પ્રાકૃતિક સત્વરૂપ અને સંશ્લેષિત ઔષધો
February, 1999
પ્રાકૃતિક સત્વરૂપ અને સંશ્લેષિત ઔષધો : કુદરતમાંથી મેળવવામાં આવતાં ક્રિયાશીલ સત્વો તથા તેમાંથી રાસાયણિક સંશ્લેષણ દ્વારા મેળવાતાં ઔષધો. પ્રાકૃતિક વનસ્પતિવૃક્ષો, છોડનાં મૂળ, પર્ણો અને અન્ય ભાગોમાં રહેલાં ક્રિયાશીલ તત્વો કે સત્વોને સામાન્ય રીતે અર્ક રૂપે મેળવવામાં આવે છે. આવા અર્ક કાં તો સીધા ઔષધ તરીકે વપરાય છે અથવા તેમને માવજત આપી ઔષધ તૈયાર કરવામાં આવે છે. જરૂર પડ્યે પ્રાકૃતિક સત્વો ઉપર રાસાયણિક ક્રિયા કરી ઔષધો મેળવવામાં આવે છે.
આ પ્રાકૃતિક ઔષધો કે ક્રિયાશીલ તત્વો પ્રાપ્ત કરવા માટે અર્ક-એકમો (extraction units) સ્થાપવામાં આવે છે. આ એકમોની રચના (design) મળી આવતી વનસ્પતિઓના પ્રકાર અને તેમના અર્કમાંથી કયા પ્રકારના સત્વરૂપ પદાર્થો પ્રાપ્ત થાય છે તેના ઉપર અવલંબે છે. ઘણા અર્ધવિકસિત દેશો આવી વનસ્પતિ અથવા તેના કાચા (raw) અર્કની અન્ય દેશોમાંખાસ કરીને વિકાસશીલ દેશોમાં નિકાસ કરે છે અને બદલામાં સત્વરૂપ યા ક્રિયાશીલ પદાર્થોની આયાત કરે છે. આવા અર્ક કાઢવા માટે પાણી અથવા જેમાં આવા પદાર્થો ઓગળતા હોય તેવા અન્ય દ્રાવકોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ વધારાના દ્રાવકને નિસ્યંદન (distillation) જેવી પ્રક્રિયાથી દૂર કરવામાં આવે છે અથવા દ્રાવણને સંકેન્દ્રિત કરવામાં આવે છે.
પહેલાં માત્ર આવા અર્ક જ બનતા હતા, પણ ધીમે ધીમે તેમાંથી સત્વરૂપ ક્રિયાશીલ તત્વો છૂટાં પાડી તેમની નિકાસ કરવાનું યા ચિકિત્સામાં ઔષધો તરીકે વાપરવાનું શરૂ થયું છે. જોકે આમ કરવાથી ઔષધની કિંમત ઘણી વધી જાય છે. તાજેતરમાં વનસ્પતિમાંથી મળતા ક્રિયાશીલ સત્વરૂપ પદાર્થો પ્રાપ્ત કરવા તરફ વધુ ધ્યાન આપવામાં આવે છે, કારણ કે વનસ્પતિ સરળ યા સાદા અણુઓમાંથી ખાસ પ્રકારની ક્રિયાવિધિ(mechanism)થી જટિલ અણુઓ(complex molecules)નું સંશ્લેષણ કરે છે. આવા પદાર્થો પ્રયોગશાળામાં જાણીતી રાસાયણિક પ્રક્રિયાઓથી ખૂબ મહેનતના અંતે સંશ્લેષિત થાય છે. દા.ત., સ્ટીરૉઇડ અંત:સ્રાવોના સંશ્લેષણમાં ઘણીબધી પ્રક્રિયાઓ કરવી પડે છે અને એક સંશ્લેષણમાં ઘણાબધા તબક્કા પસાર કરવા પડે છે. આથી શરૂઆતથી જ સંશ્લેષણ કરવાને બદલે વનસ્પતિમાંથી મળતા ડાયૉસ્કોરિયામાંથી ડાયોસ્જેનિન જેવું ક્રિયાશીલ સત્વ મેળવી આગળ પ્રક્રિયાઓ કરવાથી સંશ્લેષણનાં પગલાંમાં ખાસ્સો ઘટાડો થઈ જાય છે. આ માટે જોઈતી વનસ્પતિ યા છોડને અમુક પ્રકારની આબોહવા, ખાતર, પાણી વગેરે મળે તો તેને સારી રીતે ઉગાડી પણ શકાય છે એટલે પછી બહારથી તે લાવવી પડતી નથી.
