પ્રિચાર્ડ ઇવાન્સ એડવર્ડ સર (જ. 1902, ક્રોબરો, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 11 સપ્ટેમ્બર, 1973) : ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ સમાજમાનવશાસ્ત્રી એડવર્ડ ઇવાન ઇવાન્સ બ્રિટિશ સ્કૂલમાં પ્રત્યક્ષ ક્ષેત્રકાર્ય કરનારા નામાંકિત માનવશાસ્ત્રી. તેમણે નિલોટિક જાતિઓ વિશે અભ્યાસ કર્યો છે. તેઓ એક રોમન કૅથલિક પાદરીને ત્યાં જન્મ્યા હતા. 1916થી 1921 વેન્ચેસ્ટર કૉલેજમાં અને 1921થી 1924 સુધી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.
લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં તેઆ માનવશાસ્ત્ર વિષય ભણ્યા. આ દરમિયાન તેમણે મેલિનોવૉસ્કી પાસેથી પણ તાલીમ મેળવી હતી. 1927માં તેમણે પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમનું એ પદવી માટેનું સંશોધન દક્ષિણ સુદાન વિસ્તારની એઝેન્ડે જાતિમાંનાં ડાકણ, જાદુ તથા મંત્ર-તંત્રનાં સ્વરૂપો વગેરેના પ્રત્યક્ષ ક્ષેત્રકાર્ય પર આધારિત હતું. તે પછી તેમણે આ જ પ્રદેશની નાઇલ નદીના પ્રદેશમાં રહેતી પશુપાલક ન્યૂઅર જાતિનાં સગાઈ, લગ્ન, રાજકીય વ્યવસ્થા, ધર્મ વગેરે વિષયો પર તલસ્પર્શી અભ્યાસો કર્યા. 1938માં કેરોમાં તેમને પ્રોફેસરશિપ મળી. તે પછી તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા અને 1940 સુધી ત્યાં જ રહ્યા. 1940માં ઇથોપિયા, સુદાન, લીબિયા વગેરે દેશોમાં લશ્કરમાં મેજરના હોદ્દા સાથે સેવાઓ પણ આપી. સેરેનેશિયામાં લશ્કરી કામગીરી દરમિયાન બેદુઇન જાતિનો અભ્યાસ કર્યો. 1945માં કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં રીડર તરીકે જોડાયા અને 1946માં રેડક્લિફ બ્રાઉનની નિવૃત્તિ પછી ત્યાં પ્રોફેસર થયા. 1970માં ત્યાંથી નિવૃત્ત થયા.
તેમણે રેડક્લિફ બ્રાઉનના સમાજવિજ્ઞાનના વિચારોનું મૂલ્યાંકન કર્યું તથા પ્રકાર્યવાદને સરળ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો. તેમણે ક્ષેત્રકાર્ય માટે જેમ્સ ફ્રેઝર તથા મેલિનોવૉસ્કી પાસેથી પ્રેરણા મેળવી હતી. આફ્રિકાના ઉત્તર, પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારોમાં વસતી જાતિઓને તેમણે તેમનાં સમગ્ર સંશોધનોના કેન્દ્રમાં રાખી. ન્યૂઅર જાતિના ઊંડા અભ્યાસ દ્વારા એક પશુપાલક આદિમ જાતિની આંતરગુંફિત અસરોને ખૂબ સુંદર રીતે સૌપ્રથમ વાર રજૂ કરી.
તેમના વૈજ્ઞાનિક ઘડતરમાં પ્રશિષ્ટ વિચારધારાના વિલિયમ રૉબર્ટ સ્મિથ, ડર્ખેમ ઉપરાંત અમેરિકન માનવશાસ્ત્રી જેમ્સ ફ્રેઝર, ઇ. બી. ટાઇલર, લૉવી બ્રુહેલ વગેરેનો ફાળો રહ્યો છે. તેમણે સમાજમાનવશાસ્ત્રના સ્થાનને સ્પષ્ટ કર્યું. માનવશાસ્ત્રીય અભ્યાસ-પદ્ધતિઓમાં ઐતિહાસિક પદ્ધતિના ઉપયોગ પર તેમણે ભાર મૂક્યો. તેમણે પશુપાલક સમાજવ્યવસ્થાવાળી સ્થિતિ તેનાં સામાજિક, ધાર્મિક, રાજકીય પાસાંઓને કેટલી અને કેવી રીતે સ્પર્શે છે તે દર્શાવી તેનાં સંરચનાત્મક અને પ્રકાર્યાત્મક પાસાંની તલસ્પર્શી છણાવટ કરી. આ રીતે માનવશાસ્ત્રમાં તેમણે એક મહત્વનું પ્રદાન કર્યું. તેમનાં કેટલાંક મહત્વનાં સંશોધનકાર્યો નીચે પ્રમાણે છે : (1) વિચક્રાફ્ટ, ઓરેકલ્સ ઍન્ડ મૅજિક અમંગ ધ એઝેન્ડે, (1937) (2) ધ ન્યૂઅર : એ ડિસ્ક્રિપ્શન ઑવ્ ધ મોડ્સ ઑવ્ લાઇવ્લી-હૂડ ઍન્ડ પોલિટિકલ ઇન્સ્ટિટ્યૂશન ઑવ એ નિલૉટિક પીપલ, (1939) (3) ધ પોલિટિકલ સિસ્ટમ ઑવ્ અનુઆક ઑવ્ ધ ઍન્ગ્લો-ઇજિપ્શિયન સુદાન, (1940) (4) ધ સાનુસી ઑવ્ સિરેનેસિયા, (1949) (5) કિન્શિપ ઍન્ડ મૅરેજ અમંગ ધ ન્યૂઅર, (1951) (6) ન્યૂઅર રિલિજિયન, (1956) (7) સોશિયલ ઍન્થ્રોપૉલોજી, (1956).
અરવિંદ ભટ્ટ