પ્રુધ્રોં, પિયેરે-જૉસેફ (જ. 15 જાન્યુઆરી 1809, બિસાન્કોન; અ. 19 જાન્યુઆરી 1865, પાસ્સી) : ઓગણીસમી સદીના મધ્ય અને અંત ભાગમાં ઉદ્દામવાદી વિચારોના વિકાસમાં ફાળો આપનાર ફ્રેંચ સ્વાતંત્ર્યવાદી, સામાજિક ચિંતક અને પત્રકાર. શ્રમિક ગરીબ કુટુંબમાં જન્મ. પિતા ધર્મશાળાના ચોકિયાત. 9 વર્ષની વયે પ્રુધ્રોંએ જુરા પર્વતની તળેટીમાં ભરવાડ તરીકે કામ કર્યું. ગ્રામીણ વાતાવરણ અને ખેડૂત પરિવારમાં થયેલ ઉછેરની ઘેરી છાયા તેના આદર્શ સમાજ અંગેના ચિંતન પર પડેલી. પ્રુધ્રોંની આદર્શ સમાજની પરિકલ્પના એવી હતી કે એમાં નાના ખેડૂતો અને કારીગરો ગરીબાઈમાં રહેવા છતાં પણ સ્વતંત્રતા, શાંતિ અને ગૌરવપૂર્ણ જીવન વ્યતીત કરી શકે.
પ્રુધ્રોંને 19 વર્ષની વયે કૌટુંબિક હાડમારીઓને લીધે સ્થાનિક છાપખાનામાં મુદ્રક અને કંપોઝિટર તરીકે નોકરી કરવી પડી. નોકરી દરમિયાન તેણે મુદ્રણની હુન્નરકળા તો જાણી લીધી, પરંતુ સાથોસાથ ગ્રીક, લૅટિન અને હિબ્રૂ ભાષાઓનો પણ અભ્યાસ કર્યો. આ સમયે પ્રુધ્રોં બિસોન્કીનના રહેવાસી કાલ્પનિક સમાજવાદી ચિંતક ચાર્લ્સ ફૂરિયેના પ્રભાવ નીચે આવ્યા. પછી લેખનમાં અભિરુચિ વધતાં તેણે ફ્રેંચ ભાષામાં ગદ્ય લખવાનું શરૂ કર્યું. અનુવાદ કરવાની ર્દષ્ટિએ મુશ્કેલ એવા એના ગદ્યની ફ્લોબેર, સેંટ બવ તથા બૉદલેર જેવા સાહિત્યકારોએ પ્રશંસા કરી, તેણે બિસેન્કીન એકૅડેમીની શિષ્યવૃત્તિની મદદથી પૅરિસ ખાતે અભ્યાસ શરૂ કર્યો.
અભ્યાસકાળ દરમિયાન તેણે પોતાના પ્રથમ નોંધપાત્ર ગ્રંથ ‘Quest-ceque la proprie’te’(વૉટ ઇઝ પ્રોપર્ટી? )ની રચના કરી (1840). લોકોનું ધ્યાન ખેંચવા તથા પોતાના વિચારોના સાચા સ્વરૂપને ઢાંકવા માટે ઉત્તેજનાત્મક જાહેરાતો કરવાની તેને આદત હતી; જેમ કે, ‘હું અરાજકતાવાદી છું’, ‘સંપત્તિ એ ચોરી છે’ વગેરે જેવી જાહેરાત કરીને તેણે સામાન્ય રીતે માનવામાં આવે છે તેમ કંઈ સંપત્તિની સંસ્થા પર હુમલો કર્યો નથી ! તેણે તો એવી સંપત્તિનો વિરોધ કર્યો કે જે અન્ય મનુષ્યના શ્રમના શોષણનું પરિણામ હોય. સ્વતંત્રતાની જાળવણી માટે નાના ખેડૂતોને જમીન ધારણ કરવાનો કે નાના કારીગરોને પોતાના ઉત્પાદનનાં ઓજારો કે વર્કશૉપ પર માલિકી ધરાવવાના હક્કનું તેણે સમર્થન કર્યું છે.
1842માં ‘વૉર્નિંગ ટુ પ્રોપ્રાઇટર્સ’ની પ્રસિદ્ધિ માટે પ્રુધ્રોં પર કામ ચલાવવામાં આવ્યું. પરંતુ આ ગ્રંથમાંની તેની દલીલો જ્યુરીના સભ્યો સમજી શક્યા નહિ તેથી તે નિર્દોષ છૂટી ગયો. 1843–47 સુધી લિયોન ખાતેના પોતાના વસવાટ દરમિયાન પ્રુધ્રોંએ વૉટર ટ્રાન્સપૉર્ટ કંપનીમાં મૅનેજિંગ કલાર્ક તરીકે કામ કર્યું. અહીંયાં તે વણકરોની ગુપ્ત સોસાયટીના સંપર્કમાં આવ્યો. આ સોસાયટી ‘મ્યુચ્યુઆલિસ્ટ’ તરીકે ઓળખાતી. તેના સમર્થકોએ ‘પ્રોટોએનાર્કિસ્ટ’ સિદ્ધાંત વિકસાવ્યો. આ સિદ્ધાંત એવું પ્રતિપાદિત કરતો હતો કે આવી રહેલ ઔદ્યોગિક યુગમાં કારખાનાંઓનું સંચાલન કામદારોના મંડળ દ્વારા થતું હશે અને આ કામદારો હિંસક સાધનોને બદલે આર્થિક સાધનોની મદદથી સમાજમાં પરિવર્તન લાવશે. પ્રુધ્રોંની નારીવાદી સમાજવાદી મહિલા ફ્લોરા સ્ટ્રીસ્ટાન સાથે પણ મુલાકાત થયેલી. પૅરિસ ખાતેના રોકાણ દરમિયાન પ્રુધ્રોં કાર્લ માર્કસ, મિખાઇલ બાકુનીન અને રશિયન સમાજવાદી લેખક એલેક્ઝાન્ડર હર્ઝેનના સંપર્કમાં આવ્યો. 1846માં સમાજવાદી આંદોલનના સંગઠનની રચના બાબતે પ્રુધ્રોંને માર્કસ સાથે મતભેદ પડ્યો. ત્યારબાદ ટૂંકા ગાળામાં માર્કસની સામ્યવાદી વિભાવનાની મીમાંસા રૂપે તેણે ‘સિસ્ટમ ઑવ્ ઇકૉનૉમિક કૉન્ટ્રાડિક્શન ઑર ધ ફિલૉસૉફી ઑવ્ પોવર્ટી’ (1846) ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. 1847માં ‘ધ પોવર્ટી ઑવ્ ફિલૉસૉફી’ નામની પત્રિકા બહાર પાડીને માર્ક્સે આની સામે તીવ્ર પ્રતિક્રિયા વ્યક્ત કરી.