વનસ્પતિમાંથી મેળવાતાં અને પછી ઔષધ સ્વરૂપે વપરાતાં સત્વરૂપો જે પ્રયોગશાળામાં પણ સંશ્લેષિત કરી શકાય છે તે પૈકી કેટલાંક નીચે પ્રમાણે છે :
(1) સ્ટ્રિક્નીન તથા બ્રૂસિન : સ્ટ્રિકમૉસ નક્સ વૉમિકા નામક વનસ્પતિનાં સૂકવેલાં બીના અર્કમાંથી સ્ટ્રિક્નીન તથા બ્રૂસિન નામનાં બે અગત્યનાં આલ્કેલૉઇડ મેળવવામાં આવે છે. સ્ટ્રિક્નીન ખૂબ જ શક્તિશાળી ઔષધ ગણાય છે અને તે મધ્યવર્તી ચેતાતંત્ર(central nervous system)ને ઉત્તેજિત કરવા માટે વપરાય છે. જોકે હાલમાં તેના બદલે સ્ટ્રિક્નીન કરતાં ઓછી આડઅસરોવાળાં બીજાં સલામત ઔષધો વપરાય છે. ભારત, ઇઝરાયલ તથા અન્ય દેશોમાં બીના અર્કમાંથી તે મેળવાય છે.
(2) ઍટ્રોપીન (હાયોસાયેમીન) તથા સ્કોપોલેમાઇન : ઉપર્યુક્ત બંને સત્વરૂપ પદાર્થો માઇડ્રિયાટિક પ્રકારના આલ્કેલૉઇડ છે. તે સૉલેનમ પ્રકારની વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. આમ તો બંનેનો ઔષધો તરીકે જ ઉપયોગ થાય છે. સૉલેનસી સિવાય ઍટ્રોપા બેલાડૉના એલ. દતુરા સ્ટ્રેમોનિયમ એલ. વગેરેમાંથી અર્ક-પદ્ધતિથી ઍટ્રોપીન મેળવાય છે. અર્ક કાઢ્યા પછી નરમ આલ્કલીના દ્રાવણને ક્લૉરોફૉર્મ સાથે ગરમ કરતાં તે મળે છે. હાયોસાયેમસ મ્યુટિકસ તથા ડુબોઇસિયાસમાંથી તેનું ઔદ્યોગિક ઉત્પાદન થાય છે. ઍટ્રોપીન ઔષધ તરીકે પેટના દુખાવામાં, ઍન્ટિકોલિનર્જિક તરીકે, સ્નાયુઓના દુખાવામાં, પથરી તથા અન્ય દર્દોમાં પણ વપરાય છે.
સ્કોપૉલેમાઇન પણ અર્કપદ્ધતિથી દતુરા મીટલ એલ. તથા સ્કોપૉલા કારનિયોલિકા નામક વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. વનસ્પતિમાંથી મેળવાતો અન્ય પદાર્થ છે ડુબોઇસિયા માયોપોરોઇડિસ. પ્રયોગશાળામાં તે સંશ્લેષણથી મેળવાય છે અને તે d-(dextro) તથા l-(laevo) રૂપમાં મેળવાય છે. તે જાડું દ્રાવક છે.
સ્કોપૉલેમાઇન નિદ્રાવર્ધક (sedative) છે અને મધ્યસ્થ ચેતાતંત્ર માટે માનસિક તાણનું શમન કરવા પ્રશાંતક (tranquilizer) તરીકે વપરાય છે. વિકાસશીલ દેશોમાં જ્યાં સૉલેનમ પ્રકારની વનસ્પતિ ખૂબ થાય છે ત્યાં અર્કપદ્ધતિથી તે પ્રાપ્ત કરી તેની નિકાસ કરાય છે.
