પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology)
February, 1999
પ્રાકૃતિક માનવવિજ્ઞાન (ecological anthropology) : છેલ્લા સૈકામાં વિકાસ પામેલું વિવિધ સજીવોના સંતુલનના આંતરસંબંધોનો ઊંડાણપૂર્વક અભ્યાસ રજૂ કરતું વિજ્ઞાન. ‘પ્રકૃતિ’ શબ્દ કુદરત–વાતાવરણ માટે વપરાય છે. આ માટે ગ્રીક શબ્દ ‘Okios’ છે, જેનો અર્થ ‘નિવાસસ્થાન–ઘર’ એવો થાય છે. વનસ્પતિ, જીવજંતુ, પશુ, પંખી, માનવ – એ સૌનું નિવાસસ્થાન પૃથ્વી છે. માનવીની આજુબાજુનું સર્વ કાંઈ વાતાવરણનો ભાગ છે. આ વિશ્વ-વાતાવરણમાં સૌની સહિયારી ભાગીદારી છે. સૌ પરસ્પર અવલંબિત છે. તેમની વચ્ચે એક પ્રકારનું સંતુલન છે. માનવજીવનના વિકાસમાં તે સૌની મોટી અને સક્રિય ભૂમિકા રહી છે. માનવસંસ્કૃતિ અને વિકાસને તેણે પ્રભાવિત કર્યું છે.
1866માં જર્મન વૈજ્ઞાનિક અર્ન્સ્ટ હેકલે ‘Ecology’ શબ્દનો નિર્દેશ કર્યોં. આ વિજ્ઞાન પ્રારંભમાં જંગલ, જીવો અને આબોહવા પૂરતું મર્યાદિત રહ્યું; પરંતુ માનવશાસ્ત્રના વિકાસ પછી માનવ અને પર્યાવરણ સાથેના ગાઢ સંબંધનો સ્વીકાર થયો. જુલિયન સ્ટેવર્ડે 1930માં પ્રાકૃતિક માનવવિજ્ઞાનની રજૂઆત કરી. પર્યાવરણ અને સંસ્કૃતિ જુદાં નથી; પરસ્પરને અસરકર્તા છે તે બાબતનો સ્વીકાર થયો. આ વિજ્ઞાન સર્વ જીવંત પદાર્થોને – જીવોને પોતાના અભ્યાસક્ષેત્રમાં આવરી લે છે. તેમાં નીચેનો અભ્યાસ સમાવેશ પામે છે :
(1) વાતાવરણ સાથેની આંતરક્રિયાઓ અને તેમાંથી ક્રમશ: શિકાર, પશુપાલન, ખેતી અને ટેક્નૉલોજી તથા પરમાણુયુગ સુધીના વિવિધ તબક્કાઓના વિકાસનો અભ્યાસ.
(2) માનવવર્તન સાથે સંકળાયેલા પારસ્પરિક સંબંધો – ઉત્પાદન, ટેક્નૉલોજી, માનવવસ્તી વગેરેનો અભ્યાસ.
(3) સંસ્કૃતિનાં પાસાંઓને અસર કરનારી માનવ-પ્રણાલીઓનો અભ્યાસ.
કુદરતમાં સૌ જીવોમાં ‘માનવપરિબળ’ સૌથી વધુ પ્રભાવશાળી હોઈ પ્રારંભમાં ‘માનવપરિસ્થિતિવિજ્ઞાન’ તરીકે તે શરૂ થયું. માનવશાસ્ત્ર એ માનવીનો સર્વાંગીણ અભ્યાસ કરનારું વિજ્ઞાન હોવાથી માનવવિકાસના તબક્કાઓ, માનવી અને અન્ય જીવોનાં અસ્તિત્વ-જાળવણી, વિકાસ વગેરેને લગતા નિયમો તથા સિદ્ધાંતો તારવવાનું કાર્ય આ વિજ્ઞાને કર્યું છે.
મનુષ્યનું અને તેની આજુબાજુનાં વિવિધ વાતાવરણો અને તેનાં વિવિધ પાસાંઓ સાથેનો – તેનો જગત સાથેનો સંબંધ નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે. માનવ આ સૌમાં કેન્દ્રસ્થાને છે. તેનો સૌ સાથે પારસ્પરિક સંબંધ છે અને તે આપસઆપસમાં અસરકર્તા પણ છે.
આદિમાનવનું જીવન સંપૂર્ણપણે પ્રકૃતિને અધીન હતું; પરંતુ ખેતીનો વિકાસ થતાં પ્રકૃતિના શોષણની પ્રક્રિયાનો આરંભ થાય છે અને તે ઔદ્યોગિક વિકાસના સ્તરે ચરમ સીમાએ પહોંચે છે. તેની દૂરગામી અસરો પશુ-પંખી, જીવ-જંતુ, ઝાડ-પાન વગેરે તમામ જીવ-સૃષ્ટિ પર થઈ છે. એ સૌમાંથી નીપજતી આડ અસરો અંતે તો માનવજીવનને જ ઘાતક બને તેવી સ્થિતિ પેદા થતી જાય છે. આજે માનવીની ઉપભોક્તાવાદી વૃત્તિને કારણે વૈશ્વિક પર્યાવરણનાં તત્વોમાં ભારે અસમતુલા ઊભી થતાં વિક્ષેપો પેદા થવાની શરૂઆત થઈ ગઈ છે. પરિણામે સૌ જીવો વચ્ચેની કુદરતી સંવાદિતા–સમતુલા પણ જોખમાતી જાય છે. પર્યાવરણ માનવ અને સૌ જીવોનું પોષક, રક્ષક અને આશ્રયદાતા છે; પરંતુ માનવની શોષણવૃત્તિને પરિણામે વિઘાતક અસરોની શૃંખલા ઊભી થવા માંડી છે. પ્રાકૃતિક સાધનોના કેવળ ઉપભોગના આશયથી ઊભા થયેલા ઉદ્યોગો, રાસાયણિક ખાતરો, વૈજ્ઞાનિક ટેકનિકોનો અવિચારીપણે ઉપયોગ, વસ્તી-વધારો, માનવ-આવશ્યકતાઓમાં બેફામ વૃદ્ધિ, પરમાણુપરીક્ષણો વગેરેને કારણે જમીન, હવા, પાણી, ખોરાક, આકાશ વગેરે પ્રદૂષિત થતાં જાય છે અને તેથી જે અસરો થઈ રહી છે તે ખતરનાક બનતી જાય છે. આમ માનવ અને પર્યાવરણ વચ્ચેની તૂટતી જતી સમતુલાને અનુલક્ષીને સર્વગ્રાહી અધ્યયન કરી, તેમાં કારણભૂત તત્વોનું નિદાન, નિયમન અને નિરાકરણ કરવાનું કાર્ય આ પ્રાકૃતિક માનવવિજ્ઞાનના ફાળે આવ્યું છે અને તેના અભ્યાસનું ક્ષેત્ર વિસ્તરવા સાથે તેનું મહત્વ પણ વધતું જાય છે.
અરવિંદ ભટ્ટ