પ્રસૂતિતંત્ર (આયુર્વેદિક)

February, 1999

પ્રસૂતિતંત્ર (આયુર્વેદિક) : આયુર્વેદ અનુસાર કૌમારભૃત્ય નામના અંગની એક ઉપશાખા. આયુર્વેદનાં આઠ અંગમાંનું એક અંગ ‘કૌમારભૃત્ય’ છે. કૌમારભૃત્યતંત્રમાં ગર્ભવિજ્ઞાન, સૂતિકાવિજ્ઞાન તથા બાલરોગવિજ્ઞાનનો સમાવેશ થતો હોય છે. ગર્ભોત્પત્તિ ‘સ્ત્રી’ની અંદર થતી હોય છે આથી સ્ત્રીરોગવિજ્ઞાનનો સમાવેશ પણ કૌમારભૃત્યની અંદર જ કરવામાં આવ્યો છે. ટૂંકમાં, કૌમારભૃત્યની ત્રણ ઉપશાખા પાડી શકાય : (1) સ્ત્રીરોગવિજ્ઞાન (2) પ્રસૂતિવિજ્ઞાન અને (3) બાલ-રોગવિજ્ઞાન.

પ્રસૂતિતંત્ર અથવા પ્રસૂતિવિજ્ઞાનમાં મુખ્ય પ્રકરણ આ પ્રમાણે પાડી શકાય : (1) ગર્ભપ્રકરણ, (2) ગર્ભિણીપ્રકરણ, (3) પ્રસવપ્રકરણ, (4) સૂતિકાપ્રકરણ.

(I) ગર્ભ-પ્રકરણ : ‘मनुष्यो मनुष्यप्रभव:’ મનુષ્યની ઉત્પત્તિ મનુષ્યમાંથી થાય છે. એટલે કે સ્ત્રીબીજ + પુરુષબીજ + જીવાત્મા = મનુષ્યગર્ભ. આમ મનુષ્યની પ્રારંભિક એટલે કે ગર્ભાવસ્થા સ્ત્રીશરીરમાં – માતાના ગર્ભાશયમાં થતી હોય છે. જેમ ઉત્તમ પ્રકારના ધાન્યની ઉત્પત્તિ માટે ઉત્તમ પ્રકારનું ધાન્ય-બીજ, ફળદ્રૂપ જમીન, અનુકૂળ મોસમ-કાળ અને સમપ્રમાણ વરસાદ-પાણીની આવશ્યકતા રહે છે; એ જ પ્રમાણે ઉત્તમ પ્રકારના સંતાનની પ્રાપ્તિ માટે ઉત્તમ પ્રકારનું સ્ત્રીબીજ અને પુરુષબીજ; સ્ત્રીનાં (તથા પુરુષનાં) પ્રજનનાંગો રોગરહિત હોવાં; સમપ્રમાણ અને રોગરહિત સ્ત્રીની રસ-રક્તધાતુ હોવી તથા ગર્ભોત્પત્તિ(અને ગર્ભવૃદ્ધિ અને ગર્ભપ્રસવ)નો સમય ગર્ભને અનુકૂળ તથા પ્રાકૃત (normal) હોવો ખાસ જરૂરી છે. સુશ્રુતસંહિતામાં આ વાતનો નિર્દેશ આ પ્રમાણે કરેલ છે.

ध्रुवं चतुर्णा सांनिध्याद् गर्भः स्याद् विधिपूर्वक: ।

ऋतुक्षत्रोडम्बुब्रीजानां सामग्र्यादंकुरो यथा     ।।

ગર્ભસંભવ સામગ્રીમાં મુખ્ય ચાર વસ્તુની આવશ્યકતા રહી છે : (1) સ્ત્રી-પ્રજનનાંગ, (2) બીજ, (3) ઋતુકાલ અને (4) રસ-રક્તધાતુ.