(3) ક્વિનીન : ક્વિનીન ઘણાં વર્ષોથી પ્રચલિત ઔષધ છે. તે સિંકોના વૃક્ષની છાલમાંથી મેળવવામાં આવે છે. રૂબિયેસી વર્ગના સિંકોના ઓફિસિનાલિસ એલ. નામક વૃક્ષની છાલમાંથી તે મેળવાય છે. તે આલ્કેલૉઇડ છે. વૃક્ષની છાલમાં 8% ક્વિનીન મળે છે. અન્ય વૃક્ષોની છાલમાં તે 1%થી 4% જેટલું હોય છે. સિંકોના વૃક્ષ ખાસ કરીને દક્ષિણ અમેરિકા તથા જાવામાં વધુ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. અન્ય દેશોમાં ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે. ભારતમાં તે નીલગિરિ તથા દાર્જીલિંગમાં ઉગાડવામાં આવે છે અને જ્યાં આ વૃક્ષો ઉગાડાય છે તેની નજીકમાં જ સિંકોનાનો અર્ક કાઢવાનાં કારખાનાં આવેલાં છે, જેની ક્વિનીન ઉત્પાદન કરવાની ક્ષમતા પ્રતિવર્ષ 61 ટન જેટલી છે. ક્વિનીનનું ઉત્પાદન ઇન્ડોનેશિયામાં વધુ છે. વિદેશી બજારોની માંગ જોતાં ક્વિનીન લવણોનું ઉત્પાદન હજુ વધારવા પર ધ્યાન આપવું જરૂરી ગણાયું છે. એક જમાનામાં ક્વિનીન મલેરિયા સામે અસરકારક હતું, પણ આજે તેનો એટલો ઉપયોગ નથી
ક્વિનીનની રાસાયણિક રચના જોઈએ તો તેના વિષમ લંબાક્ષ (orthorhombic) સોય જેવા સ્ફટિકો હોય છે. તેનું આલ્કોહૉલમાંથી સ્ફટિકીકરણ થઈ શકે છે. તેનું ગલનબિંદુ 177° સે. છે. પાણીમાં તે 1,900 મિલિલીટરમાં એક ગ્રામ ઓગળે છે.
તે મલેરિયાની સામે અસરકારક ગણાય છે. ઉપરાંત શરદીમાં તથા તાવમાં પણ તે ઉપયોગી છે. તે હૃદયરોગમાં (જેમાં ઘણી વાર હૃદયના ધબકારા ઓછા થઈ ક્ષેપકમાં ગરબડ ઊભી થાય છે જે ઓરિક્યૂલર ફાઇબ્રિલેશન તથા વેન્ટ્રિક્યૂલર ટૅકીકાર્ડિયા તરીકે ઓળખાય છે તેમાં) પણ વપરાય છે. ઉપરાંત તેનો સોડા-વૉટર પ્રકારનાં બિનમદ્યાર્ક પીણાંઓમાં પણ ઉપયોગ થાય છે.
પ્રયોગશાળામાં તેનું સંશ્લેષણ કરવાને બદલે તેને સિંકોનાની છાલમાંથી પ્રાપ્ત કરવાનું વધુ સરળ છે.
(4) રિસર્પીન : વર્ષોથી હૃદયરોગ માટે સર્પગંધાનાં મૂળિયાંનો અર્ક વપરાતો આવ્યો છે. આ અર્કમાં સત્વરૂપ એવો રિસર્પીન નામનો આલ્કેલૉઇડ રાઓલ્ફિયા સર્પેન્ટિના નામની વનસ્પતિ યા છોડનાં મૂળમાંથી મેળવવામાં આવે છે. આ સિવાય તેની બીજી જાત જેવી કે રાઓલ્ફિયા વોમિટોરિયામાંથી પણ તે પ્રાપ્ત થાય છે.
