પ્રયોગવાદ : સ્થગિતતા સામેની પ્રતિક્રિયા રૂપે આવિષ્કાર પામેલો સાહિત્યિક અભિગમ. ‘પ્રયોગ’ સંજ્ઞા અહીં વિજ્ઞાનક્ષેત્રમાં જે અર્થમાં વપરાય છે એ અર્થમાં નથી વપરાયેલી, પણ જે કાંઈ સ્થગિત છે, જે કાંઈ સ્થિર છે, એનાથી છૂટા પડવા માટે અને ગતિશીલતાને સૂચવવા માટે વપરાયેલી છે. કોઈ પણ સાહિત્યનો ઇતિહાસ દર્શાવે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં અનુકરણ, અનુસરણ, એકવિધતા અને નીરસતા ઊભાં થાય છે અને એને કારણે અટકી ગયાની એક સ્થિતિ આવે છે ત્યારે સાહિત્યમાં સહજ પ્રયોગો દ્વારા ફરી ગતિ ઊભી થાય છે. ઉત્ક્રાંતિના ક્રમમાં આ પ્રક્રિયા સાહજિક છે; પરંતુ આ સાહજિક પ્રક્રિયાને અત્યંત ઉત્કટ અને સભાન બનાવીને એનો ઉપયોગ આધુનિકતાવાદી ભૂમિકાએ કર્યો છે.
વીસમી સદીની આધુનિકતાવાદી આવાં ગાર્દ ઝુંબેશો અને આંદોલનોનું પ્રયોગવાદ એક સર્વસામાન્ય લક્ષણ રહ્યું છે. પ્રસ્થાપિત કલા અને સાહિત્યિક પરંપરાને જગત અંગેની નવી વિભાવનાઓ અને નવાં પ્રતિનિધાનો દ્વારા અતિક્રમી જવાની એમાં પ્રતિબદ્ધતા રહી છે. એકબીજાના પ્રત્યાઘાતમાં આવેલાં આવાં સાહસપૂર્ણ આંદોલનોએ જે કાંઈ મૃત થયું હોય, જે કંઈ જડ બન્યું હોય એની સામે જેહાદ પોકારી છે. આ માટે અભિવ્યક્તિની તાજગી હાંસલ કરવા અનેક પદ્ધતિઓને, અનેક અભિગમોને, અનેક રીતિઓને અખત્યાર કરવામાં આવ્યાં. આથી ચેતના, ભાષા અને સાહિત્યરૂપો અંગેની સ્થાપિત કે પારંપરિક વિભાવનાઓને ખાસ્સો આઘાત પહોંચ્યો છે.
આઘાત આપનારા આવા પ્રયોગો વાસ્તવનું કોઈ ચોક્કસ અર્થઘટન કરતા નથી; પણ બાહ્ય વાસ્તવનો અનાદર કરીને પોતે રચેલા સ્વાયત્ત નવા વાસ્તવનો અનુભવ ઊભો કરે છે. અછાંદસ કવિતા, ગદ્ય કવિતા, અકસ્માત કવિતા (chance poetry), કમ્પ્યૂટર-કવિતા, સંપ્રાપ્ત કવિતા (found poetry), પૉપ-કવિતાની સાથે સાથે કલાક્ષેત્રે પ્રથમપુરુષ કથન (first-person narration), આંતરચેતનાપ્રવાહ (stream of consciousness), મુક્ત પરોક્ષ ઉક્તિ (free indirect utterance) તેમજ કથનરીતિનાં વિવિધ પરિમાણો ઉમેરાતાં જોવાય છે. નાટકક્ષેત્રે અસંગત અને ઍબ્સર્ડનાં તત્વોએ નાટકના માળખાનો ઠીક ઠીક કાયાકલ્પ કર્યો છે.
