પ્રૉસ્પેક્ટસ (બોધપત્ર)

February, 1999

પ્રૉસ્પેક્ટસ (બોધપત્ર) : કંપની અંગે જાહેર જનતાને માહિતી આપતો અને કંપનીના શેર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. પ્રૉસ્પેક્ટસ વાંચવાથી કંપની વિશે લોકો પૂરેપૂરી માહિતી મેળવી શકે છે. તેમાંના મહત્વના મુદ્દાઓ વર્તમાનપત્રો અને જાહેરાતનાં અન્ય માધ્યમો દ્વારા લોકોની જાણ માટે રજૂ કરવામાં આવે છે; પરંતુ તેથી બોધપત્રને જાહેરાત ગણી શકાય નહિ. બોધપત્ર કંપની ધારાની જોગવાઈ પ્રમાણે તૈયાર થતું હોય છે. વિજ્ઞાપનની જેમ બોધપત્રમાંની વિગતો આકર્ષક હોઈ શકે, પણ ખોટી કે ગેરરસ્તે દોરનારી ન હોવી જોઈએ. વિજ્ઞાપન કોઈ વખત ખોટું કે લોકોને ગેરરસ્તે દોરનારું હોઈ શકે છે તેથી બોધપત્રના મુખ્ય મુદ્દાઓની જાહેરાતમાં સ્પષ્ટ લખવામાં આવે છે કે આ જાહેરાત છે, પણ બોધપત્ર નથી.

કંપનીની નોંધણી થઈ ગયા પછી બોધપત્ર તૈયાર કરવામાં આવે છે. ચાલુ કંપની નવા શેર કે ડિબેંચર બહાર પાડે ત્યારે પણ બોધપત્ર બહાર પાડે છે. બોધપત્ર બહાર પાડતાં પહેલાં તેની નકલ કંપનીઓના રજિસ્ટ્રારને મોકલવી પડે છે. બહાર પાડવામાં આવેલી બોધપત્રની દરેક નકલ પર એમ લખવું પડે છે કે ‘આ બોધપત્રની એક નકલ કંપનીઓના રજિસ્ટ્રારને મોકલી છે.’ બોધપત્રમાં તારીખ નાખેલી હોવી જોઈએ તથા ડિરેક્ટરોની સહી હોવી જોઈએ. બોધપત્રમાં શેર કે ડિબેંચર ખરીદવા માટેની અરજી કરવાની શરૂઆતની તથા છેલ્લી તારીખ દર્શાવેલી હોય છે.

બોધપત્ર વાંચવાથી જાહેર જનતા કંપનીના ઉદ્દેશોથી માહિતગાર બને છે, તેમને કંપનીના ભવિષ્યનો તાર્દશ ચિતાર મળે છે. પોતે કંપનીમાં રોકેલાં નાણાંનો કંપની શો ઉપયોગ કરશે તેનો ખ્યાલ આવે છે. સંભવિત રોકાણકારો કંપનીના શેર ખરીદવા કે નહિ તેનો બોધપત્રના આધારે જે તે નિર્ણય લઈ શકે છે અને પરિણામે કંપની શેરમૂડી એકઠી કરી શકે છે.

બોધપત્રમાં સંભવિત શેરહોલ્ડરોને કંપનીમાં નાણાં રોકવા માટે ઉપયોગી એવી બધી માહિતી આપવામાં આવી હોય છે; જેવી કે, (1) કંપનીનું નામ, રજિસ્ટર્ડ ઑફિસનું સરનામું, હોદ્દેદારોનાં નામ અને સરનામાં; (2) કંપનીની એકઠી કરેલી મૂડી અને બહાર પાડવા ધારેલા શેર કે ડિબેંચર વિશેની માહિતી તથા લઘુતમ ભરણાની રકમ; (3) બોધપત્ર બહાર પાડવાની તારીખ સુધીનો કંપનીનો ટૂંકો ઇતિહાસ; (4) કંપની જે ધંધો હાથ ધરવા માગે છે તેનો સ્પષ્ટ ખ્યાલ; (5) કંપનીની નાણાકીય સ્થિતિ : મેળવેલી મિલકતો તથા નાણાકીય જવાબદારીઓ; (6) કમાણી કરવાની શક્યતાઓ તથા કંપનીમાં નાણાં રોકનારને રોકેલી રકમ પર અંદાજે કેટલું વળતર મળી શકે તેમ છે તેનો ખ્યાલ; (7) શેર કે ડિબેન્ચર ખરીદવા માટેની અરજી કરવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન.

જો બોધપત્રની કોઇ માહિતી છુપાવીને કે તેની ખોટી રીતે રજૂઆત કરીને લોકોને કંપની વિશે ભ્રામક ખ્યાલ આપવામાં આવે તો તેને માટે કંપનીના ડિરેક્ટરો વ્યક્તિગત રીતે સજાને પાત્ર ઠરે છે.

ખાનગી કંપની સિવાયની કંપનીઓએ એટલે કે જાહેર જનતા પાસેથી શેર કે ડિબેંચર દ્વારા મૂડી એકઠી કરતી કંપનીઓએ બોધપત્ર બહાર પાડવું પડે છે, પરંતુ જે જાહેર કંપનીને લોકો પાસેથી નાણાં મેળવવાની જરૂર ન હોય તે બોધપત્ર બહાર પાડતી નથી. બોધપત્રની અવેજીનું નિવેદન (statement in lieu of prospectus) શેરની ફાળવણી પહેલાં ઓછામાં ઓછા ત્રણ દિવસ અગાઉ કંપનીઓના રજિસ્ટ્રારને મોકલવું પડે છે.

બોધપત્ર અથવા તેની અવેજીના નિવેદનમાં દર્શાવાયેલી લઘુતમ મૂડી કરતાં ઓછું ભરણું થાય તો કંપની શેર ફાળવી શકતી નથી.

પિનાકીન ર. શેઠ