રાસાયણિક રીતે તે 3, 4, 5 – ટ્રાઇમિથૉક્સી બેન્ઝૉઇલ-મિથાઇલ રિસર્પેટ તરીકે ઓળખાય છે. 1956માં વુડવર્ડ નામના રસાયણશાસ્ત્રીએ તેનું પ્રયોગશાળામાં સંપૂર્ણ સંશ્લેષણ કર્યું હતું. તેના ઍસિટોનના મંદ દ્રાવણમાંથી લાંબા પ્રિઝમ આકારના સ્ફટિકો મળે છે, જેનું 264°થી 265° સે. તાપમાને વિઘટન થાય છે. તે પાણીમાં ખૂબ ઓછું દ્રાવ્ય છે, પણ ક્લૉરોફૉર્મ, મીથિલીન ક્લૉરાઇડ વગેરેમાં ખૂબ જ દ્રાવ્ય છે.
રિસર્પીન પ્રશાંતક ઔષધ તરીકે વપરાય છે, પણ અન્ય દર્દશામકોની માફક તેનાથી ઘેન ચડતું નથી અથવા નિદ્રા આવતી નથી. માનસિક દર્દોમાં તે અનિદ્રા યા સિઝોફ્રેનિયા તથા પૅરાનૉઇયા (જેમાં માનસિક અસ્થિરતા વધુ હોય છે.) માટે વધુ પ્રમાણમાં વાપરવામાં આવે છે. પ્રાણીઓના રોગો માટે પણ તેનો બહોળો ઉપયોગ થાય છે.
આર. વોમિટોરિયા આફ્રિકા તથા ભારતમાં મુખ્યત્વે દાર્જીલિંગ તથા કેરળમાં ઉગાડવામાં આવે છે. રિસર્પીન મેળવવા માટેની અર્કપદ્ધતિ પ્રમાણમાં ખૂબ જ સરળ છે.
(5) ઇમેટીન : ઇમેટીન એ એક આલ્કેલૉઇડ છે અને મુખ્યત્વે તે ઉરાગોગા આઇપેકકુઆના નામની વનસ્પતિનાં મૂળના અર્કમાંથી મેળવવામાં આવે છે. આ વનસ્પતિ રૂબિએસી કુટુંબની છે. આ વૃક્ષ દાર્જીલિંગમાં ખૂબ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને તેમાંથી પ્રતિવર્ષ 20 ટન સૂકવેલાં મૂળ મેળવવામાં આવે છે. ઇમેટીન મુંબઈ તથા કલકત્તામાં આવેલ બે કારખાનાંમાં અર્કપદ્ધતિથી મેળવાતું હતું, જેની ઉત્પાદનક્ષમતા પ્રતિવર્ષ 590 કિલોગ્રામની હતી.
ઇમેટીનના શ્વેત, ઝીણા ચૂર્ણ પ્રકારના સ્ફટિકો હોય છે, જે પ્રકાશ સાથે સંપર્કમાં આવતાં જ પીળા થવા માંડે છે. તેનું ગલનબિંદુ 74° સે. હોય છે. તે મિથાઇલ આલ્કોહૉલ, ઇથાઇલ આલ્કોહૉલ, ઍસિટોન વગેરે દ્રાવકોમાં અતિ દ્રાવ્ય છે.
ઔષધીય ઉપયોગોમાં તે મુખ્યત્વે અમીબિક મરડામાં ખાસ વાપરવામાં આવે છે. થોડા પ્રમાણમાં તેનો ઉપયોગ ઉધરસ, ઊલટી વગેરેમાં કરવામાં આવે છે. જોકે લોહીનું નીચું દબાણ, પેટની ગરબડ વગેરે તેની આડઅસરો પણ છે. પ્રાણીઓના ઔષધ તરીકે પણ તે વપરાશમાં છે.
