પ્રમાણસમય (standard time) : દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં વસતા લોકોના રોજિંદા કામકાજમાં વ્યાવહારિક સરળતા જાળવવા ઉપયોગમાં લેવાતી પ્રમાણિત સમય-ગણતરીની પ્રણાલી. એક જ દેશમાં અસંખ્ય શહેરો-નગરો અને ગામડાં આવેલાં હોય છે. દરેક સ્થળ જો પોતાના સ્થાનિક સમય પ્રમાણે ઘડિયાળ ગોઠવે તો એક જ દેશમાં સ્થાનભેદે ઘડિયાળો જુદો જુદો સમય બતાવે; સંદેશાવ્યવહારમાં તથા વાહનવ્યવહારની સમયગણતરીમાં ખલેલ પહોંચે. તેથી બધા જ પ્રકારના વ્યવહારમાં સમયનો સુમેળ સધાય તે માટે દેશને અનુકૂળ હોય એવું કોઈ એક મધ્યવર્તી સ્થળ પસંદ કરી તેના સ્થાનિક સમયને સમગ્ર દેશ માટે પ્રમાણ (standard) ગણવામાં આવે છે અને તે પ્રમાણે આખા દેશનાં ઘડિયાળોમાં એકસરખો સમય ગોઠવવામાં આવે છે. આવા સંદર્ભસ્થળ મુજબ ગોઠવાતા સમયને જે તે દેશનો પ્રમાણસમય કહે છે. ભારતમાં મધ્ય સ્થળે આવેલા અલાહાબાદનો સ્થાનિક સમય સમગ્ર દેશનો પ્રમાણસમય ગણાય છે. આ પ્રકારની ગોઠવણીથી પશ્ચિમ તરફનાં કેટલાંક સ્થળોએ (દા.ત., અમદાવાદ) મધ્યાહન થવાને વાર હોય કે પૂર્વ તરફનાં કેટલાંક સ્થળોએ (દા.ત., કલકત્તા) મધ્યાહ્ન થઈ ચૂક્યો હોય, તેમ છતાં ત્યાં બાર વાગ્યા હોય છે. દેશ પૂર્વ-પશ્ચિમ વધારે પડતો મોટો ન હોય તો એવા નજીવા તફાવતને ગણવામાં આવતો નથી.

વિવિધ દેશોના પ્રમાણસમય. કલાક આગળ અથવા પાછળ (ગ્રીનિચના સંબંધમાં)

અગાઉ જુદા જુદા પ્રદેશોમાં ઉપયોગમાં લેવાતા ભિન્ન ભિન્ન સ્થાનિક સમયથી ઊભી થતી મુશ્કેલીઓ નિવારવા તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ, કૅનેડા અને ઑસ્ટ્રેલિયા જેવા પૂર્વ-પશ્ચિમ વધુ વિસ્તરેલા દેશો માટે સમયગણતરીમાં એકસૂત્રતા લાવવા ઓગણીસમી સદીના અંતિમ ચરણમાં પ્રમાણસમયની જરૂરિયાત જણાઈ. 1870ના દાયકાનાં છેલ્લાં વર્ષોમાં કૅનેડાના રેલમાર્ગ-આયોજક અને ઇજનેર સર સ્ટેનફૉર્ડ ફ્લેમિંગે પ્રદેશભેદે ભિન્ન ભિન્ન સમયગણતરીને કારણે ઊભી થતી ગૂંચવણો દૂર કરવા એક યોજના ઘડી કાઢી. 1884માં 27 રાષ્ટ્રોનું એક સંમેલન વૉશિંગ્ટન ખાતે ભરાયું, જેમાં પ્રમાણસમયની વર્તમાન પ્રણાલી અમલમાં મૂકવામાં આવી. આ પ્રણાલીમાં એક એક કલાકના તફાવતવાળા 15° રેખાંશનો એક એવા 24 વિભાગો (પટ્ટા) નિર્ધારિત કરાયા. પ્રાદેશિક સમયનો મેળ જળવાય એ હેતુને લક્ષમાં રાખીને પ્રત્યેક વિભાગની મધ્યમાં આવેલ રેખાંશને તે પ્રદેશનો પ્રમાણ-રેખાંશ ગણવાનું, આવા પ્રત્યેક વિભાગ માટે એક જ સમય રાખવાનું અને આવા પ્રત્યેક વિભાગની સમયગણતરી ગ્રિનિચથી કરવામાં આવે એવું નિર્ધારિત થયું. આ ઉપરાંત, કોઈક સ્થાનો માટે ત્યાંની સ્થાનિક જરૂરિયાત મુજબ 30 મિનિટનો કે 15 મિનિટનો તફાવત પણ માન્ય રાખવાનું ગોઠવવામાં આવ્યું. આ યોજના મુજબ દુનિયાભરના સમગ્ર પૂર્વ-પશ્ચિમ વિસ્તારને 15° રેખાંશનો એક એવા 24 પટ્ટાઓમાં વિભાજિત કરવામાં આવેલો છે. નજીક નજીકના પટ્ટાઓ વચ્ચે બરોબર 1 કલાકનો તફાવત રખાય છે અને દરેક પટ્ટા પૂરતા તે આખા વિભાગ માટે ત્યાંની બધી જ ઘડિયાળોમાં એકસરખો સમય રહે છે.

