પ્રેમ પ્રકાશ (જ. 7 એપ્રિલ 1932, લુધિયાણા, પંજાબ) : જાણીતા પંજાબી વાર્તાકાર. તેમને તેમના શ્રેષ્ઠ વાર્તા-સંગ્રહ ‘કુઝ અનકિહા વી’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.

તેમણે 22 વર્ષની ઉંમરે પંજાબીમાં બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. 1963માં પત્રકારત્વનો ડિપ્લોમા અને બે વર્ષ બાદ ઉર્દૂમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે બદગુજ્જરાંમાં ખેતીવાડી સંભાળી અને કેટલાંક વર્ષો સુધી જાલંધરમાં અધ્યાપનકાર્ય પણ કર્યું.

ત્યારબાદ તેઓ ‘મિલાપ’ અને ‘હિન્દ સમાચાર’ના સંપાદક તરીકે જોડાયા. હાલ તેઓ ‘લકીર’ નામનું સાહિત્યિક દ્વૈમાસિક પંજાબીમાં પ્રગટ કરે છે.

પ્રેમ પ્રકાશ

1954–55માં તેમણે વાર્તાઓ લખવાનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં તેઓ સઆદત હસન મંટોની શૈલીથી પ્રભાવિત હતા, પરંતુ થોડા જ વખતમાં તેમણે પોતાની આગવી શૈલી સિદ્ધ કરી. આજ સુધીમાં તેમના 9 વાર્તાસંગ્રહો પ્રગટ થયા છે. 1985માં તેમનો વાર્તાસંગ્રહ ‘પ્રેમ-કહાનિયાં’ પ્રગટ થયો. તે પહેલાં પ્રગટ થયેલ તેમના વાર્તાસંગ્રહ ‘મુક્તિ’ને પંજાબ સાહિત્ય અકાદમી પુરસ્કાર 1982માં, ‘શવેતાંબર ને કહ્યા સી’ને જી.એન.ડી. વિશ્વવિદ્યાલય વાર્તાંક પુરસ્કાર 1986માં મળ્યા છે. ‘દસ્તાવેજ’ નામની તેમની નવલકથા 1990માં પ્રગટ થઈ છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કુઝ અનકિહા વી’ માનવજીવનની માર્મિક કથાઓનો સંગ્રહ છે. પાત્રો અને પરિસ્થિતિઓનું સરળ આકલન, વિષયોની પસંદગીમાં વૈવિધ્ય તેમ જ સાહજિક અને રોચક વર્ણનશૈલી વગેરેને કારણે આ કૃતિ ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા