પ્રેસ કમિશન : વર્તમાનપત્રોની કામગીરી અને એમના પ્રશ્નોમાં ઊંડે ઊતરી તે અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસ્તુત કરવા સરકાર દ્વારા નીમવામાં આવતું પંચ. 1954માં ભારત સરકારે પ્રથમ અખબારી પંચ નીમેલું જેણે અખબારોની કામગીરી અંગેનો એક સર્વગ્રાહી અહેવાલ સરકારને સુપરત કરેલો. એણે જે ભલામણો કરી, એમાંની એક ભલામણ પ્રેસ કાઉન્સિલની રચનાને લગતી હતી. ન્યાયમૂર્તિ રાજાધ્યક્ષ એના અધ્યક્ષ હતા. ‘કમિશન ઑવ્ ઇન્ક્વાયરી’ કાયદા હેઠળ આ પંચ રચાયું હતું. પંચે જાહેર જનતા અને અખબારી ક્ષેત્ર એમ બંને પાસેથી રજૂઆતો મેળવીને ત્રણ ભાગમાં પોતાનો અહેવાલ આપ્યો હતો. પંચે અખબારી ક્ષેત્રે પ્રવેશેલી ઇજારાશાહી સામે લાલબત્તી ધરી હતી અને અખબારો દ્વારા અપનાવાતી બિનતંદુરસ્ત પદ્ધતિઓની ચર્ચા કરી હતી. એણે અખબારો દ્વારા મેળવાતા નફા ઉપર નિયંત્રણ મૂકવાનું સૂચવ્યું હતું. અખબારોની નોંધણી અને બીજી માહિતી એકત્ર કરવા માટે એણે પ્રેસ રજિસ્ટ્રાર નીમવાનું સૂચવ્યું જેનો સરકારે અમલ કર્યો. પંચે પાનાંની સંખ્યા મુજબ દૈનિક અખબારની કિંમત નક્કી કરવાનું સૂચવ્યું, પણ એ ભલામણ ખૂબ વિવાદાસ્પદ બનીને અટવાઈ ગઈ. પંચે અખબારનું મહત્તમ કદ નક્કી કરવા સૂચવ્યું હતું. એ ભલામણનો પણ અમલ થઈ શક્યો નહિ.
કેન્દ્રમાં 1978માં સત્તારૂઢ થયેલી જનતા સરકારે બીજું અખબારી પંચ નીમ્યું હતું. ન્યાયમૂર્તિ ગોસ્વામી એના અધ્યક્ષ હતા. એ પોતાનો અહેવાલ આપે એ પહેલાં ફરી સત્તાપલટો થતાં એની પુનર્રચના થઈ. દ્વિતીય પંચે જે અહેવાલ આપ્યો એની કેટલીક ભલામણો વિવાદાસ્પદ બની હતી. એણે પણ પાનાંની સંખ્યા મુજબ ભાવ નક્કી કરવાની તથા માલિકીના વિકેન્દ્રીકરણની ભલામણ કરી હતી. પંચે વર્તમાનપત્ર વિકાસ બૉર્ડની રચના સૂચવી હતી, અને જ્યોતિષ તથા અંધશ્રદ્ધાને ઉત્તેજે તેવી સામગ્રી પર પ્રતિબંધ લાદવા સૂચવ્યું હતું. સિનેમા અને સેક્સને લગતાં પત્રોને ન્યૂઝ પ્રિન્ટ નહિ આપવાની પણ ભલામણ કરી હતી. એણે આચારસંહિતા પર ભાર મૂકીને માધ્યમ-શિક્ષણ અને સંશોધનને અગ્રતા આપી હતી.
પણ બીજા અખબારી પંચનો અહેવાલ સરકારી દફતરમાં પડ્યો રહ્યો છે. ભાગ્યે જ એની કોઈ ભલામણનો વ્યવસ્થિત અમલ કરાયો છે.
યાસીન દલાલ