આ રીતે જોઈએ તો આત્મલક્ષી અભિગમ માટે બાહ્ય વાસ્તવને તિલાંજલિ આપતો અભિવ્યક્તિવાદ; નિષેધોથી ભરપૂર દાદાવાદ; ર્દશ્ય કલ્પન પર ભાર મૂકતો કલ્પનવાદ; અચેતન(unconscious)ની ક્રિયાઓથી અ-તર્કને સમાવતો પરાવાસ્તવવાદ; ઘનવાદ અને ભવિષ્યવાદ જોડે સામ્ય ધરાવતો આધુનિક જીવનના ઊબ આવે એવા આવર્તોને ઝીલતો આવર્તવાદ (vortictism) – આ બધાએ કોઈ ને કોઈ નવ્ય શબ્દકરણોથી, નવ્ય વાક્યસંયોજનોથી અને નવ્ય સહોપસ્થિતિઓથી કલા અને સાહિત્યને વેગ આપ્યો છે. આ સર્વના પ્રદાનથી પ્રયોગવાદ પુષ્ટ થયો છે.
પ્રયોગવાદ (હિન્દીમાં) : હિન્દી સાહિત્યમાં આ સદીના પાંચમા દાયકામાં પ્રવર્તમાન એક વિશિષ્ટ પ્રકારના કાવ્યઆંદોલનને પ્રયોગવાદ નામ આપવામાં આવ્યું છે. પ્રસિદ્ધ હિન્દી કવિ સચ્ચિદાનંદ હીરાનંદ વાત્સ્યાયન – ‘અજ્ઞેયે’ (1911–1987) 1943માં ‘તારસપ્તક’ નામે એક કાવ્યસંકલન સંપાદિત કરીને પ્રકટ કર્યું, જેમાં સાત કવિઓની કાવ્યરચનાઓ હતી. આ ‘તારસપ્તક’ના પ્રકાશન સાથે હિન્દી કવિતામાં એક નવો વળાંક આવે છે અને પ્રગતિવાદી કવિતાને બદલે પ્રયોગવાદી કાવ્યધારાનું પ્રચલન થાય છે, જે 1950ની આસપાસ ‘નઈ કવિતા’ના આંદોલનમાં પરિણમે છે.
‘તારસપ્તક’ના કવિઓને પ્રયોગવાદી નામ ટીકાત્મક રૂપે આપવામાં આવ્યું હતું. ‘સપ્તક’માં સાત કવિઓ હતા – ગજાનન માધવ મુક્તિબોધ, રામવિલાસ શર્મા, નેમિચંદ્ર જૈન, ભારતભૂષણ અગ્રવાલ, ગિરિજાકુમાર માથુર, પ્રભાકર માચવે અને સ્વયં અજ્ઞેય. અજ્ઞેયે એ સંકલનની ભૂમિકામાં લખ્યું હતું :
‘સંગૃહીત સભી કવિ ઐસે હોંગે જો કવિતા કો પ્રયોગ કા વિષય માનતે હૈં, જો યહ દાવા નહીં કરતે કિ કાવ્ય કા સત્ય ઉન્હોં ને પા લિયા હૈ, કેવલ અન્વેષી અપને કો માનતે હૈં.’
આ કવિઓએ પણ પોતાના વક્તવ્યમાં પ્રયોગ પર ભાર મૂક્યો હતો. એટલે આ નવા પ્રકારની કવિતાના વિરોધીઓએ નિન્દાત્મક અર્થમાં ‘પ્રયોગવાદ’ નામ આપી દીધું. અજ્ઞેયે આ નામકરણનો સતત વિરોધ કર્યો હતો, પણ પછી એ નામ રૂઢ થઈ ગયું.
ખરેખર તો ‘પ્રયોગવાદ’ જેનો પર્યાય હોય એવો અંગ્રેજીમાં ‘એક્સપેરિમેંટલિઝમ’ જેવો કોઈ વાદ પશ્ચિમના સાહિત્યમાં પ્રચલિત નહોતો. આ તો હિન્દી વિવેચકોની ખંડનાત્મક ર્દષ્ટિની નીપજ છે. લાંબે ગાળે ‘પ્રયોગવાદ’નો નિન્દાપરક અર્થ સરી પડ્યો.