1848માં પ્રુધ્રોં લિયોન છોડીને પૅરિસ ગયો અને ત્યાં અખબારનું પ્રકાશન તથા અન્ય અખબારોનું સંપાદનકાર્ય સંભાળ્યું. આ અખબારો અરાજકતાવાદી વિચારધારાને અનુસરતાં હોઈને સરકારી સેન્સરશિપને લીધે બંધ થયાં. 1848ની ક્રાંતિમાં પ્રુધ્રોંએ ભાગ લીધો હતો. જૂન 1848માં તે ‘દ્વિતીય પ્રજાસત્તાક’ની બંધારણસભામાં ચૂંટાયો હોવા છતાં તેણે ક્રાંતિ દરમિયાન ઉદભવેલાં આપખુદવાદી વલણોની ટીકા કરવાનું ચાલુ રાખ્યું.
પ્રુધોંએ વ્યાજમુક્ત ‘પિપલ્સ બૅંક’ શરૂ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. 1849થી 1852 સુધી લુઇસ નેપોલિયનની ટીકા કરવા બદલ તેને કેદની સજા ફટકારવામાં આવી. આ સજા દરમિયાન તેણે લગ્ન કર્યું અને એક પુત્રનો પિતા બન્યો. વળી તે અવારનવાર પૅરિસની મુલાકાત પણ લેતો હતો. જેલની કોટડીમાં બેઠાં બેઠાં તે અખબારનું સંપાદન કરતો હતો. આ ગાળા દરમિયાન તેણે બે મૌલિક ગ્રંથો ‘કન્ફેશન ઑવ્ અ રેવલૂશનરી’ (1849) તથા ‘ધ જનરલ આઇડિયા ઑવ્ ધ રેવલૂશન ઇન ધ નાઇન્ટિથ સેન્ચુરી’(1851)ની રચના કરી. આ બીજા ગ્રંથમાં તેણે સમવાયી વિશ્વસમાજનું ચિત્ર આલેખ્યું છે.
1852માં જેલમાંથી મુક્ત થયા બાદ પણ શાહી પોલીસની કનડગતને લીધે પ્રુધ્રોં બેલ્જિયમ નાસી છૂટ્યો. તેથી તેની ગેરહાજરી દરમિયાન તેને વધુ સજા ફટકારવામાં આવી. 1862 સુધીના દેશનિકાલના ગાળા દરમિયાન પ્રુધ્રોંએ રાષ્ટ્રવાદના વિરોધી વિચારનો વિકાસ કર્યો તથા વિશ્વ સમવાયી સમાજવ્યવસ્થાના વિચારનો પ્રચાર કર્યો. પૅરિસ પાછા ફર્યા બાદ પ્રુધ્રોંના વિચારોનો સારો એવો પ્રભાવ કારીગરવર્ગમાં વિસ્તર્યો. કારીગરોએ ‘મ્યુચિયાલિસ્ટ’ના વિચારો અપનાવ્યા. 1865માં મૃત્યુ પામતાં પહેલાં પ્રુધ્રોંએ પોતાની છેલ્લી કૃતિ ‘દ લા કેપેસીતે પોલીતીક દે ક્લાસે ઉવ્રીએર : ‘કામદાર વર્ગની રાજકીય શક્તિ’ (1865) પૂરી કરી. તેણે એ કૃતિમાં એવું પ્રતિપાદન કર્યું કે આર્થિક પગલાંઓને આધારે મુક્તિ સાધવાનું કાર્ય સ્વયં કામદારોનું છે.
પ્રુધ્રોં એકાકી ચિંતક હતો. તેણે કોઈ પ્રથા કે વિચારસરણીની રચના કરી છે તેવું સ્વીકારવાનો તે ઇન્કાર કરતો હતો. ‘ફર્સ્ટ ઇન્ટરનૅશનલ’ પર તેના વિચારોનો સારો એવો પ્રભાવ પડ્યો હતો. બાકુનીનના અરાજકતાવાદી વિચારોના આધાર તરીકે પણ પ્રુધ્રોંનું ચિંતન હતું. પ્રુધ્રોંના વિચારોનો પ્રભાવ પિટર ક્રોપોટ્કીન, રશિયન પૉપ્યુલિસ્ટ વિચારકો, રેડિકલ ઇટાલિયન નૅશનાલિસ્ટ (1860) તથા સ્પૅનિશ ફેડરાલિસ્ટ (1870) પર પડ્યો હતો. 1920 સુધી ફ્રાન્સના કામદારોના ઉદ્દામવાદી આંદોલન પર સૌથી મહત્વની અસર તેના જ વિચારોની હતી.
નવનીત દવે