પ્રોદાતુર : આંધ્રપ્રદેશ રાજ્યના કડાપ્પા જિલ્લામં આવેલું શહેર.

ભૌગોલિક સ્થાન : તે 14 44´ ઉ. અ. અને 78 33´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરની નજીક પેન્ના નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. તે સમુદ્ર સપાટીથી 158 મીટર જેટલી ઊંચાઈએ આવેલું છે. આ શહેર કડાપ્પા જિલ્લાનું વસ્તીની દૃષ્ટિએ દ્વિતીય ક્રમે આવતું શહેર છે.

અહીંની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ઉનાળાનું સરેરાશ તાપમાન 31 સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 20 સે. જેટલું રહે છે. વાર્ષિક વરસાદ આશરે 1000 મિમી. જેટલો પડે છે. અહીં મોટે ભાગે સૂકા પાનખર પ્રકારની વનસ્પતિ જોવા મળે છે.

કડાપ્પા જિલ્લાનું મહત્ત્વનું શહેર હોવાથી ખેત-પેદાશોનું ખરીદ-વેચાણ મથક છે. આ શહેરમાં કાપડ અને ખાદ્યતેલને લગતાં કારખાનાં આવેલાં છે. સોનાના વેપારનું મુખ્ય મથક છે. 24 કૅરેટ સોનાના દાગીના બનાવવાના નાના નાના અનેક એકમો આવેલા છે. કપાસનું મહત્ત્વનું ખરીદ-વેચાણ કેન્દ્ર છે.

આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ ન. 67 ઉપર આવેલ છે, જે બૅંગાલુરુ, હૈદરાબાદ, ચેન્નાઈ, વિજયવાડા વગેરે શહેરોને સાંકળે છે. પ્રોદાતુર રેલવેસ્ટેશન ગુંટકલ રેલવે વિભાગમાં આવે છે. આ મહત્ત્વનો બ્રૉડગેજ રેલમાર્ગ છે. કડાપ્પા હવાઈ મથક આશરે 60 કિમી. દૂર આવેલું છે.

અહીં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનું મુખ્ય કેન્દ્ર છે. સરકારી અને ખાનગી શાળાઓ આવેલી છે. જ્યાં અંગ્રેજી અને તેલુગુ ભાષામાં શિક્ષણ અપાય છે. ટૅક્નૉલૉજીનું શિક્ષણ આપતી સંસ્થાઓ અધિક છે. આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ અને એન્જિનિયરિંગની કૉલેજો પણ આવેલી છે.

આ શહેરનો વિસ્તાર 21.06 ચો.કિમી. છે અને વસ્તી આશરે (2011 મુજબ) 1,62,717 અને મેટ્રો શહેરની વસ્તી 2,17,895 છે. સાક્ષરતાનું પ્રમાણ 78.08% છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 1001 મહિલાઓ છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં સ્વતંત્રતા પહેલાં (1915) મ્યુનિસિપાલિટીની રચના સૌપ્રથમ કડાપ્પા અને પ્રોદાતુર શહેર ખાતે થઈ હતી. અહીં પીવાના પાણી અને સુએઝની વ્યવસ્થા ઉત્તમ પ્રકારની છે.

મહાકાવ્ય રામાયણમાં પ્રોદાતુરનો ઉલ્લેખ થયો છે. આ શહેરમાં અનેક જૂનાં મંદિરો આવેલાં છે. રામ પેન્ના નદીને કિનારે વસતા હતા તેવો ઉલ્લેખ રામાયણમાં છે. પેન્ના નદી રામેશ્વરમ્ તરીકે ઓળખાતી હતી. મુંબઈ પછી સોનાનો વેપાર અહીં મહત્ત્મ થતો હતો. સોના અને કાપડની અનેક દુકાનો આજે અહીં આવેલી છે. મૈસૂરમાં જેમ દશેરાનો તહેવાર ઊજવાય છે તેમ અહીં પણ ઊજવાય છે. વ્યાપારના વ્યૂહાત્મક મહત્ત્વને લક્ષમાં રાખીને 2010માં પ્રોદાતુર અને કુમબૂમ વચ્ચે રેલમાર્ગનો પ્રારંભ કરાયો છે.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી