પ્રવાલખડકો (coral reefs) : પરવાળાંના દૈહિક માળખામાંથી તૈયાર થયેલા ખડકો. સમુદ્ર અને મહાસાગરોમાં જુદા જુદા સમુદાયનાં પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે. દરિયાઈ પ્રાણીઓ પૈકી કોષ્ઠાંત્ર સમુદાયમાં પરવાળાંનો સમાવેશ થાય છે. પરવાળાં એકાકી કે સમૂહમાં રહે છે. આ પ્રાણીઓની શરીરરચનામાં ચૂનેદાર માળખું અને કેટલાક નરમ અવયવો હોય છે. તેમના મૃત્યુ બાદ ચૂનેદાર દૈહિક માળખાની કણિકાઓની સમુદ્રતળ પર જમાવટ થવાથી જે ખડકજથ્થો તૈયાર થાય છે તેને પ્રવાલખડકો કહે છે. પ્રવાલખડકોનાં વિસ્તાર-પરિમાણ થોડા મીટરથી કેટલાક કિલોમીટર સુધીનાં હોય છે. પ્રવાલકણિકાઓથી ઉદભવતી ખડકરચનાના નિર્માણમાં અન્ય દરિયાઈ પ્રાણીઓ તેમજ ચૂનેદાર લીલ પણ ઉપયોગી નીવડે છે. કેટલીક વખતે તેના ટાપુઓ પણ તૈયાર થાય છે, જે પ્રવાલટાપુ તરીકે ઓળખાય છે.
પ્રવાલખડકો અને પ્રવાલટાપુઓનું નિર્માણ કરનારાં પરવાળાંના અસ્તિત્વ માટે નીચે મુજબના સંજોગો અનિવાર્ય બની રહે છે :
(1) સમુદ્ર કે મહાસાગરોનાં જે સ્થાનોનું પાણીનું તાપમાન 20° સે.થી નીચું જતું નથી ત્યાં પરવાળાં વિકસી શકે છે. સામાન્ય રીતે આવી સ્થિતિ 30° ઉત્તર-દક્ષિણ અક્ષાંશ વચ્ચેના સમુદ્ર-મહાસાગરમાં મળી રહે છે. (2) પરવાળાં સૂર્યની સીધી ગરમી સહન કરી શકતાં નથી, તેથી તે ઓટ સમયની જળસપાટીથી નીચે તરફ મળે છે. (3) પરવાળાં 25–30 ફૅધમથી વધુ ઊંડાઈએ વિકસી શકતાં નથી. (4) પરવાળાંના અસ્તિત્વ માટે ઑક્સિજનયુક્ત, સૂક્ષ્મ જીવાણુઓની વિપુલતાવાળું, સ્વચ્છ પાણી જરૂરી છે. (5) પરવાળાં કાદવવાળા પાણીમાં જીવી શકતાં નથી. પ્રવાલખડકો પશ્ચિમ અને મધ્ય પેસિફિક મહાસાગરમાં, એટલાંટિક મહાસાગરમાં, વેસ્ટ ઇંડિઝ નજીક અને હિંદી મહાસાગરમાં જોવા મળે છે.
પ્રવાલખડકોના ત્રણ પ્રકાર છે : (1) અભિતટીય પ્રવાલખડક, (2) અવરોધક પ્રવાલખડક અને (3) કંકણાકાર પ્રવાલદ્વીપ.
વ્રિજવિહારી દીનાનાથ દવે