પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર (physical geology)
February, 1999
પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર (physical geology) : ભૂસ્તરશાસ્ત્રની એક વિષયશાખા. તેમાં ભૂપૃષ્ઠરચનાશાસ્ત્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. પૃથ્વીનું બંધારણ, તેના વિભાગો, તેના ગુણધર્મો, જુદાં જુદાં પરિબળો દ્વારા પૃથ્વીને અસર કરતી પ્રક્રિયાઓ, ખડકો, ખનિજો અને નિક્ષેપોમાં થતા ફેરફારો, જુદી જુદી સંરચનાઓ, ખડકરચનાઓ, તેમની ઉત્પત્તિ જેવી બાબતોની વિગતવાર માહિતી આ વિજ્ઞાનશાખા દ્વારા મળી શકે છે.
ભૂપૃષ્ઠના બંધારણમાં રહેલા ખડકો ભૌતિક તેમજ રાસાયણિક ફેરફારોને ગ્રાહ્ય હોય છે. ખવાણ આ માટેનું ઘણું જ અગત્યનું પરિબળ બની રહે છે. ખડકપ્રકાર મુજબ આબોહવા, નદી, હિમનદી, વરસાદ, ભેજ, તાપમાનના ફેરફારો, બૅક્ટેરિયા, વનસ્પતિ, પ્રાણીઓ જેવાં પરિબળો અસર કરતાં રહે છે. પહાડી વિસ્તારોના ઉગ્ર ઢોળાવો પરથી ભૂપાત–ખડકપાત થાય છે – નરમ, છૂટું પડેલું ખડકદ્રવ્ય સરકી પડે છે. શુષ્ક, અર્ધશુષ્ક પ્રદેશો પર પવનનું પરિબળ વિશેષ અસર કરે છે. સમુદ્ર-મહાસાગરોના કંઠારપ્રદેશો પર સમુદ્રમોજાં અને પ્રવાહોની અસર સતત ચાલુ હોય છે. પરિણામે ભૂપૃષ્ઠના આકારો અને સ્થળર્દશ્ય નિરંતર બદલાતાં રહે છે. આ બધાં ઘસારાજન્ય પરિબળોને કારણે તૈયાર થયેલા શિલાચૂર્ણના જથ્થામાંથી જમાવટને પરિણામે નવી સ્તરરચના બને છે. આ ઉપરાંત પોપડાની અંદરનાં જુદાં જુદાં પ્રતિબળો પોપડાના ખડકોમાં વિરૂપતા લાવી મૂકે છે. પોપડામાં અધોગમન, ઊર્ધ્વગમન, ભૂકંપ, જ્વાળામુખી-ક્રિયા થાય છે, ખડકસ્તરોમાં ગેડીકરણ, સ્તરભંગ, સાંધા, સંભેદ, અસંગતિ રચાય છે આ પ્રકારની ભૂસંચલનજન્ય ઘટનાઓ પર્વતપ્રદેશો જેવા નબળા ગણાતા વિસ્તારો પર વધુ અસર કરે છે. ક્યારેક ઉલ્કાપાત થતાં ભૂપૃષ્ઠના ખડકો પર અથડામણની અસરો ઉત્પન્ન થાય છે. પોપડામાં સંતુલન ન જળવાય ત્યારે પણ મોટા પાયા પરના ફેરફારો થાય છે. આમ પ્રાકૃતિક ભૂસ્તરશાસ્ત્ર મુખ્યત્વે પોપડાના વિભાગો સાથે સંકળાયેલું ગણાય છે.
ગિરીશભાઈ પંડ્યા