પ્રશ્નાવલી : વિશાળ સમુદાયના લોકો પાસેથી માહિતી એકત્રિત કરવાની ઝડપી અને સરળ પદ્ધતિ. સામાજિક વિજ્ઞાનોમાં વ્યવસ્થિત અને પદ્ધતિસરનાં અભ્યાસ-સંશોધન કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ અન્ય વિદ્યાક્ષેત્રોમાં પણ ઉપયોગી છે. આ પદ્ધતિનો સર્વપ્રથમ ઉપયોગ હૉરેસ મૅને 1847માં કર્યો હતો. હવે સંશોધન કરવા માટે આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થાય છે. સંશોધક પોતાની અનુકૂળતા પ્રમાણે વિશાળ અને વેરવિખેર વસ્તીના અભ્યાસ માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. સંખ્યાત્મક તથા ગુણાત્મક માહિતી મેળવવા માટે આ ઉપયોગી પદ્ધતિ છે.
પ્રશ્નાવલીમાં પ્રશ્નોની યાદી નિશ્ચિત ક્રમમાં કાગળ ઉપર ટાઇપ કરવામાં અથવા છાપવામાં આવે છે. આ યાદીનો ઉપયોગ કરીને સંશોધક માહિતીદાતાની પ્રત્યક્ષ કે રૂબરૂ મુલાકાત લીધા વિના ટપાલ દ્વારા તેને તે પહોંચાડે છે તથા માહિતી આપનાર વ્યક્તિ તે ભરીને સંશોધકને પરત મોકલે છે.
પ્રશ્નાવલી એ સામાન્ય રીતે પ્રત્યુત્તર પ્રાપ્ત કરવાનું એક સાધન છે; જેમાં ઉત્તરદાતાએ પ્રશ્નોના જવાબો જાતે લખવાના હોય છે. નક્કી કરેલા નમૂનાની પ્રશ્નાવલી ઉત્તરદાતાને ટપાલ દ્વારા મોકલીને માહિતી મેળવી શકાય છે.
પ્રશ્નાવલીની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે : (1) પ્રશ્નોની સૂચિ ખાસ પસંદ કરેલા ઉત્તરદાતાઓને ટપાલ દ્વારા મોકલવામાં આવે છે, જેમાં પ્રત્યક્ષ પરિચય જરૂરી નથી. (2) શિક્ષિત વ્યક્તિઓ માટે જ તેનો ઉપયોગ થઈ શકે છે. (3) વિશાળ કે નાના બંને પ્રકારના સમુદાયોના સંશોધન માટે તે વપરાય છે. (4) આધારભૂત માહિતી મેળવીને તેનું વિશ્લેષણ કરી શકાય છે. (5) આ પદ્ધતિ સગવડભરી, ઝડપી, સસ્તી અને સરળ છે. (6) તેના દ્વારા તુલનાત્મક અધ્યયન કરી શકાય છે.
સંશોધનના હેતુને ધ્યાનમાં રાખીને, અપેક્ષિત માહિતી પ્રાપ્ત કરવાના ર્દષ્ટિબિંદુને લક્ષમાં લઈને પ્રશ્નાવલીની રચના કરવામાં આવે છે. કેટલાક વિદ્વાનો પ્રશ્નાવલીની રચના કઈ રીતે કરવામાં આવે છે એને ભૂમિકારૂપ ગણીને રચિત અથવા નિશ્ચિત પ્રશ્નાવલી તથા અરચિત અથવા અનિશ્ચિત પ્રશ્નાવલી એવા પ્રકારો પાડે છે. બીજા કેટલાક વિદ્વાનો પ્રશ્નાવલીમાં પૂછવામાં આવેલા પ્રશ્નોનું સ્વરૂપ કેવું છે તેને આધારે બંધ પ્રશ્નાવલી અને ખુલ્લી પ્રશ્નાવલી અથવા સીમિત કે પ્રતિબંધિત અને અસીમિત કે અપ્રતિબંધિત પ્રશ્નાવલી – એવું વર્ગીકરણ આપે છે. જે પ્રશ્નાવલીમાં ચિત્રો બતાવીને પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તેને ચિત્રાંકિત અથવા સચિત્ર કે ચિત્રમય પ્રશ્નાવલી ગણવામાં આવે છે. જેમાં ઉપરની ત્રણેય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તેને મિશ્રિત પ્રશ્નાવલી તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્નાવલી તૈયાર કરવા માટે જે તે વિષયની સંપૂર્ણ જાણકારી, શિક્ષણ તથા પ્રશ્નાવલીના જવાબોની જાણકારી હોવી જરૂરી છે.
પ્રશ્નાવલીમાં વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે; તેમાં દ્વંદ્વાત્મક અને બહુ-અર્થક પ્રશ્નો, વિકલ્પ-પસંદગીના પ્રશ્નો, નિર્દેશક અને શ્રેણીબદ્ધ પ્રશ્નોનો સમાવેશ થાય છે. પ્રશ્નાવલીમાં પ્રશ્નો કઈ રીતે પૂછવા એ મહત્વની બાબત છે. જેના દ્વારા યથાર્થ અને આધારભૂત માહિતી મળી શકે તેવા પ્રશ્નોના મુદ્દાઓ નક્કી કરવા એ મહત્વનું કાર્ય છે.
પ્રશ્નાવલીમાંના પ્રશ્નો સ્પષ્ટ, સીધી સરળ ભાષામાં, સંશોધન-વિષયને અનુરૂપ તથા અર્થપૂર્ણ હોવા જોઈએ. ઉત્તરદાતાનાં વલણો, બૌદ્ધિક કક્ષા, વયજૂથ વગેરેનો ખ્યાલ રાખીને પ્રશ્નાવલીની રચના થવી જોઈએ.
પ્રશ્નાવલીની કેટલીક મર્યાદાઓ હોય છે : નિરક્ષર વ્યક્તિઓ પાસેથી માહિતી ન મળવી, સમયસર ભરાઈને ન આવવી. અસ્પષ્ટ હસ્તાક્ષરોને કારણે વિશ્લેષણમાં મુશ્કેલી નડવી, સંશોધકની મદદનો ફાયદો ન મળવો, પ્રશ્નોના ઉત્તરો બરાબર ન મળવા, અપૂર્ણ સૂચનાઓ, વિશ્વસનીયતાનો અભાવ, ઉત્તરદાતાના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક તથા શૈક્ષણિક સ્તરમાં તફાવત, ગહન અભ્યાસ ન થઈ શકવો, પક્ષપાતરહિત, ઝીણવટભરી અને અધિકૃત માહિતી એકત્ર ન થવી વગેરે.
આમ છતાં સંશોધન-પ્રવૃત્તિ કરતાં અનેક સંગઠનો આજે પણ આનો મહત્તમ ઉપયોગ કરે છે. યુરોપ, અમેરિકા અને અન્ય વિકસિત દેશોમાં તથા ભારતમાં સામાજિક, આર્થિક સર્વેક્ષણ તથા બજાર-સંશોધન, જનમત જેવા ઘણા વિષયોના અધ્યયન માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
હર્ષિદા દવે