સમયપટ્ટા : કોઈ પણ સ્થળનો ચોક્કસ સ્થાનિક સમય ત્યાંથી પસાર થતા રેખાંશ (મધ્યાહનરેખા) પર આધાર રાખે છે. દરેક રેખાંશે 4 મિનિટનો તફાવત પડતો જાય છે; જ્યારે પ્રમાણસમય જે તે પટ્ટાની મધ્યમાં આવેલા નિયત રેખાંશ મુજબ ગોઠવાય છે. આ રીતે ગ્રિનિચથી પૂર્વ તેમજ પશ્ચિમ તરફના 15°, 30°, 45° એ મુજબના દરેક પટ્ટામાં મધ્યવર્તી રેખાંશ નક્કી કરી, જે તે પટ્ટા માટેનો પ્રમાણસમય નિર્ધારિત થાય છે. સૈદ્ધાંતિક રીતે જોતાં, પટ્ટાઓની સીમાઓ મધ્યવર્તી રેખાંશથી બંને બાજુ તરફ 7.5° રેખાંશ સુધી વિસ્તરે છે, વ્યાવહારિક અનુકૂળતા માટે ક્યાંક ક્યાંક આ સીમારેખાઓ ઉત્તર-દક્ષિણ ન રહેતાં અનિયમિત વળાંકવાળી પણ હોઈ શકે છે.

દેશ નાનો હોય તો એક પ્રમાણસમય ચાલે (જેમ કે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ), પણ યુનાઇટેડ સ્ટેટ્સ, કૅનેડા કે ઑસ્ટ્રેલિયા જેવા મોટા દેશોમાં એક જ પ્રમાણસમય રાખવાનું અનુકૂળ ન પડે, કારણ કે યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ-પશ્ચિમે આવેલા બે કિનારા વચ્ચે લગભગ 60° રેખાંશ જેટલો તફાવત છે. એટલે ચાર કલાક જેટલા સમયનો તફાવત પડી જાય. ત્યાં એક પ્રમાણસમય ન ચાલે, એક એક કલાકના તફાવતવાળા વધુ સમયપટ્ટા રાખવા પડે.

યુ.એસ.-કૅનેડાના વિસ્તાર માટે પૂર્વ, મધ્ય, પર્વતીય, પેસિફિક, યુકોન, અલાસ્કા, હવાઈ અને બેરિંગ જેવા સાત પ્રમાણસમયો ગોઠવેલા છે. એ જ રીતે ઑસ્ટ્રેલિયા માટે ત્રણ પ્રમાણસમયો નક્કી કરાયેલા છે.

ભારતનો પ્રમાણસમય (Indian Standard Time–IST) : ભારતનો પ્રમાણસમય અલાહાબાદના 82.5° પૂ. રેખાંશ પર થતા સ્થાનિક સમય પ્રમાણે ઠરાવવામાં આવ્યો છે. આ રેખાંશ પર જ્યારે બરાબર મધ્યાહન થાય છે ત્યારે આખા દેશનાં ઘડિયાળોમાં પણ બપોરના 12 વાગ્યા હોય છે. આ સમયને ભારતીય પ્રમાણસમય કહે છે. આ સમય ગ્રિનિચથી બરાબર 5 કલાક 30 મિનિટ આગળ છે. પાકિસ્તાનનો પ્રમાણસમય ભારતના પ્રમાણસમય કરતાં 30 મિનિટ પાછળ, બાંગ્લાદેશનો પ્રમાણસમય 30 મિનિટ આગળ અને મ્યાનમારનો પ્રમાણસમય 1 કલાક આગળ છે.

ગિરીશભાઈ પંડ્યા