પ્રભા, બી. (જ. 1931, નાગપુર) : મહિલા ચિત્રકાર. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાંથી 1955માં મ્યૂરલ ચિત્રકળામાં ડિપ્લોમા મેળવ્યો. 1956થી શરૂ કરીને લગભગ પ્રત્યેક વર્ષે તે મુંબઈમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કરતાં રહ્યાં છે. આ ઉપરાંત બૅંગકૉક, જાપાન તથા યુરોપના વિવિધ દેશોમાં પણ તે પ્રદર્શનો કરતાં રહ્યાં છે. તેમનાં ચિત્રોની ગ્રામનારી સીસમ જેવા ઘેરા કથ્થઈ વર્ણની ચામડી ધરાવતી હોય છે તથા તેની ઉપર તૈલી ચમક હોય છે. માત્ર બેત્રણ બંગડી જેવા લઘુતમ ઘરેણાંનો ઠઠારો આ ગ્રામનારીના શ્રમગૌરવમાં વધારો કરે છે. આમ, શોભન (decorative) નિરૂપણમાંથી વાસ્તવવાદી નિરૂપણ તરફ જવાનું વલણ બી. પ્રભાએ સિદ્ધ કર્યું છે. તેમનાં નારીપાત્રો વાસ્તવમાં હોય તે કરતાં વધુ પડતાં લાંબાં-ઊંચાં હોય છે, મોંનું કદ શરીર કરતાં નાનું હોય છે. વસ્ત્રો પણ ખૂબ થોડાં – લંગોટ કે ટૂંકી લુંગી જેવાં પહેરે છે. મોં પર શાંત સૌમ્ય ભાવ હોય છે. ટૂંકા સમયમાં જ બી. પ્રભાએ લોકોની અને કલાચાહકોની પ્રીતિ મેળવી. અનેક કૅલેન્ડરમાં તેમનાં ચિત્રો છપાતાં અને તેથી તેમનું નામ ઘેર ઘેર જાણીતું બન્યું.
1958માં તેમને બૉમ્બે આર્ટ સોસાયટીનો સુવર્ણચંદ્રક મળ્યો. તેમનાં ચિત્રો લલિત કલા અકાદમી તથા નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટના કાયમી સંગ્રહોમાં છે.
અમિતાભ મડિયા