પ્રાચીનપ્રવાહો (Palaeocurrents) : ભૂસ્તરીય ઇતિહાસના જુદા જુદા કાળગાળા દરમિયાન રચાયેલા નિક્ષેપોની જમાવટ વખતે અસ્તિત્વ ધરાવતા જલપ્રવાહો. પ્રવાહપ્રસ્તર, તરંગચિહ્નો જેવી જળકૃત સંરચનાઓમાં ખનિજકણોની ગોઠવણી વિશિષ્ટ પ્રકારની હોય છે. કણ-ગોઠવણીના નિર્ધારણ પરથી તે સંરચના ઉદભવતી વખતે જલપ્રવાહોની ગતિ અને દિશાકીય સ્થિતિ કયા પ્રકારની હતી તેની જાણ મેળવી શકાય. જે તે સ્થળની સંરચનાઓનાં બારીકાઈભર્યાં અવલોકનો અને તેનાં વિશ્લેષણો પરથી મુખ્ય પ્રવાહોનું અર્થઘટન કરી શકાય. નાના પાયા પરના પ્રવાહોને મુખ્ય પ્રવાહો તરીકે ઘટાવવાની ભૂલ ન થાય એ બાબત અહીં મહત્વની બની રહે છે.

ગિરીશભાઈ પંડ્યા