(1) પ્રશસ્ત સ્ત્રી-પ્રજનનાંગ : વાસ્તવમાં સ્ત્રી અને પુરુષ બંનેનાં પ્રજનનાંગો પ્રાકૃત (normal) હોવાં જરૂરી છે; પરંતુ ગર્ભનો વિકાસ, સ્ત્રીપ્રજનનાંગ-ગર્ભાશયમાં થતો હોવાથી એનું પ્રાધાન્ય રહ્યું છે. પ્રજનનાંગનો આધાર પુરુષ અને સ્ત્રીના સંપૂર્ણ શરીર ઉપર રહ્યો છે. આથી ગર્ભાધાન ઉત્તમ પ્રકારનું થાય, એને ધ્યાનમાં રાખીને ચરક-સંહિતામાં કહ્યું છે કે ‘પુરુષ અને સ્ત્રીએ એક માસનું બ્રહ્મચર્યનું પાલન રાખીને, શાસ્ત્રોક્ત વિધિથી, પંચકર્મચિકિત્સા–સ્નેહન-સ્વેદન-વમન-વિરેચન તથા આસ્થાપન-અનુવાસનબસ્તિ (પંચકર્મ) દ્વારા દેહશુદ્ધિ કરવી જોઈએ તથા મધુરૌષધથી સિદ્ધ કરેલ ઘી અને દૂધવાળો ખોરાક પુરુષે લેવો જોઈએ. સ્ત્રીએ અડદ અને તલના તેલવાળો ખોરાક લેવો જોઈએ.

સ્ત્રીનાં પ્રજનનાંગો પ્રાકૃત (normal) હોય તો સામાન્ય રીતે સ્ત્રીને માસિકસ્રાવ નિયમિત રીતે ત્રણથી પાંચ દિવસ સુધી આવતો હોય છે. માસિકસ્રાવ દરમિયાન દુખાવો અને બળતરા થતાં નથી હોતાં અને માસિકસ્રાવ ચીકાશ પડતો નથી આવતો. લગભગ કુલ 50થી 150 મિલી. જેટલો આર્તવસ્રાવ થતો હોય છે. ગર્ભાશયની બંને બાજુ ઉપર રહેલી બીજવાહિની–આર્તવવહસ્રોતસ–ખુલ્લી હોવી જરૂરી છે. વર્તમાન યુગમાં રેડિયો ઓપેક ડાય ગર્ભાશય દ્વારા દાખલ કરીને ગર્ભાશય અને બીજવાહિનીનો ફોટો એક્સ-રે દ્વારા પાડવામાં આવે છે અને એના દ્વારા બીજવાહિની ખુલ્લી છે કે નહિ તથા ગર્ભાશયમાં રચનાગત વિકૃતિ છે કે નહિ એની જાણકારી મેળવાય છે.

(2) પ્રશસ્ત બીજ : પ્રશસ્ત સ્ત્રીબીજ તથા પ્રશસ્ત પુરુષબીજ : સ્ત્રીબીજ એટલે કે આર્તવ અને પુરુષબીજ એટલે શુક્ર (વીર્ય). આ બંને દૂષિત વાત, પિત્ત, કફ અને રક્તથી બગડતાં હોય છે. સ્ત્રીબીજની પરીક્ષા આર્તવસ્રાવ દ્વારા તથા પુરુષબીજની પરીક્ષા શુક્રધાતુ દ્વારા થતી હોય છે. પ્રાકૃત (normal) શુક્રધાતુ સ્ફટિક જેવી, દ્રવ, સ્નિગ્ધ, મધુરસવાળી અને મધુર ગંધવાળી હોય છે; જ્યારે પ્રાકૃત (normal) આર્તવસ્રાવ રક્તધાતુ જેવો એટલે કે લાખ-રસ યા સસલાના લોહી જેવો હોય છે. આર્તવસ્રાવવાળાં કપડાં ધોવાથી તેમાં ડાઘ રહેતા નથી.

