પ્રસાદ એલ. વી. (જ. 17 જાન્યુઆરી 1908, ગામ દલુરુ, તા. સામવારાપાડુ, જિ. પશ્ચિમ ગોદાવરી; અ. 22 જૂન 1994) : હિંદી અને દક્ષિણ ભારતીય ભાષાઓનાં ચલચિત્રોના અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક, સ્ટુડિયો અને પ્રયોગશાળાના માલિક. ભારતમાં સવાક્ ચલચિત્રોનો યુગ શરૂ થયો એ અરસાથી ચલચિત્રો સાથે તેઓ જોડાયા હતા. પૂરું નામ અક્કિનેની લક્ષ્મીવર પ્રસાદ રાવ. પિતા અક્કિનેની શ્રીરામુલુ, માતા : વાસવઅમ્મા.
શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે દેશમાં ચલચિત્રોના નિર્માણનો પ્રારંભ થઈ ચૂક્યો હતો. ચલચિત્રોના જાદુથી આકર્ષાતાં તેમનું મન અભ્યાસમાં ન ચોંટ્યું. પોતે પણ આવું કંઈક કરી શકે એ વિચારોમાં તેઓ ગુમસૂમ રહેવા માંડ્યા. 17 વર્ષના હતા ત્યારે માતા-પિતાએ તેમનું લગ્ન કરી દીધું, પણ એ પછી ઘરની આર્થિક સ્થિતિ કથળતાં પ્રસાદ મુંબઈ આવ્યા. ચલચિત્રો પ્રત્યે આકર્ષણ તો હતું જ એટલે તેમાં કામ મેળવવા પ્રયત્નો શરૂ કર્યા. ઘણા સંઘર્ષ અને રઝળપાટ પછી 1930માં તેમને નાનુંમોટું કામ મળવું શરૂ થયું. અરદેશર ઈરાનીની ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીમાં તેઓ કામ કરતા હતા ત્યારે 1931માં ભારતના પ્રથમ બોલપટ ‘આલમઆરા’માં પણ તેમને કામ કરવાની તક મળી. ઇમ્પીરિયલ ફિલ્મ કંપનીના એક કારકુને તેમને તેમનું લાંબું નામ ટૂંકાવવાની સલાહ આપી. ત્યારથી તેઓ એલ. વી. પ્રસાદ બની રહ્યા. પ્રથમ હિંદી બોલપટ ‘આલમઆરા’ ઉપરાંત પ્રથમ તમિળ બોલપટ ‘કાલિદાસ’ અને પ્રથમ તેલુગુ બોલપટ ‘ભક્ત પ્રહલાદ’માં પણ તેમણે અભિનય કર્યો હતો. દેશની મુખ્ય ભાષાઓ પૈકી ત્રણ ભાષાનાં પ્રથમ બોલપટોમાં અભિનય કર્યો હોય એવું ગૌરવ ભાગ્યે જ બીજા કોઈ કલાકારને મળ્યું છે.
પોતાની ભાષામાં ચલચિત્રો માટે કંઈક કરી છૂટવાની ખેવનાથી તેઓ મુંબઈ છોડીને મદ્રાસ (ચેન્નઈ) આવ્યા. બે ચિત્રો ‘દ્રોહ’ અને ‘ગૃહપ્રવેશમ્’નું તેમણે નિર્દેશન કર્યું; તેમાં અભિનય પણ કર્યો. સમય જતાં તેમણે લક્ષ્મી પ્રોડક્શન્સ અને પ્રસાદ પ્રોડક્શન્સ નામની પોતાની નિર્માણ કંપનીઓ શરૂ કરી અને 40થી વધુ ચિત્રોનું નિર્માણ કર્યું; જેમાંની મોટાભાગની અત્યંત સફળ રહી અને રજત જયંતી ઊજવી શકી હતી. 1965માં તેમણે પ્રસાદ સ્ટુડિયોની સ્થાપના કરી અને 1976માં પ્રસાદ ફિલ્મ લૅબોરેટરી શરૂ કરી, જે એશિયામાં શ્રેષ્ઠ સુવિધાઓ ધરાવતી પ્રયોગશાળાઓમાંની એક બની રહી. તેમાં આધુનિક ઉપકરણોની સાથોસાથ 70 એમએમ સ્ટીરિયોફૉનિક રેકૉર્ડિંગ થિયેટરની સુવિધા હતી.
ચલચિત્રક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 1982માં દાદાસાહેબ ફાળકે પારિતોષિક એનાયત કરાયું હતું. આ ઉપરાંત ઘણાં પારિતોષિકો તેમણે મેળવ્યાં હતાં. તેમને 1978–79માં તામિલનાડુ સરકાર દ્વારા રાજા સેન્ડો સ્મૃતિ પારિતોષિક, 1980માં ભારત સરકાર દ્વારા ‘ઉદ્યોગરત્ન’, એ જ વર્ષે આંધ્રપ્રદેશનું રઘુપતિ વેન્કૈયા પારિતોષિક અને 1982માં સિને ટેકનિશિયન ઍસોસિયેશન દ્વારા રામનાથ ઍવૉર્ડ મળ્યાં હતાં.
તેલુગુ, તમિળ અને કન્નડ ભાષામાં ઘણાં લોકપ્રિય ચલચિત્રોનું નિર્માણ કરવા ઉપરાંત હિંદીમાં તેમણે જે લોકપ્રિય ચલચિત્રો બનાવ્યાં, તેમાં ‘શારદા’, ‘છોટી બહન’, ‘બેટી-બેટે’, ‘હમરાહી’, ‘સસુરાલ’, ‘દાસી’, ‘માં’, ‘મિલન’, ‘રાજા ઔર રંક’, ‘જીને કી રાહ’, ‘ખિલૌના’, ‘બિદાઈ’, ‘એકદૂજે કે લિયે’, ‘ઉધાર કા સિંદૂર’નો સમાવેશ થાય છે. 1970માં ‘ખિલૌના’ને શ્રેષ્ઠ ચિત્રનું ફિલ્મફેર પારિતોષિક એનાયત થયું હતું.
હરસુખ થાનકી