(6) ડિજિટાલિસ ગ્લાઇકોસાઇડ : આ પ્રાકૃતિક સત્ત્વરૂપો ડિજિટાલિસ પરપ્યુરિયા એલ.(કુટુંબ : સ્ક્રોફુલારિયેસી)નાં પર્ણોને સૂકવીને અર્ક દ્વારા મેળવાય છે. તે મુખ્યત્વે દક્ષિણ તથા મધ્ય યુરોપ અને અમેરિકામાં ઉગાડાય છે.
પર્ણોમાંથી મુખ્યત્વે ચાર પ્રકારના ગ્લાઇકોસાઇડ મળે છે. તેમાં મુખ્ય છે ડિજિટૉક્સિન (0.2%થી 0.4%), ડિજિટૉનિન, ડિજિટાલિન, એન્ટિરહીનિક ઍસિડ, ડિજિટાલોસ્મિન, ડિજિટોફ્લેવોન, ઇનોસિટોલ તથા પેક્ટિન. મુખ્યત્વે તેમાં ડિજિટૉક્સિન અથવા ડિગૉક્સિન વધુ મળે છે. બાકીના ઘણી ઓછી માત્રામાં ઉપલબ્ધ થાય છે.
ડિગૉક્સિન : ડિગૉક્સિન એ દ્વિતીય શ્રેણીનો ગ્લાઇકોસાઇડ છે જે ડિજિટાલિસ લેનાટા અથવા ડિ. ઓરિયેન્ટાલિસ (કુટુંબ : સ્ક્રોફુલારિયેસી) પર્ણોમાંથી મળે છે. તેના સ્ફટિકો ત્રણખૂણિયા હોય છે. આશરે 265° સે.એ તેનું વિઘટન થાય છે. હૃદયના ધબકારા વધી જતા હોય તો તે ઘટાડવા તેનો ઉપયોગ થાય છે. પ્રાણિજ ઔષધોમાં પણ તેનો બહોળો ઉપયોગ થાય છે. (દા.ત., કૂતરાંઓના હૃદયરોગમાં.)
મુંબઈમાં આ સત્વ મેળવવા માટે બે એકમો સ્થાપવામાં આવ્યા છે. ડિગૉક્સિનના ઉત્પાદન માટે ડિજિટાલિસ વનસ્પતિની પદ્ધતિસરની ખેતી તથા આધુનિક અર્કપદ્ધતિની અમલ-વ્યવસ્થા ખાસ આવશ્યક છે. ચાના બગીચાની આજુબાજુના ઢોળાવો ડિજિટાલિસની ખેતી માટે સર્વોત્તમ ગણાય છે. જોકે વિકાસ પામતા દેશો તેમાંથી ડિગૉક્સિન સત્વરૂપ કાઢવા સક્ષમ હોતા નથી, આથી તેઓ તેમાંથી કાચો અર્ક કાઢી વિકસિત દેશોમાં તેની નિકાસ કરે છે, જ્યાં તેમાં ડિગૉક્સિન મેળવવામાં આવે છે.
ડિજિટૉનિન : ડિજિટૉનિન ડિજિટાલિસ પરપ્યુરિયાનાં બીજમાંથી મેળવાય છે. મદ્યાર્ક(alcohol)માંથી સ્ફટિકીકરણ કરી તેના સ્ફટિકો મેળવાય છે. એક ગ્રામ ડિજિટૉનિન 57 મિલી. આલ્કોહૉલમાં દ્રાવ્ય બને છે. લોહીનાં પ્લાઝ્મા, પિત્ત તથા પેશીમાં રહેલ કોલેસ્ટેરૉલ માપવા માટે તેનો ઉપયોગ અગત્યનો ગણાય છે.
(7) કૅફીન ; જ્યાં ચાનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થતું હોય ત્યાં ચાના કચરા(tea-waste)માંથી કૅફીનનો અર્ક પ્રાપ્ત કરવામાં આવે છે. ચાની પત્તીઓમાંથી બેન્ઝીન જેવા દ્રાવક દ્વારા કૅફીનનો અર્ક કાઢવામાં આવે છે. બેન્ઝીન સિવાય અન્ય દ્રાવકો જેવાં કે ક્લૉરોમિથેન્સ યા ક્લૉરાઇથેન્સ પણ વાપરવામાં આવે છે. વિકસિત દેશોમાં કૅફીન મોટાં મોટાં કારખાનાંઓમાં સંશ્લેષણ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે; પરંતુ અમુક ઔષધોની બનાવટમાં સંશ્લેષિત કરતાં કુદરતી રીતે પ્રાપ્ત થતું કૅફીન વધુ પસંદ કરવામાં આવે છે.