(3) પ્રશસ્ત ઋતુકાલ : સામાન્ય રીતે સ્ત્રીબીજ-પરિપક્વકાલને પ્રશસ્ત ઋતુકાલ કહેવાય છે. આયુર્વેદ મુજબ આર્તવસ્રાવ બંધ થયા પછીના એટલે કે સામાન્ય રીતે ચોથા દિવસથી બારમા દિવસ સુધી અથવા પંદરમા દિવસ સુધીના સમયમાં કોઈ પણ એક દિવસ પ્રાયશ: સ્ત્રીબીજ પરિપક્વ થઈ, બીજવાહિની તરફ જતું હોય છે. આ સમય દરમિયાન ગર્ભાધાન વિધિપૂર્વક થાય એ રીતે શાસ્ત્રોક્ત વિધિથી પતિ-પત્નીએ મૈથુનવિધિનું આચરણ કરવાનું હોય છે. ઘણે ભાગે માસિકસ્રાવના આઠમા દિવસે અથર્વવેદના જાણનાર પુરોહિત દ્વારા વેદવિધિ પ્રમાણે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યા પછી પતિ-પત્નીએ બેકી સંખ્યા પુત્રપ્રાપ્તિ માટે (8–10–12–14) તથા પુત્રીપ્રાપ્તિ માટે એકી સંખ્યાની (9–13–15) રાત્રીએ જેવા રૂપ-રંગ અને આચરણવાળું સંતાન જોઈએ, એનું મનન કરીને, ઉત્તાનાસનમાં, તલ્લીન થઈ, આનંદપૂર્ણ મૈથુનચર્યા કરવી જોઈએ. આર્તવસ્રાવના સમયમાં મૈથુનચર્યા કરવાથી તથા આર્તવસ્રાવના સમયમાં દિવસના સૂવાથી, રડવાથી, માલિશ કરવાથી, નખ કાપવાથી, વધારે હસવાથી, વધારે દોડવાથી, ઊંચા અવાજ સાંભળવાથી, વધારે પવનવાળી જગ્યામાં રહેવાથી સ્ત્રીબીજ વિકૃત થતાં ગર્ભમાં વિકૃતિ થવાની શક્યતા રહે છે.

સારણી 1

માસ ગર્ભવિકાસ-લક્ષણ ગર્ભિણીનાં લક્ષણો
પહેલો ગર્ભ-કલલાવસ્થા (લોચાસ્વરૂપ) સદસદભ્રૂણાંગાવયવ

 

શ્રમ, ગ્લાનિ, પિપાસા, પ્રહર્ષ, બીજગ્રહણતૃપ્તિ-ગૌરવ અંગસાદ-યોનિસ્ફુરણ
બીજો ઘનીભૂત ગર્ભ

o પિંડાકારપુત્રગર્ભ

o પેશીઆકારસ્ત્રીગર્ભ

o અર્બુદાકારન–પુંસકગર્ભ

અનાર્તવ (માસિક ન આવવું)  પ્રજનનાંગનો વિકાસ, ગર્ભાશયની વિશેષ વૃદ્ધિ. આમતા, નિમ્નોદરમૂર્છા. ગુરુતા, મૂર્ચ્છા, ઊલટી થવી, અરુચિ, બગાસાં આવવાં, મોળ આવવી, છાતી ભારે થવી, ખાટું ખાવાની ઇચ્છા થવી.
ત્રીજો ગર્ભનાં હાથ-પગ અને માથા માટે પાંચ પિંડિકાનું નિર્માણ – અંગ- પ્રત્યંગ સૂક્ષ્મ રૂપમાં તૈયાર થવાં. ઉપર મુજબનાં લક્ષણો.
ચોથો

 

 

ગર્ભમાં સ્થિરતા આવવી. હૃદયનો વધુ વિકાસ થવો. અંગપ્રત્યંગ વ્યક્ત થવાં.

 

 

