પ્રેમનાથ (જ. 25 નવેમ્બર 1927, પેશાવર, હાલ પાકિસ્તાન; અ. 3 નવેમ્બર 1992, મુંબઈ) : હિંદી ચલચિત્રોના પ્રતિભાસંપન્ન અભિનેતા. પૂરું નામ પ્રેમનાથ મલ્હોત્રા. પિતા : રાયસાહેબ કરતારનાથ બ્રિટિશ સરકારના નિષ્ઠાવાન અધિકારી હતા. ચલચિત્રનિર્માતા, અભિનેતા તથા ભારતીય સંગીતના જાણકાર પ્રેમનાથ નાગપુરની વિખ્યાત મોરીસ કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય અને ફિલસૂફીના વિષયો સાથે સ્નાતક થયા હતા. પિતાની ઇચ્છાને માન આપીને પ્રેમનાથ લશ્કરમાં જોડાયા પણ પહેલેથી જ તેમનો સ્વભાવ લહેરી હોવાને કારણે આઠ જ મહિનામાં લશ્કરમાંથી ભાગીને મુંબઈ જતા રહ્યા.
અભિનેતા પૃથ્વીરાજ કપૂર તેમના દૂરના સગા થાય. તેમના સાથથી પ્રેમનાથે પહેલાં નાટકોમાં અને પછી ચલચિત્રોમાં કામ શરૂ કર્યું. રાજ કપૂર સાથે તેમનાં બહેન કૃષ્ણાને પરણાવીને કપૂર પરિવાર સાથે વધુ નિકટનો નાતો બાંધ્યો. પ્રેમનાથનું વ્યક્તિત્વ પ્રભાવક હતું. આ ઉપરાંત હિંદી, ઉર્દૂ, પંજાબી તથા અંગ્રેજી ભાષા પરની પકડને કારણે રંગમંચ અને ફિલ્મોમાં તેમને સફળતા મળી. એ જમાનાના ખ્યાતનામ નિર્દેશક મોહન ભવનાણીએ પ્રેમનાથને ‘અજિત’ ચિત્રમાં મધુબાલા સાથે તક આપી. રાજ કપૂરના ચિત્ર ‘બરસાત’માં તેમની પ્રકૃતિને અનુરૂપ મોજીલા યુવાનની ભૂમિકા નિભાવી. ‘બાદલ’માં નાયક તરીકે સફળ થયા અને ખાસ તો રાજ કપૂર, દિલીપકુમાર, દેવ આનંદ જેવા ગજું કાઢી ચૂકેલા નાયકો વચ્ચે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી શક્યા.
એક દિવસ બધું છોડીને તેમણે હિમાલયનો માર્ગ પકડી લીધો. પાંચેક વર્ષની રઝળપાટ પછી પાછા આવ્યા ત્યારે મોજીલો સ્વભાવ તરંગી થઈ ગયો હતો. ‘સેમસન ડિલાઇલા’ ચિત્રના નિર્માણ દરમિયાન અભિનેત્રી બીના રાય સાથે લગ્ન કર્યાં. ‘ગોલકુંડા કા કૈદી’ ચિત્રનું તેમણે નિર્માણ કર્યું, જે સફળ ન થતાં સંન્યાસ લઈ લીધો. થોડાં વર્ષો બાદ ફરી મુંબઈ આવ્યા. ચલચિત્રોમાં કામ કર્યું અને ‘જૉની મેરા નામ’, ‘બૉબી’, ‘રોટી, કપડા ઔર મકાન’, ‘શોર’, ‘ધર્માત્મા’, ‘ધરમકરમ’ વગેરે ચિત્રોમાં વિવિધ ભૂમિકાઓને સુંદર ન્યાય આપ્યો. અનેક ચિત્રોમાં તેઓ ખલનાયક પણ બન્યા હતા.
115 જેટલાં ચિત્રોમાં કામ કરનાર પ્રેમનાથનાં મહત્વપૂર્ણ ચિત્રો છે ‘આગ’ (1948), ‘બરસાત’ (’49), ‘બાદલ’ (’51), ‘આન’ (’52), ‘ગોલકુંડા કા કૈદી’ (’54), ‘ચંગેઝખાં’ (’57), ‘સિકંદર એ આઝમ’ (’65), ‘તીસરી મંઝિલ’ (’66), ‘જૉની મેરા નામ’ (’70), ‘શોર’ (’72), ‘બૉબી’ (’73), ‘રોટી, કપડા ઔર મકાન’ (’74), ‘ધર્માત્મા’ (’75), ‘ધરમ કરમ’ (’75), ‘કાલીચરણ’ (’76) અને ‘કર્ઝ’ (’80).
હરસુખ થાનકી