આસામ તથા કેરળમાં ચાના બગીચાઓની નજીક કૅફીનનું સત્વ રૂપ યા અર્ક કાઢવાના ઘણા એકમો આવેલા છે. તે કૅફીન ઘણી વાર કૉફીનાં ફોતરાં(coffee husk)માંથી પણ મેળવવામાં આવે છે.
ઉપરાંત જ્યારે કૅફીનરહિત કૉફી બનાવવામાં આવે ત્યારે કૅફીન આડ-પેદાશ (byproduct) તરીકે પ્રાપ્ત થાય છે.
કૅફીનના સ્ફટિકો ષટ્કોણીય (hexagonal) હોય છે. તે ઊર્ધ્વપાતનથી મેળવાય છે. તેનું ગલનબિંદુ 238° સે. છે. ઔષધ તરીકે તેનો ઉપયોગ મધ્યસ્થ ચેતાતંત્રને ઉત્તેજિત કરવામાં થાય છે. તે હૃદયને પણ ઉત્તેજિત કરે છે. પ્રાણીઓમાં પણ તે આ જ કારણસર ઔષધ તરીકે કૂતરાં, બિલાડી વગેરેમાં વાપરવામાં આવે છે. તેની આડઅસરોમાં અનિદ્રા, હૃદયના ધબકારા વધી જવા વગેરે મુખ્ય ગણી શકાય.
(8) ઇફેડ્રીન : ઇફેડ્રા વલ્ગારિસ (ephedra vulgaris) અથવા મા હુઆન્ગ તરીકે ઓળખાતા છોડમાં તથા ઇ. સિનિકા સ્ટેપ્ફ; ઇ. ઇક્વિસેરિના અને બીજી કેટલીયે ઇફેડ્રા પ્રકારની વનસ્પતિમાંથી ઇફેડ્રીન સત્વ રૂપે મેળવવામાં આવે છે. આ વનસ્પતિના છોડ જરા મોટા થાય છે, જે અફઘાનિસ્તાન તથા પાકિસ્તાનના ડુંગરાળ વિસ્તારો તથા હિમાચલ પ્રદેશના વેરાન વિસ્તારમાં વધુ પ્રમાણમાં ઊગે છે. તેમાંથી અર્ક-પદ્ધતિથી ઇફેડ્રીન મેળવવામાં આવે છે.
ઇફેડ્રીન વામભ્રમણીય (l) તથા વામેતર ભ્રમણીય (d) એમ બંને પ્રકારે મળી આવે છે. આ બંનેનાં મિશ્રણવાળું ઇફેડ્રીન dl-પ્રકાર કહેવાય છે, જેના સ્ફટિકોનું ગલનબિંદુ 79° સે. છે. લીવો પ્રકાર મીણ જેવો પદાર્થ હોય છે અને પ્રકાશમાં ધીમે ધીમે વિઘટન પામે છે. આ પદાર્થો ઔષધ તરીકે હૃદયની ખામીઓ દૂર કરવામાં, ઍલર્જી પ્રતિરોધક તરીકે ખાસ વપરાશમાં આવે છે. ઉપરાંત તે પ્રાણીઓના રોગમાં પણ ખંજવાળ (urticaria) દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ઇફેડ્રીન પ્રયોગશાળામાં સંશ્લેષિત થાય છે, પણ મોટેભાગે ઔષધોમાં પ્રકૃતિમાંથી પ્રાપ્ય ઇફેડ્રીન પ્રથમ પસંદગીને પાત્ર રહે છે.