ઓષ્ઠ-સ્તનમંડલ, ગર્ભાશય- ગ્રીવામાં કૃષ્ણતા, અનાર્તવ, પ્રજનનાંગનો વિકાસ, ઓષ્ઠ, સ્તનમંડલ (ગર્ભાશયગ્રીવા યોનિમાર્ગમાં) વધુ કૃષ્ણતા (કાળાશ) આવવી, લોમરાજિ- ઉદગમ (રુવાંટાં થવાં), દૌહદોત્પત્તિ (ભાવાભાવની ઇચ્છા થવી), શરીર વધારે ભારે લાગવું.
પાંચમો ગર્ભનાં માંસ તથા રક્તધાતુનો વધુ વિકાસ થવો, ‘મન’નો (મગજનો) વિકાસ વધારે થવો. ઉપર મુજબનાં લક્ષણો તથા શરીર વધારે કૃશ લાગવું.
છઠ્ઠો બલવર્ણનો વિકાસ થવો. ક્યારેક છઠ્ઠા માસના અંતમાં ગર્ભનું માથું લગભગ માતાની શ્રોણિ તરફ આવી જાય છે. ઉપર મુજબનાં લક્ષણો- ગર્ભાંગસ્ફુરણ. વિશેષત: બલવર્ણ શરીરમાંથી ઓછાં થતાં હોય એમ લાગવું.
સાતમો માંસાદિ બધી જ ધાતુઓનો વિકાસ વધુ થવો. જીવન- ક્ષમત્વકાલ આવતાં ગર્ભપ્રસવ થાય તો ગર્ભ જીવી શકે છે. માથું માતાની શ્રોણિમાં આવે છે. પેટ ઉપર ઉદરવૃદ્ધિને કારણે રક્તાભ કૃષ્ણવર્ણની રેખા નિર્માણ થાય. સ્ત્રી વધારે થાકેલી લાગે.
આઠમો ઓજ અસ્થિર થવું. માતાના હૃદયમાં ગર્ભનું ઓજ ગયું હોય એ સમયે ગર્ભપ્રસવ થાય તો મૃત-ગર્ભપ્રસવ થાય છે. નૈર્ઋત-રાક્ષસની અવકૃપા થતાં અને ઓજ અસ્થિર થવાને કારણે ગર્ભ અથવા ગર્ભિણીને હાનિ થવાની શક્યતા. (ગર્ભપ્રસવ થાય તો) સ્ત્રી ક્યારેક આનંદિત ક્યારેક ઉદાસીન લાગવી.
નવમો,

દશમો

નવમા તથા દશમા માસમાં ગર્ભનો પ્રસવ ગર્ભાશયમાંથી યોનિમાર્ગ દ્વારા થાય છે. પ્રસવમાં માથું પહેલાં નીકળે છે. પ્રસવકાળ નજીક આવવાને કારણે નિમ્નોદરશૂલ, ગુરુગાત્રતા (અંગો ભારે થવાં), પગે થોડા સોજા આવવા, યોનિનો વધારે વિકાસ થવો વગેરે લક્ષણો જોવા મળે છે.

(4) પ્રશસ્ત રસ-રક્તધાતુ : ગર્ભોત્પત્તિ તથા યથોચિત ગર્ભના વિકાસ માટે રસ-રક્તધાતુ પ્રશસ્ત હોવી જરૂરી છે. ગર્ભનું પોષણ માતાની રસ-રક્તધાતુ દ્વારા જ થતું હોય છે; આથી એ સ્વચ્છ અને પ્રમાણસર રહેવી જરૂરી છે. રક્તધાતુ રક્તજ કૃમિ (જીવાણુ-વાયરસ-બૅક્ટેરિયા) તથા ગ્રહબાધાથી દૂષિત થઈ ગર્ભમાં હાનિ પેદા કરી શકે છે.

(II) ગર્ભિણી-પ્રકરણ : સગર્ભા સ્ત્રીના ઉપર જ ગર્ભનો આધાર હોવાને કારણે ગર્ભિણીના પ્રજનનાંગનો ક્રમશ: વિકાસ ગર્ભાધાન પશ્ચાત્ નવ માસ પર્યંત થતો હોય છે. વિશેષત: ગર્ભાશયની વૃદ્ધિ અને ઉદરગત પેશીઓનો વિકાસ નવ માસ પર્યંત થાય છે. ગર્ભનો ક્રમશ: (માસાનુમાસિક) વિકાસ તથા ગર્ભિણીનાં (માસાનુમાસિક) લક્ષણો સંક્ષેપમાં સારણી 1માં આપેલ છે.