એ વાત ખરી કે ‘તારસપ્તક’ના કવિઓમાં પ્રયોગવૃત્તિનું બાહુલ્ય છે અને એ વાત પણ ખરી છે કે આ સાત કવિઓમાં ઘણાખરા માર્કસવાદથી પ્રભાવિત પણ છે; તેમ છતાં પ્રયોગ એમની કવિતાનું લક્ષ્ય નથી, માત્ર સાધન છે; પરંતુ ‘તારસપ્તક’ને પગલે ‘નકેન કે પ્રપદ્ય’ નામે એક સંકલન પોતાના નામના આદ્યાક્ષરો લઈ નલિન વિલોચન શર્મા, કેસરીકુમાર અને નરેશકુમાર નામના ત્રણ કવિઓએ ઘોષણાપત્ર સાથે પ્રકટ કરેલું. કવિતામાં પ્રયોગોની આ સંકલનામાં પણ અધિકતા હતી, જેમાં કેટલાક તો ‘વિચિત્ર’ લાગે. ‘પ્રપદ્યનાદ’ નામે ઓળખાતા આ કાવ્યઆંદોલનના ઘોષણાપત્રમાં ‘પ્રપદ્યવાદ પ્રયોગ કો સાધના હી નહીં, સાધ્ય માનતા હૈ’ એમ પ્રયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો; પરંતુ એ આંદોલન પણ અલ્પ સમયમાં વિલીન થઈ ગયું.
પ્રયોગવાદની પ્રવૃત્તિ 1951માં ‘અજ્ઞેય’ના જ સંપાદકત્વમાં ‘દૂસરા સપ્તક’ પ્રકટ થતાં ‘નઈ કવિતા’ નામે ઓળખાવા લાગે છે. આ ‘સપ્તક’ની ભૂમિકામાં ‘અજ્ઞેયે’ કહ્યું હતું કે ‘પ્રયોગવાદ’ કોઈ વાદ નથી. આ કવિઓને પ્રયોગવાદી કહેવું એ એટલું જ સાર્થક કે નિરર્થક છે, જેટલું એમને કવિતાવાદી કહેવું.
હિન્દી કવિતામાં પ્રયોગવાદનું મહત્વ આધુનિકતાનો ભાવબોધ પ્રસ્થાપિત કરવામાં છે. આ ભાવબોધ સાથે કવિતાની ભાષા અને ટેકનીકને બદલવાનો આગ્રહ પણ હતો. ‘તારસપ્તક’માં ‘અજ્ઞેયે’ કહ્યું હતું – ‘ભાષા કી ક્રમશ: સંકુચિત હોતી હુઈ સાર્થકતા કી કેંચુલ (કાંચળી) ફાડકર ઉસ મેં નયા, અધિક વ્યાપક, અધિક સારગર્ભિત અર્થ ભરના હૈ.’ એ સાથે એમણે એમ કહ્યું હતું કે આધુનિક યુગનો સામાન્ય આદમી ‘યૌન વર્જનાઓનો પુંજ’ છે. એ રીતે ભાષિક સર્જનાત્મકતા સાથે ફ્રૉઇડના મનોવિજ્ઞાનનો પ્રભાવ પણ પ્રયોગવાદી કવિઓ પર – વિશેષે ‘અજ્ઞેય’ જેવા કવિ પર રહ્યો છે. આ અભિગમમાં કલ્પન અને પ્રતીક-રચના પર વિશેષ ધ્યાન અપાય છે. કલ્પનોમાં ક્યારેક ભાવકોને આઘાત આપવાનું વલણ પણ દેખાય. છંદની રીતે મુક્તછંદ અને છંદોમુક્તિની દિશા પ્રયોગવાદમાં જોવા મળે છે.
પ્રયોગવાદી કાવ્યધારા હિન્દી નઈ કવિતામાં ભળી ગઈ, પણ તેણે પોતાનાં સ્પષ્ટ પગલાં આધુનિક હિન્દી સાહિત્યના ઇતિહાસમાં અંકિત કર્યાં છે.
ચન્દ્રકાન્ત ટોપીવાળા
ભોળાભાઈ પટેલ