરોધીઓ સંઘર્ષ શરૂ કરે; આર્થિક-સામાજિક રીતે તેના કુટુંબની પ્રગતિ કે અવનતિ થાય; કેળવણી અને વ્યવસાયમાં સંતાનો સફળ કે નિષ્ફળ બને; સંતાનનાં પ્રેમપ્રકરણ, લગ્ન અને છૂટાછેડા અંગે સમસ્યાઓ ઊભી થાય; સંતાનો જુદા સ્થળે રહેવા જાય અને ત્યાં તેમને માટે આર્થિક, સામાજિક, રાજકીય કે શારીરિક મુશ્કેલીઓ ઊભી થાય; પૌત્ર-પૌત્રીના ઉછેરમાં ગંભીર અવરોધો ઊભા થાય; પોતે અનિદ્રા, ભોજનમાં અરુચિ કે જાતીય મંદતાના ભોગ બને વગેરે.
પ્રૌઢ-વયની ઓછી અપેક્ષિત ઘટનાઓમાં નીચેનાંનો સમાવેશ કરી શકાય : પ્રૌઢ વ્યક્તિમાં યુવાન અને સુંદર દેખાવાની ધૂન જાગે, તે અન્ય વ્યક્તિ સાથે પ્રેમમાં પડે અને જીવનસાથી સાથે સંઘર્ષ શરૂ થાય, તેને વ્યવસાયની અધવચ્ચે વધુ શિક્ષણ કે તાલીમ લેવાની ફરજ પડે. વ્યવસાયમાં અણધાર્યાં પરિવર્તનો કે સ્થળાંતર થાય, નોકરી ગુમાવવી પડે; મિત્રો અને નજીકનાં સગાં પણ તેની ઉપેક્ષા કે વિરોધ કરવા માંડે. કુટુંબીજન લાંબી કે ગંભીર માંદગી કે અકસ્માતમાં સપડાય, કુટુંબીજનનો લાંબો વિયોગ કે મૃત્યુ થાય.
જો આવી ઘટનાઓ માટે પ્રૌઢજન પહેલેથી જ માનસિક રીતે સજ્જ રહે તો તેને પહોંચી વળવાના ઉપાયો કરી શકે. આવા પ્રસંગોએ આવેગશીલ બની જવાથી મનોભાર અને મનોદૈહિક માંદગી આવી પડે. તેથી આવા પ્રસંગોના પડકારને ઝીલી લઈને તે પ્રત્યે કાર્યલક્ષી અને વિધાયક અભિગમ અપનાવવાથી પ્રૌઢ વ્યક્તિ વિકાસની વધુ પરિપક્વ અવસ્થાએ પહોંચે છે.
પ્રૌઢ-વયની આ વિવિધ સમસ્યાઓને પહોંચી વળવા માટે વ્યક્તિ પોતાનાં બાહ્ય અને આંતરિક સાધનોનો ઉપયોગ કરી શકે. બાહ્ય સાધનો આ પ્રમાણે છે : કુશળ અને વિશ્ર્વાસુ સાથીઓ અને મિત્રો પસંદ કરી તેમનો સહકાર અને સમર્થન મેળવવું, કાર્યક્ષમ બનવું અને સામાજિક કુનેહ કેળવવી, પોતાના કુટુંબને માટે મધ્યમ પ્રમાણમાં ઉત્તેજક વાતાવરણ પસંદ કરવું, વ્યવસાયનો બોજો મધ્યમ પ્રમાણમાં સ્વીકારવો, વર્ષભરનાં કાર્યોનું શક્ય એટલું પૂર્વ-આયોજન કરવું, સમય અને શ્રમનો કરકસરથી ઉપયોગ કરવો, તેમજ વ્યાવસાયિક કાર્યો, કૌટુંબિક અને સામાજિક કાર્યો અને શોખની પ્રવૃત્તિઓ વચ્ચે સમતુલા જાળવવી.
આંતરિક સાધનો તરીકે પ્રૌઢ વ્યક્તિએ નીચેનાં લક્ષણો પોતાનામાં શક્ય એટલાં વધારે વિકસાવવાનો પ્રયત્ન કરવો જરૂરી છે : જિજ્ઞાસા, પોતાની જાતને ઓળખવી અને સમજવી, નિખાલસ બનવું, સમર્થતા કેળવવી, પ્રવૃત્તિશીલ અને સ્વાશ્રયી બનવું, પોતાની સર્જકતા અને કલ્પનાશીલતાનો ઉપયોગ કરવો, જીવનનાં અનેક ક્ષેત્રોમાં રુચિ કેળવવી, આવેગોને કાબૂમાં રાખવા અને પોતાના વિકાસ માટેનો ઉત્સાહ જાળવવો.
ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે