પ્રાતિશાખ્ય : વૈદિક વ્યાકરણને લગતા ગ્રંથો. વેદના મંત્રોમાં સંધિ વગેરે ફેરફારો અને પદપાઠ કરવામાં થતા ફેરફારો વિશે પ્રાતિશાખ્ય ગ્રંથોમાં નિયમો આપવામાં આવ્યા છે. શબ્દની પ્રકૃતિ, પ્રત્યયો, તેનો અર્થ અને તેની વ્યુત્પત્તિ – એ બાબતો વ્યાકરણ અને નિરુક્ત એ બે વેદાંગોમાં આપેલી હોવાથી પ્રાતિશાખ્ય ગ્રંથોમાં એની ચર્ચા આપી નથી. ‘ઋક્પ્રાતિશાખ્ય’માં છંદ, શિક્ષા એટલે વેદનું ઉચ્ચારણશાસ્ત્ર અને વેદના પદપાઠ વગેરેની ચર્ચા પાછળથી રજૂ કરવામાં આવી છે એમ વિદ્વાનો માને છે. સઘળા વેદોની પ્રત્યેક શાખા માટે આવો જુદો ગ્રંથ હોવાથી તેનું નામ પ્રાતિશાખ્ય પડ્યું અને આવા અનેક પ્રાતિશાખ્ય ગ્રંથો ઈ. પૂ. સદીઓ પહેલાં પ્રચલિત હતા, જેનો ઉલ્લેખ ઋક્પ્રાતિશાખ્યમાં મળે છે. એ પછી એક જ વેદનાં પ્રાતિશાખ્યો એકત્ર કરીને એક વેદ માટે એક જ પ્રાતિશાખ્યની રચના થઈ. એ રીતે (1) ઋગ્વેદ માટે શૌનકે રચેલું ‘ઋક્પ્રાતિશાખ્ય’, (2) કૃષ્ણ યજુર્વેદ માટે ‘તૈત્તિરીય પ્રાતિશાખ્ય’, (3) શુક્લ યજુર્વેદ માટે કાત્યાયને રચેલું ‘વાજસનેયી પ્રાતિશાખ્ય’, (4) સામવેદ માટે શાકટાયને રચેલું ‘ઋક્તંત્ર’ અને (5) અથર્વવેદ માટે ‘અથર્વપ્રાતિશાખ્ય’ મળે છે.
આ પાંચ ઉપલબ્ધ પ્રાતિશાખ્યોમાં વેદના ઋષિઓની સામૂહિક ચર્ચા-વિચારણામાં નક્કી થયેલા નિયમો રજૂ કરવામાં આવ્યા છે. એક જ વેદના પ્રાતિશાખ્યોનું એકત્રીકરણ વ્યાકરણશાસ્ત્રના આચાર્ય પાણિનિ પછી થયું છે; પરંતુ પ્રત્યેક શાખાના પ્રતિશાખ્યો પાણિનિના સમય પહેલાં રચાયેલા છે. તેથી પ્રાતિશાખ્યગ્રંથો વ્યાકરણશાસ્ત્રને પૂર્વભૂમિકા પૂરી પાડનારા ગ્રંથો છે. બારમી સદીમાં ઉવટ નામના કાશ્મીરી લેખકે ‘ઋક્પ્રાતિશાખ્ય’ અને ‘વાજસનેયી પ્રાતિશાખ્ય’ પર ટીકાગ્રંથો લખ્યા છે. ‘તૈત્તિરીય પ્રાતિશાખ્ય’ પર સોમાચાર્યે ‘ત્રિભાષ્યરત્ન’ નામની અને ગોપાલ યજ્વને ‘વૈદિકાભરણ’ નામની ટીકાઓ રચી છે. ‘વાજસનેયી પ્રાતિશાખ્ય’ પર અનન્ત ભટ્ટની રચેલી ટીકા પ્રાપ્ત થાય છે. પ્રાતિશાખ્ય ગ્રંથો પરની આ ટીકાઓને ‘ભાષ્ય’ નામથી ઓળખવામાં આવે છે.
દશરથલાલ ગૌરીશંકર વેદિયા
પ્ર. ઉ. શાસ્ત્રી