ગર્ભિણીપરિચર્યા : ગર્ભનો યથોચિત વિકાસ થાય અને ગર્ભિણીને પણ સમપ્રમાણમાં પુષ્ટિ મળતી રહે તથા સર્વાંગસંપૂર્ણ ગર્ભનો પ્રાકૃત (normal) પ્રસવ પૂર્ણકાલ થતાં થાય એને ધ્યાનમાં રાખીને શાસ્ત્રમાં ગર્ભિણીપરિચર્યાનું વર્ણન કરવામાં આવ્યું છે. એક સામાન્ય નિયમ છે કે ગર્ભિણી સ્ત્રીએ તીક્ષ્ણૌષધ તથા સખત પરિશ્રમ ક્યારે પણ ન કરવો. વળી સગર્ભાવસ્થામાં ગર્ભને હાનિકારક ઔષધ-આહાર અને વિહારનું સેવન જો ગર્ભિણી સ્ત્રી કરે તો એના પ્રકુપિત થયેલા દોષો પોતાનાં જે જે અંગોમાં પીડા-વિકૃતિ નિર્માણ કરે છે, તે તે અંગો ગર્ભોનાં પણ વિકૃત અવશ્ય થાય છે. આના સંદર્ભમાં સુશ્રુત સંહિતામાં આ પ્રમાણે શ્લોક જોવા મળે છે :

दोषाभिधातैर्गर्भिण्या: यो यो भाग: प्रपीड्यते ।

स स भाग: शिशोस्तस्य गर्भस्यस्य प्रपीड्यते ।।

                                                            (सु. शा. : 3)

આથી સગર્ભાવસ્થામાં ઉત્તમ સંતાનપ્રાપ્તિની ઇચ્છાવાળી સ્ત્રીએ પવિત્ર સાધુ-આચરણ તથા હિતકર આહાર-વિહારનું સેવન કરવું જોઈએ. અધિક પ્રમાણમાં વ્યાયામ, ઉપવાસ, દિવસના સૂવું, રાતના જાગવું, ચિંતા કરવી, સ્કૂટર-સાઇકલ જેવા વાહન ઉપર પ્રવાસ કરવો, ભયભીત થવું, ઉભડક બેસવું, એકાંતમાં ફરવું, ઝાડાપેશાબ તથા વાછૂટની હાજતને રોકવી, સતત ચત્તાં સૂઈ રહેવું, મદ્યપાન કરવું, ડુક્કર-માછલી જેવાં પ્રાણીઓનું માંસ ખાવું, વધારે પડતું ખાટું-ખારું, તીખું-કડવું-તૂરું ખાવું વગેરે ગર્ભ અને ગર્ભિણીને હાનિકારક થાય છે.

સગર્ભા સ્ત્રીને ભાવાભાવની ઇચ્છા થાય, એ પણ અવમાનિત (અમાન્ય) ન થવી જોઈએ. હાનિકારક દૌહદેચ્છા હોય તો યુક્તિપૂર્વક એનો પ્રયોગ કરાવવો જોઈએ.

પુત્રપ્રાપ્તિ માટે ‘પુંસવન’ પહેલા મહિને ઋતુકાલમાં (એટલે કે ગર્ભાધાનના સમયમાં) અથવા ગર્ભ રહેતાં બીજા મહિનાના અંતભાગ સુધીમાં કરવાનું સૂચન મળે છે. ગર્ભમાં સ્ત્રીબીજનું પ્રાધાન્ય થતાં સ્ત્રીગર્ભ અને પુરુષ-બીજનું પ્રાધાન્ય થતાં પુરુષગર્ભ નિર્માણ થાય છે. કહ્યું છે કે–

शुक्रबाहुल्यात् पुमान्, आर्तवबाहुल्यात् स्त्री, साम्यादुभयोर्नपुंसकमिति ।

                                                            (सु. शा : 3)

ગુણની ર્દષ્ટિથી જોઈએ તો સ્ત્રીબીજ ઉષ્ણવીર્ય છે, જ્યારે પુરુષબીજ શીતવીર્ય છે. આથી પુત્રપ્રાપ્તિ માટે દેશ-બલ-કાલ-પ્રકૃતિ વગેરેનો વિચાર કરી, શીતકાલમાં–દેહશુદ્ધિ પશ્ચાત્, એક માસના બ્રહ્મચર્યના પાલન પછી વિધિસર ગર્ભાધાન કરવામાં આવે અને એ સમયે જ પુંસવન-સંસ્કાર પણ કરવાથી, પુરુષાર્થ બળવાન હોય તો, અવશ્ય પુત્રપ્રાપ્તિ થાય છે.