(9) સિલારિન (scillarin) ડુંગળીના દડા જેવી એક વનસ્પતિ થાય છે, જે સ્ક્વિલ તરીકે ઓળખાય છે. તેનું વાનસ્પતિક નામ છે ઉરજિનિયા મારિટિમા. તે લીલિયેસી કુટુંબની વનસ્પતિ છે. તેમાંથી સિલારિન (ગ્લાઇકોસાઇડનું મિશ્રણ) મેળવવામાં આવે છે. આ વનસ્પતિને સમશીતોષ્ણ કટિબંધ વિસ્તારનું હવામાન વધુ માફક આવે છે.
સિલારિન બે ગ્લાઇકોસાઇડનું મિશ્રણ છે – સિલારિન-એ તથા સિલારિન-બી. સિલારિનનો ખૂબ જ કડવો ચૂર્ણ જેવો પાઉડર મળે છે. એક ગ્રામ સિલારિન 3,000 મિલી. પાણીમાં દ્રાવ્ય થાય છે.
મિશ્રણને છૂટું પાડતાં સિલારિન-એ અથવા ગ્લૂકોપ્રોસિલારિડિન-એ મળે છે જે કડવું છે. તેના બે પ્રકારના સ્ફટિકો છે. જ્યારે બીજું સિલારિન-બી છે, જે સિલારિન-એના અર્કને કાઢી લીધા પછી મળે છે. તે પણ પાણીમાં દ્રાવ્ય એવા ગ્લાઇકોસાઇડનું મિશ્રણ જ છે. તે દાણાદાર પાઉડર યા ચૂર્ણના રૂપમાં મળે છે.
ઉપર્યુક્ત બધા જ ગ્લાઇકોસાઇડ ઔષધ તરીકે હૃદયરોગમાં વપરાય છે અને જે લોકોને ડિગૉક્સિન માફક નથી આવતું તેઓ માટે આ વનસ્પતિનો અર્ક ઉત્તમ સાબિત થાય છે.
(10) અન્ય અર્ક-સત્વો : આ સિવાય પણ બીજી ઘણીબધી વનસ્પતિ છે જેમનાં સત્વરૂપ ઔષધ તરીકે વપરાય છે. તે બધાં પ્રયોગશાળામાં સંશ્લેષિત પણ થાય છે. સેના (senna) તેમાં મુખ્ય છે. તેમાંથી સિનોસાઇડ-એ, સિનોસાઇડ-બી તથા સિનોસાઇડ-સી મળે છે. આ સિનોસાઇડ પેટ સાફ લાવવા માટે વપરાય છે અને તેમાંનું સત્ત્વ પર્ણોમાંથી મળે છે. અન્ય સત્વરૂપ બેલાડૉના નામક આલ્કેલૉઇડ છે, જે પેટના દુખાવા માટે વપરાય છે. પોડોફાયલમ કૅન્સર જેવા રોગ સામે વપરાય છે.
તાજેતરનાં સંશોધનોને ફળસ્વરૂપે બારમાસી જેવી વનસ્પતિ(વિન્કારોઝિયા અથવા Atharanthus roseus)માંથી વિન્ક્રિસ્ટીન અને વિન્બ્લાસ્ટીન નામનાં સત્ત્વો મેળવાયાં છે, જે કૅન્સર સામે વપરાય છે. વિન્ક્રિસ્ટીન આલ્કેલૉઇડ છે અને પ્રયોગશાળામાં તેનું સંશ્લેષણ થાય છે.
