પ્રેરકત્વ (inductance) : વિદ્યુત-પરિપથમાં વહન કરતા વિદ્યુતપ્રવાહના ફેરફારનો વિરોધ કરતો વિદ્યુત-પરિપથનો ગુણધર્મ. વાહકમાં વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. લેન્ઝના નિયમ મુજબ આવું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતપ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. ચુંબકીય ક્ષેત્રના વિરોધ પરત્વે પરિપથની પ્રતિક્રિયાને પ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે.

સ્થિર સીધા પ્રવાહ ઉપર પ્રેરકત્વની અસર થતી નથી; કારણ કે વિદ્યુતવાહકમાં વહેતા વિદ્યુતપ્રવાહથી પેદા થતા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતો નથી. વિદ્યુતપ્રવાહમાં ફેરફાર થાય તો જ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય. ઊલટ-સૂલટ પ્રવાહ(alternate current)માં વિદ્યુત-પ્રવાહનું મૂલ્ય સતત બદલાય છે. માટે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. ચુંબકીય ક્ષેત્રનો આવો ફેરફાર વાહકમાં વિદ્યુત-સ્થિતિમાન (voltage) પેદા કરે છે, જે પ્રવાહમાં થતા વધારા કે ઘટાડાનો વિરોધ કરે છે.

વિદ્યુત-પરિપથમાં તેના જ વિદ્યુતપ્રવાહમાં થતા ફેરફારને લીધે ઉદભવતા પ્રેરકત્વને સ્વ-પ્રેરકત્વ (self-inductance) કહે છે. એક પરિપથમાં વિદ્યુતપ્રવાહના ફેરફારથી બીજા પરિપથમાં પણ ફેરફાર થાય તો આવા બે વિદ્યુત-પરિપથ વચ્ચે પ્રવર્તતા પ્રેરકત્વને અન્યોન્ય પ્રેરકત્વ (mutual inductance) કહે છે. વિદ્યુતપ્રવાહનું વહન કરતા સીધા વાહક-તારને ગૂંચળામાં ફેરવી દેતાં તેનું પ્રેરકત્વ વધે છે. આ ગૂંચળાને પ્રેરણ-ગૂંચળું અથવા ચૉક-ગૂંચળું કહે છે. આવા ગૂંચળાની વચ્ચે લોખંડનો ગર્ભ (core) રાખતાં પ્રેરકત્વમાં વધારો થાય છે. પ્રેરકત્વનો એકમ હેન્રી છે.

વિદ્યુત ઇજનેરો વિદ્યુતપ્રવાહના નિયંત્રણ માટે પ્રેરણ-ગૂંચળાનો ઉપયોગ કરતા હોય છે. પ્રેરકત્વ એ.સી. પ્રવાહનો વિરોધ કરતું હોઈ તેનો ફિલ્ટર તરીકે ઉપયોગ કરી શકાય છે. પરિણામે ડી. સી. અને એ. સી. પ્રવાહોને છૂટા પાડી શકાય છે.

આનંદ પ્ર. પટેલ