પ્રાથમિક ખનિજો (primary minerals)
February, 2024
પ્રાથમિક ખનિજો (primary minerals) : પ્રથમ તબક્કામાં તૈયાર થયેલાં ખનિજો. કુદરતમાં મળતાં ખનિજોનાં તેમની ઉત્પત્તિસ્થિતિ, પ્રાપ્તિસ્થિતિ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગો જેવા જુદા જુદા આધારો મુજબ વર્ગીકરણ કરવામાં આવેલાં છે. પ્રત્યેક વર્ગીકરણ તેના આધાર મુજબ વિશિષ્ટ હેતુની ગરજ સારે છે. આ પૈકી રાસાયણિક બંધારણને આધારે કરવામાં આવેલું વર્ગીકરણ પ્રમાણમાં સંતોષકારક ગણાય છે. ઉત્પત્તિસ્થિતિ મુજબના વર્ગીકરણમાં પ્રાથમિક ખનિજોનો સમાવેશ થાય છે.
કોઈ પણ ખડકના નિર્માણ વખતે તેના બંધારણ માટેનાં અને ખડકને નામ આપવા માટેનાં આવશ્યક ઘટકોને પ્રાથમિક ખનિજની કક્ષામાં મૂકી શકાય. ખડકનિર્માણ કરતાં ખનિજો એ છે કે જે અગ્નિકૃત, જળકૃત અને વિકૃત ખડકોના ઘટકોને મોટી સંખ્યામાં આવરી લે છે. આ રીતે જોતાં મૅગ્માજન્ય કે લાવાજન્ય અગ્નિકૃત ખડકોની ઠરવાની ક્રિયા દરમિયાન થતા સ્ફટિકીકરણ વખતે તૈયાર થતાં ખનિજોને પ્રાથમિક ખનિજો કહેવાય. પેગ્મેટાઇટનાં અને ઉષ્ણજળજન્ય દ્રાવણોની પ્રક્રિયા દ્વારા ઉદભવતાં ખનિજોને પણ આ પ્રકારમાં મૂકી શકાય. ગ્રૅનાઇટમાં જોવા મળતાં ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર અને અબરખ જેવાં ખનિજો આવશ્યક ખનિજો ગણાય. ખડકને વિશિષ્ટ નામ આપવા માટેનાં આવશ્યક ખનિજો વધુ પ્રમાણમાં અને અનુષંગી ખનિજો ઓછા પ્રમાણમાં હોય છે. રાસાયણિક અને ભૌતિક સંજોગો હેઠળ થતા મૅગ્માના ઘનીભવન દ્વારા પ્રાથમિક ખનિજો ક્રમવાર કે ક્રમબદ્ધ સમૂહોમાં બનતાં હોય છે. અનુષંગી ખનિજો સ્ફટિકીકરણની ક્રિયા દરમિયાન જુદા જુદા સમયે તૈયાર થતાં હોય છે, પરંતુ ક્યારેક આગંતુક ખનિજ (inclusions) સ્વરૂપે આવશ્યક ખનિજની અંદર પણ જડાયેલાં મળે છે, જે સૂચવે છે કે તે ઘણી વાર પ્રારંભિક કક્ષામાં બની ચૂક્યાં હોય છે.
પ્રાથમિક ખનિજોને આવરી લેતા ખડકનિર્માણ મુખ્ય ખનિજસમૂહો નીચે મુજબ છે : (1) ઓલિવિન (2) પાયરૉક્સીન (3) ઍમ્ફિબૉલ (4) અબરખ (5) ફેલ્સ્પાર (6) ફેલ્સ્પેથૉઇડ (7) સિલિકા (8) મૃદ્ ખનિજો (9) કાર્બોનેટ (10) ઝિયોલાઇટ.
પ્રાથમિક શિરા-ખનિજો (primary vein minerals) : ઘણી ખનિજશિરાઓમાં અમુક ખનિજો મૂળ ખનિજશિરાની જમાવટ વખતે જ તૈયાર થયાં હોય છે, તેમને ખનિજશિરા સહજાત ખનિજો અથવા પ્રાથમિક શિરા-ખનિજો તરીકે ઓળખાવી શકાય. ક્રમિક ખનિજશિરાઓમાં ખનિજો ક્રમવાર બનતાં હોય છે. આ પ્રમાણે પ્રથમ તબક્કામાં બનેલાં ખનિજોને પ્રાથમિક શિરાખનિજો તરીકે ઓળખાવી શકાય. તેમની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે. આ પૈકી પાયરાઇટ, ચાલ્કોપાયરાઇટ, ગેલેના સ્ફેલેરાઇટ અને ચાંદીનાં સલ્ફાઇડ ખનિજોનો પ્રાથમિક શિરાઓમાં સમાવેશ કરી શકાય. પરિણામી શિરાખનિજો પ્રાથમિક ખનિજો પર થતી રહેતી રાસાયણિક પ્રક્રિયા(મુખ્યત્વે ઑક્સિડેશન)થી બનતાં હોય છે
પ્રાથમિક ધાતુખનિજો (primary ore-minerals) : ધાતુખનિજો પણ પ્રાથમિક ઉત્પત્તિજન્ય હોઈ શકે છે. તે ધાત્વિક ખનિજીકરણ-ક્રિયાની પ્રથમ કક્ષામાં કે કક્ષાઓ દરમિયાન બનતાં હોય છે. તે પોપડાના અંદરના ભાગોમાં તૈયાર થતાં હોવાથી તેમને ભૂગર્ભીય અથવા આંતરિક ઉત્પત્તિજન્ય (hypogene) પણ કહેવાય છે. આ ઉપરાંત ખનિજો બનવાના ક્રમમાં જે પ્રથમ ક્રમમાં બન્યાં હોય તેમને પણ પ્રાથમિક કક્ષામાં મુકાય છે. પ્રાથમિક ધાતુખનિજો અને ભૂગર્ભીય (આંતરિક ઉત્પત્તિજન્ય) ખનિજો બંને સમાનાર્થી શબ્દો છે. બધાં જ ભૂગર્ભીય ખનિજો પ્રાથમિક ધાતુખનિજો ગણાય, પરંતુ બધાં પ્રાથમિક ખનિજો ભૂગર્ભીય ન પણ હોય.
પ્રાથમિક અને ગૌણ ખનિજ વચ્ચેનો તફાવત :
પ્રાથમિક ખનિજોની રચના, અગ્નિકૃત ખડકોના પ્રારંભના બંધારણ સમયે થાય છે. પ્રાથમિક ખનિજની ઓળખ તેની સ્ફટિકની રચનાને આધારે થાય છે. આ સ્ફટિક, Quartz, Feldspar અને Micaની સંરચના ધરાવે છે.
પ્રાથમિક ખનિજ સ્થાયી પ્રકૃતિ રૂપે છે. આ ખનિજ આબોહવા અને રાસાયણિક વગેરે તત્ત્વોની અસરથી મુક્ત છે.
ગૌણ ખનિજ આબોહવા, જલતાપીય (Hydro thermal), ભૂસ્તરીય જેવાં પરિબળોના આધારે પ્રાથમિક ખનિજમાં રૂપાંતર પામે છે. કુદરતી રાસાયણિક પ્રક્રિયાથી ગૌણ ખનિજનું રૂપાંતર અન્ય ખનિજમાં લાંબા સમયે થઈ શકે છે. ગૌણ ખનિજ મોટાભાગે જલકૃત ખડકોમાં જોવા મળે છે અને આવાં ખનિજો મોટેભાગે અસ્થાયી હોય છે.
ગિરીશભાઈ પંડ્યા