હિમાલયનાં જંગલોમાં થતાં ઝાડની છાલમાંથી તાજેતરમાં ટૅક્સોલ નામનું સત્વરૂપ કાઢવામાં આવ્યું છે. તે કૅન્સર સામે વપરાય છે. તે એક જટિલ ડાઇટરપીન રસાયણ છે. તે વિદેશોમાં પેસિફિક યુ તરીકે ઓળખાતા અને ટૅક્સસ બ્રેવિફોલિયા જેવું વાનસ્પતિક નામ ધરાવતા વૃક્ષની છાલમાંથી મેળવવામાં આવે છે. શરૂઆતમાં એમ લાગતું હતું કે આ સત્વ યા અર્ક માટેની છાલ મેળવવા માટે ઘણાં વૃક્ષોનું નિકંદન નીકળશે; પણ તેમ થયું નથી. કારણ કે હિમાલયનાં જંગલોમાં તે ટૅક્સેસી કુટુંબના વૃક્ષમાંથી મળે છે. સાથે સાથે તેનું હવે પ્રયોગશાળામાં પણ સંશ્લેષણ થઈ શકે છે. આ સત્વ સામાન્ય કોષનું અનિયમિત વિભાજન તથા કોષચક્રની એમ. સ્થિતિ (M. phase) અટકાવે છે. આથી તે છાતી, મોટું આંતરડું, ફેફસાં વગેરેનાં કૅન્સર માટે વપરાય છે. તે નસમાં ગ્લુકોઝ સલાઇનની જેમ ઇંજેક્શન દ્વારા ચડાવવામાં આવે છે. તેની આડઅસરોમાં ઉંદરી યા વાળ ઊતરી જવા, આંતરડામાં ગરબડ, લાલ ચકામાં વગેરે મુખ્ય છે.
કતલખાનાની આડ-પેદાશોમાંથી મળતાં સત્વરૂપ : મોટાં મોટાં શહેરોમાં જ્યાં કતલખાનાં આવેલાં છે ત્યાં પ્રાણીઓની કતલ દરમ્યાન મળતા પદાર્થોમાંથી યા આડપેદાશોમાંથી અમુક સત્વરૂપ મળે છે; દા.ત., સિરમ (લોહીમાં રક્તકણો જામી ગયા પછી વધતો ભાગ) તથા વિવિધ રસીઓ તેમાંથી બનાવાય છે. આડપેદાશો એકદમ ઠંડી કરી યા ઠારીને જ ભેગી કરવામાં આવે છે અને તે પણ કતલ થયા બાદ તુરત જ.
ઇન્સ્યુલિન : મધુપ્રમેહના નિયમન માટે વપરાતા ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે ઢોરઢાંખર(ગાયો, ભેંસો)ની કતલ બાદ પૅનક્રિયાસ ગ્રંથિઓ મેળવી તેમને –10° સે.એ ઠંડી પાડવામાં આવે છે. ત્યારબાદ ખાસ સાધનની અંદર એસિડિક મદ્યાર્ક સાથે વારંવાર હલાવી અર્ક ભેગો કરવામાં આવે છે. આ અર્કયુક્ત દ્રાવણને ગાળી જૈવિક નકામા પદાર્થો દૂર કરવામાં આવે છે. પછી તેને સંકેન્દ્રિત કરવામાં આવે છે. આ ક્રિયા માટે શૂન્યાવકાશ-પંપ વપરાય છે, જેથી ઓછા તાપમાને વિઘટન થયા વગર મદ્યાર્ક દૂર થાય છે. પ્રવાહીને ઠંડું પાડતાં ચરબી છૂટી પડે છે, જે ગાળણથી દૂર કરાય છે. ત્યારબાદ ઇન્સ્યુલિન તેના હાઇડ્રોક્લૉરાઇડ લવણ તરીકે પ્રાપ્ત કરવામાં આવે છે.
વિવિધ ગ્રંથિઓનાં ક્રિયાશીલ સત્વરૂપો જેવાં કે એપિનેફ્રીન તથા અન્ય અંત:સ્રાવો, પૅનક્રિયાટીન, પેપ્સિન તથા અન્ય કિણ્વો (enzymes) અને કલેજું યા લિવરનો અર્ક આ જ રીતે મેળવવામાં આવે છે.
કોલેસ્ટેરૉલ જેવાં સત્વો પણ પ્રાણીઓની કરોડરજ્જુમાંથી પ્રાપ્ત થાય છે.
કુદરતે સર્જેલાં સત્વરૂપ માનવીને ઘણી રીતે ઉપયોગી નીવડે છે અને સાથે સાથે તે મહેનત પણ બચાવે છે.
યોગેન્દ્ર કૃ. જાની
મૂકેશ પટેલ