પ્રેસ કાઉન્સિલ : વૃત્તપત્રો અને શાસન તેમજ લોકો વચ્ચે ન્યાયિક પદ્ધતિએ કાર્ય કરીને સમજફેર ઘટાડી સંવાદ સ્થાપવાના હેતુથી સરકારે સ્થાપેલી સંસ્થા.
અખબારી સ્વાતંત્ર્યના રક્ષણ અને અખબારો તથા સમાચાર-સંસ્થાઓના ધોરણની જાળવણી તથા સુધારણાના હેતુથી 7 સપ્ટેમ્બર 1978ના રોજ સંસદે ધ પ્રેસ કાઉન્સિલ ઍક્ટ, 1978 તરીકે ઓળખાતો ખરડો પસાર કર્યો. એના હેતુઓમાં અખબારો માટે તથા પત્રકારો માટે આચારસંહિતા તૈયાર કરવી, પત્રકારત્વ તરીકે કામગીરી કરતા લોકોમાં જવાબદારી અને જાહેરસેવાની ભાવના જાગ્રત કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ હેતુ માટે કોઈ પણ નાગરિક કોઈ પણ અખબાર સામે પોતાને થયેલા અન્યાય અંગે ફરિયાદ નોંધાવી શકે છે. એ જ રીતે અખબાર પણ સરકાર સામે કથિત અન્યાય અંગે દાદ માગી શકે છે. કાઉન્સિલ આવા કિસ્સાઓમાં તપાસ કરી શકે છે અને જ્યાં એને જણાય કે કોઈ તંત્રી કે પત્રકારે પત્રકારત્વનાં ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે, ત્યાં એને ચેતવણી આપી શકે છે અથવા ઠપકો આપી શકે છે. આ ઉપરાંત એની વિગતો અખબારમાં છાપવી જરૂરી જણાય તો એ મુજબનો આદેશ આપી શકે છે. કાઉન્સિલે કરેલી તપાસ ભારતીય દંડ સંહિતાની કલમ 193 અને 228 મુજબની ગણાય છે. દીવાની અદાલતની કાર્યવહી મુજબ કાર્યવહી કરવાની કાઉન્સિલને સત્તા છે, આમ છતાં કાઉન્સિલ કોઈને સજા કરી શકતી નથી. કાઉન્સિલમાં એક અધ્યક્ષ ઉપરાંત બીજા 28 સભ્યો છે. 13 સભ્યો પત્રકારત્વમાંથી લેવાય છે, જેમાં 6 તંત્રીઓ અને બીજા 7 તંત્રી સિવાયના પત્રકારો હોય છે. છ સભ્યો અખબારોના વ્યવસ્થાપકોમાંથી આવે છે; જેમાં મોટાં, મધ્યમ અને લઘુ અખબારોનું પ્રતિનિધિત્વ જળવાય છે. એક સભ્ય સમાચાર-સંસ્થામાંથી આવે છે, એક સભ્ય બાર કાઉન્સિલમાંથી, એક વિશ્વવિદ્યાલય અનુદાન પંચમાંથી અને એક સાહિત્ય અકાદમીમાંથી લેવાય છે. આ ઉપરાંત તેમાં પાંચ સંસદસભ્યોની નિમણૂક થાય છે, જેમાં ત્રણ લોકસભામાંથી અને બે રાજ્યસભામાંથી લેવાય છે.
યાસીન દલાલ