પ્રેવેર, ઝાક (જ. 1900, પૅરિસ; અ. 1977, ઓમોવિલ-લા-પતીતી) : ફ્રેંચ કવિ અને સિનેસર્જક. મધ્યમ વર્ગના સામાન્ય કુટુંબમાં જન્મ. આરંભમાં ડિપાર્ટમેન્ટ-સ્ટોરમાં મદદનીશ તરીકે કામ કર્યું. 1920–21માં લશ્કરી તાલીમ લીધી. 1926–29માં પરાવાસ્તવવાદના આંદોલનમાં સક્રિય હતા. 1931માં ‘કૉમર્સ’ સામયિકમાં એક દીર્ઘ કથનાત્મક કટાક્ષકાવ્ય ‘દીને દ તેત’ પ્રગટ કર્યું. તે સમયથી કવિ તરીકે પ્રસિદ્ધ થયા. 1932માં એક ફિલ્મનું નિર્માણ કર્યું અને તે સમયથી સિનેસર્જક તરીકે પણ પ્રસિદ્ધ થયા. એ પછી આયુષ્યના અંત લગી કવિતા અને ફિલ્મના ક્ષેત્રમાં સતત પ્રવૃત્ત રહ્યા હતા. 1946માં એમની સમગ્ર કવિતાનો સંગ્રહ ‘પારોલ’ પ્રગટ થયો. તે સમયથી ફ્રાંસના આ સદીના એક અગ્રણી કવિ તરીકે તેઓ પ્રતિષ્ઠિત થયા. એમના જીવનકાળમાં 1946થી 1969 સુધીમાં ‘પારોલ’ની 10 લાખ નકલ અને 1969થી 1977 સુધીમાં એની બીજી લગભગ 10 લાખ નકલનું વેચાણ થયું હતું. આ પ્રકાશનમાં ખરેખર તો એમનાં એકત્રિત કાવ્યો પ્રગટ થયાં હતાં. આ કાવ્યો એમના મિત્ર રને બર્તેલેએ જૂનાં દૈનિકો અને સામયિકોમાંથી તથા મિત્રો અને અલ્પપરિચિતોના ખાનગી સંગ્રહોમાંથી એકત્રિત કર્યાં હતાં, કારણ કે પરબીડિયાંની પાછળનાં કોરાં પાનાં પર અને પૅરિસના કાફેના કાગળના ટેબલ-ક્લૉથ પર એમને કાવ્યો લખવાની ધૂન હતી. ‘પારોલ’નાં કાવ્યોને કારણે એ પૅરિસમાં રાતોરાત લોકપ્રિય થયા હતા. આ કાવ્યો પૅરિસનાં સૌ વર્તુળોમાં રોજરોજ વંચાતાં હતાં. પૅરિસના અનેક મ્યુઝિક હૉલમાં તથા યુવાનોની અને વિદ્યાર્થીઓની અનેક નાઇટ-ક્લબોમાં તે ગવાતાં હતાં. આ કાવ્યોના વસ્તુવિષયમાં રાજ્ય અને ધર્મનો પ્રતિકાર તથા તિરસ્કૃતો, બહિષ્કૃતો, શોષિતો અને શાસિતોનો પુરસ્કાર; એનાં શૈલીસ્વરૂપમાં ‘કૉલાઝ’, ‘કૅટલૉગ’, શાબ્દિક ચિત્રો-આકૃતિઓ અને વિરોધાભાસ; એની ભાષામાં બોલચાલ અને વાતચીતની લઢણો તથા લોકકવિતાની જેમ સહજ, સરલ, સીધાસાદા લય-લહેકા છે અને એમાં જ આ કાવ્યોની અસાધારણ લોકપ્રિયતાનું રહસ્ય છે. એમણે 1946માં ‘ઇસ્ત્વાર’, 1951માં ‘સ્પેક્તાકલ’, 1955માં ‘લા પ્લુઇ એ લા બો તાં’ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા હતા. તમાકુના અતિસેવનથી 1977માં 77 વર્ષની વયે એમનું અવસાન થયું હતું.
નિરંજન ભગત