ઉપચાર : (1) પુષ્ય નક્ષત્રમાં ગર્ભના બે માસની અંદર–સુવર્ણ યા ચાંદીનું બનાવેલ પુરુષનું પૂતળું ગરમ કરીને દૂધમાં છમકારીને 160 મિલી. દૂધ સ્ત્રીને પિવડાવવાથી પુત્રગર્ભ થાય છે.

(2) ગૌરદંડમપામાર્ગ (સફેદ દાંડીનો અઘેડો), જીવક, ઋષભક તથા કાંટાસળિયો – આમાંથી જેટલા મળે એમને લસોટીને દૂધ સાથે પુષ્ય નક્ષત્રમાં સ્ત્રીને આપવામાં આવે.

(3) શ્વેત બૃહતી (ભોરિંગણી) મૂળને દૂધ સાથે લસોટીને એનો રસ જમણા નસકોરામાં નાખવાથી પુત્રપ્રાપ્તિ થાય છે; જો ડાબા નસકોરામાં નાખવામાં આવે તો પુત્રીપ્રાપ્તિ થાય છે. પુષ્ય નક્ષત્રમાં તથા ગર્ભાધાનના બે માસ સુધીમાં જ આ વિધિ કરવી જોઈએ. એ જ પ્રમાણે લક્ષ્મણામૂળ, વટશૃંગાટક અથવા જીવનીયગણનો નસ્ય તથા પીવામાં ઉપયોગ કરી શકાય છે.

આજના કુટુંબનિયોજનના જમાનામાં એક યા બે શ્રેષ્ઠ અને સર્વાંગસંપૂર્ણ સંતાનની જરૂર હોય છે. આયુર્વેદની ગર્ભાધાનવિધિ, પુંસવનવિધિ અને ગર્ભિણીપરિચર્યા દ્વારા ઇચ્છિત સંતાન મળી શકે. ગર્ભિણીપરિચર્યામાં આહાર તથા ઔષધને ધ્યાનમાં રાખીને નીચે પ્રમાણે સૂચનાઓ અપાઈ છે :

(1) પુષ્ય નક્ષત્રમાં ગર્ભિણી સ્ત્રીએ ગર્ભસ્થાપક ઔષધ – એન્દ્રી, બ્રાહ્મી, શતવીર્યા, સહસ્રવીર્યા, અમોઘા, અવ્યથા, શિવા, અરિષ્ટા, વાટ્યપુષ્પી, વિષ્વકસેનક્રાંતા–નું ધારણ તથા સિદ્ધ દૂધ અને ઘીનું આહારના રૂપમાં સેવન તથા સિદ્ધ ક્વાથ દ્વારા સ્નાન કરવું જોઈએ.

(2) ગર્ભિણી સ્ત્રીએ મૃદુ-મધુર-સુકુમાર એવાં ઔષધ તથા આહારના પ્રયોગમાં – સારિવા, રાસ્ના, ગોક્ષુર, શિગ્રુ, પદ્મ, ઉત્પલ, કુમુદ, શૃંગાટક, પુષ્કરબીજ, ગંધપ્રિયંગુ, શાલૂક, ઉદુમ્બર, શલાટુ, ન્યગ્રોધશૃંગ, બલા, અતિબલા, શાલિષષ્ટિક, કાકોલી વગેરેથી સિદ્ધ દૂધ અને ઘીયુક્ત દ્રવઆહાર લેવો જોઈએ. આ સિવાય રક્તસ્રાવ થાય તો ગર્ભિણી સ્ત્રીને યષ્ઠી, મૃદ્વિકા, રક્તચંદન, નીલોત્પલ, શૃંગાટક, નાગકેસર, ગૈરિક, ગોક્ષુર વગેરેથી સિદ્ધ કરેલ દૂધ અને ઘી આપવાં જોઈએ. ગર્ભિણીનું આસન મૃદુ-સુખપ્રદ હોય. શતધૌતઘૃતના પિચુ(પોતા)થી યોનિમાં તથા પેટના નીચેના ભાગમાં લેપન કરવું જોઈએ.

(III) પ્રસવ-પ્રકરણ : કોઈ પણ પ્રકારના યંત્રશાસ્ત્રની સહાય વગર નવમા તથા દસમા મહિનામાં શિર (મધ્યશીર્ષ) પહેલાં નીકળીને યોનિમાર્ગમાંથી ગર્ભનો પ્રસવ (પ્રસવવેદના શરૂ થાય પછી 24 કલાકની અંદર) થાય તો એને ‘પૂર્ણકાલ પ્રાકૃત (normal) પ્રસવ’ કહેવાય. પ્રસવની પૂર્વાવસ્થાને આસન્નપ્રસવાવસ્થા કહેવાય છે. આ સમયે ગર્ભશિર સવ્યશ્રોણિમાં થોડું ઊતરે છે. આથી માતાનું પેટ થોડું ઢીલું થઈ જાય છે, મલમૂત્રની પ્રવૃત્તિ વારેઘડીએ કરવાની ઇચ્છા માતાને થાય છે. એનો નીચેનો ભાગ ભારે થઈ જાય છે. યોનિમાંથી ચીકાશ પડતો પ્રવાહી પદાર્થ નીકળે છે. આ સમયે સ્ત્રીને દશમૂલક્વાથ તથા બલા તેલની ગુદામાર્ગ દ્વારા બસ્તિ આપવી જોઈએ તથા યોનિમાર્ગમાં તથા યોનિની બહાર બલા તેલનું પોતું મૂકવું જોઈએ અને એનું માલિશ કરવું જોઈએ.

પ્રસવવેદના શરૂ થતાં ઉપસ્થિત પ્રસવાવસ્થા શરૂ થાય છે. પ્રસવવેદનાને ‘આવીવેગ’ (વેણ) કહેવાય છે. આવીવેગનું બળ, અપત્યપથ તથા અપત્ય (ગર્ભ) જો પ્રાકૃત (normal) હોય તો પ્રસવ ‘પ્રાકૃત’ થાય અને આ ત્રણમાંથી કોઈ પણ એક વિકૃત હોય તો પ્રસવમાં ‘વિકૃતિ’ થવાની શક્યતા રહે છે. શરૂઆતમાં ગર્ભાશયનું મુખ ધીરે ધીરે લગભગ 10 સેમી. જેટલું પહોળું થતાં ગર્ભોદકનો સ્રાવ થાય છે. એ પછી ગર્ભ ગર્ભાશયમાંથી નીકળી યોનિમાર્ગ દ્વારા બહાર આવે છે. અને છેલ્લે અપરા (ઓર) અને નાભિનાલ સહિત જરાયુ બહાર નીકળે છે. આ બધી પ્રક્રિયામાં જો પહેલો પ્રસવ હોય તો લગભગ 16થી 24 કલાક લાગી જાય છે; પણ જો બીજી યા એથી વધારે વખતની આ પ્રસવપ્રક્રિયા હોય તો લગભગ 8થી 16 કલાકમાં ગર્ભ તથા અપરાજરાયુ (ઓર) બહાર નીકળી જાય છે. પ્રસવ-ઉપચારમાં આ સમયે સ્ત્રીને પીઠ તથા પેટના નીચેના ભાગમાં હલકા હાથે બલા તેલનું માલિશ કરવું જોઈએ. એના પીઠ તથા જાંઘના અવયવોને હલકા હાથે દબાવવા જોઈએ. વેણ ચાલુ ન હોય એ સમયે બગાસાં ખાવાં તથા આમતેમ ઘરમાં ફરવા કહેવું જોઈએ. વેણ ચાલુ ન હોય, એ સમયે ગુદા તરફના નીચેના ભાગમાં જોર ન કરવાનું કહેવું જોઈએ; કારણ કે આમ કરવાથી ગર્ભમાં શ્વાસ-કાસ (ખાંસી), બહેરાપણું, મૂંગાપણું જેવી બીમારી થવાની શક્યતા રહે છે. યોનિમાર્ગમાંથી ગર્ભનો પ્રસવ થઈ રહ્યો હોય એ સમયે સ્ત્રીને પ્રોત્સાહન આપીને નીચે ગુદા તરફ વધારે જોર કરવા કહેવું જોઈએ. ગર્ભપ્રસવ થઈ ગયા પછીથી ધીરજપૂર્વક સમજાવી, એને શાંતિપૂર્વક સૂવાનું કહેવું જોઈએ.

(IV) સૂતિકા-પ્રકરણ : ગર્ભપ્રસવ તથા અપરા (ઓર) નીકળી ગયા પછીથી દોઢ મહિનાના સમયને સૂતિકાકાલ કહેવાય છે. એમાં પણ શરૂઆતના દશ દિવસ ખાસ અગત્યના હોય છે; કારણ કે આ સમયમાં મોટું થયેલું ગર્ભાશય તથા એની સાથેનાં સંલગ્ન સ્નાયુબંધનો ધીરે ધીરે પ્રાકૃત (normal) માપમાં આવે છે. આ સમયે પેટ ઉપર ઘટ્ટ પટ્ટબંધન (પાટો) કરવાથી વાયુ (હવા) પેટમાં ભરાતો નથી તથા ગર્ભાશયાદિ અવયવો પોતાના મૂળ સ્થાન ઉપર આવી જાય છે. આની સાથે સાથે અવયવોને મૂળ સ્થાને લાવવા તેલમાલિસ તથા શેક પણ કરવાં જોઈએ. સાથે સાથે સૂંઠ, મરી, પીપર, પીપરીમૂળ, ચવ્ય, ચિત્રક, સુવા, જીરું તથા સૈંધવ ઘીની સાથે મેળવીને આપવાં જોઈએ. ઓછામાં ઓછા છ કલાકમાં પચી જાય એટલું ઘી આપવું જોઈએ. એ પછીથી ગંઠોડા-પીપર વગેરેની સાથે રાબ બનાવી સૂતિકા સ્ત્રીને આપવી જોઈએ. આ પ્રમાણે ઓછામાં ઓછું પાંચ અથવા સાત દિવસ ઘી અથવા તેલ પિવડાવવાથી સ્ત્રીમાં ફરીથી બળ આવે છે. ટૂંકમાં, જીવનીય, બૃંહણીય, મધુર રસવાળાં અને વાતહર ઔષધ સૂતિકાને આપવાં જોઈએ. સૂતિકા સ્ત્રીને માલિશ અને ગરમ પાણીનું સ્નાન ઓછામાં ઓછું દોઢ મહિના સુધી કરાવવું જોઈએ.

બાળકને ઉચિત પ્રમાણમાં સ્તન્યપાન દ્વારા પોષણ મળે એટલા માટે માતા શતાવરી, રાસ્ના, અજમો, જેઠીમધ, નાગરમોથ, તગર, પંચમૂલ કે દશમૂલ ક્વાથનો ઉપયોગ જો ઉકાળા, ચૂર્ણ અથવા આસવ-અરિષ્ટના રૂપમાં કરે તો ધાવણ પ્રાકૃત (normal) અને પ્રમાણસર બાળકને મળે અને તેથી તેની તંદુરસ્તી પણ સારી રહે છે.

પ્રસવપ્રક્રિયામાં વધારે સમય સુધી પ્રવાહણ (જોર) કરવાથી, વિકૃત પ્રસવથી તથા સૂતિકાકાલ અને પ્રસવકાલમાં મિથ્યાહાર અને મિથ્યાવિહાર કરવાથી સૂતિકારોગ – જ્વર (તાવ), અંગદર્દ (શરીરમાં દુખાવો થવો), કંપવાત, પિપાસા (તરસ લાગવી), ગુરુગાત્રતા (શરીર ભારે થઈ જવું), શોથ (સોજા આવવા), ઉદરશૂલ, અતિસાર (ઝાડા થવા) જેવી ઘણી બીમારીઓ થાય છે. તેવે વખતે સૂતિકારોગમાં પ્રતાપલંકેશ્વર, ચંદ્રપ્રભા, દશમૂલારિષ્ટ જેવી ઔષધિઓ દર્દ પ્રમાણે અપાતી હોય છે.

ઇલા શ્રીકાંત દેશપાંડે