પ્રભાત ફિલ્મ કંપની

February, 2025

પ્રભાત ફિલ્મ કંપની : ભારતીય ચલચિત્રને ગુણવત્તા માટે પ્રશંસા અપાવનાર પ્રારંભની કેટલીક નિર્માણ-કંપનીઓમાંની એક. પ્રભાત ફિલ્મ કંપની મૂક અને સવાક્ યુગની સાક્ષી હતી. 1929માં સ્થપાયેલી આ કંપની 1960 આવતાં સુધીમાં તો સમેટાઈ ગઈ હતી, પણ આ વર્ષોમાં તેણે કેટલાંક સીમાચિહ્નરૂપ ચિત્રોનું સર્જન કર્યું, ભારતીય ચલચિત્રોને ધાર્મિક અને પૌરાણિક ચિત્રોના ઢાંચામાંથી બહાર કાઢ્યાં અને ઘણા નામી કલાકારો અને કસબીઓની ભેટ આપી. બીજી ઘણી કંપનીઓ જ્યારે ધાર્મિક-પૌરાણિક ચલચિત્રો બનાવીને માત્ર કમાણી કરવામાં પડી હતી, ત્યારે પ્રભાતે યથાર્થવાદી અને સામાજિક પ્રતિબદ્ધતાવાળાં ચિત્રો બનાવ્યાં. ’30 અને ’40ના દાયકામાં જ્યારે સર્જકો જે વિષયો પર ચિત્રો બનાવવાનું વિચારી પણ ન શકતા ત્યારે પ્રભાતે એવા વિષયો પર ચિત્રો બનાવીને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.

પ્રભાતની સ્થાપના પાંચ ભાગીદારોએ 1 જૂન 1929ના રોજ કોલ્હાપુરમાં કરી, જેમાંના એક હતા વી. શાંતારામ. શાંતારામ અને તેમના ત્રણ મિત્રો કેશવરાવ ધાયબર, શેખ યાસ્મિન ફત્તેલાલ અને વિષ્ણુ ગોવિંદ દામલે એ જમાનાની ખ્યાતનામ મહારાષ્ટ્ર ફિલ્મ કંપનીના કલાકારો હતા. કંપનીના માલિક અને દિગ્દર્શક બાબુરાવ પેન્ટર સાથે વાંધો પડતાં ચારેય જણાએ છૂટા થઈને પોતાની ફિલ્મ કંપની સ્થાપવાનું નક્કી કર્યું. સીતારામ કુલકર્ણીએ એ માટે જરૂરી નાણાં કાઢતાં, તેમને પાંચમા ભાગીદાર બનાવીને કોલ્હાપુરની મંગલવાર પેઠમાં પ્રભાતની સ્થાપના કરી. કંપનીનું નામકરણ બાબુરાવ પેન્ટરે જ કર્યું હતું. મહારાષ્ટ્ર ફિલ્મ કંપની છોડતી વખતે તેમની સાથે ગુલાબબાઈ નામની એક અભિનેત્રી પણ હતી. પ્રભાતનું પ્રતીક બનાવવા માટે ગુલાબબાઈને મૉડેલ બનાવી, તેના હાથમાં તૂરી આપી, તેને કમળ પર ઊભી રાખી હતી. સવાક્ યુગનો પ્રારંભ થતાં એ તૂરીમાંથી રાગ ભૂપદેશકારમાં સૂર વહેતો થયો હતો, જેણે વર્ષો સુધી ચિત્રરસિકોને પ્રસન્ન કરી દીધા હતા.

પ્રભાતનું પ્રથમ ચિત્ર હતું ‘ગોપાલકૃષ્ણ’. આ ધાર્મિક ચિત્રમાં દેશપ્રેમનો સંદેશ આપીને પ્રભાતે એ સંકેત આપી દીધો હતો કે આવનારા સમયમાં આ કંપની કયો માર્ગ લેવાની છે. કંપનીએ આ ચિત્ર સહિત અડધો ડઝન મૂક ચિત્રો બનાવ્યાં ત્યાં સુધીમાં તો સવાક્ યુગ શરૂ થઈ ગયો હતો. પ્રભાતે પ્રારંભથી જ મોટાભાગનાં ચિત્રો મરાઠીની સાથોસાથ હિંદીમાં પણ બનાવ્યાં. સવાક્ ચિત્રોના યુગ સાથે પ્રભાતને સ્ટુડિયો બદલવાની જરૂર ઊભી થઈ. 1 જૂન 1931ના રોજ કંપનીએ કોલ્હાપુરમાં સ્થળ બદલ્યું. પ્રથમ સવાક્ ચિત્ર ‘અયોધ્યા કા રાજા’ 23 જાન્યુઆરી 1932ના રોજ પ્રદર્શિત થયું. ‘અયોધ્યા ચા રાજા’ મરાઠી ભાષાનું પ્રથમ સવાક્ ચિત્ર બન્યું. વિદેશમાં રંગીન ચિત્ર બનવાના સમાચાર આવતાં પ્રભાતે ‘સૈરંધ્રી’ને રંગીન બનાવવા પરદેશ મોકલ્યું. આ રંગીન ચિત્ર પ્રદર્શિત પણ થયું, પણ મુખ્યત્વે લાલ રંગવાળું આ ચિત્ર પ્રેક્ષકોને ન ગમ્યું.

નવી ટેકનિકો આવતાં વારંવાર મુંબઈના ધક્કા થવા માંડ્યા, તેથી કંપનીએ પશ્ચિમ પુણેમાં હનુમાન ટેકરીની નજીક 4.4 હેક્ટર જમીન પર 12 એપ્રિલ 1933ના દિવસે નવો સ્ટુડિયો શરૂ કર્યો. પ્રભાતમાં ટેકનિકલ પાસું સંભાળતા વિષ્ણુ ગોવિંદ દામલેએ અહીં એશિયાનો પ્રથમ ધ્વનિરોધી સ્ટુડિયો બનાવ્યો. નદી-નાળાં-જંગલ ખડાં કર્યાં. ચિત્રનિર્માણ માટે ઘણી સુવિધાઓ ઊભી કરવામાં આવી.

પુણે આવ્યા બાદ પ્રથમ ચિત્ર ‘અમૃતમંથન’ (1934) બનાવ્યું. અભિનેતા ચંદ્રમોહનનું આ પ્રથમ ચિત્ર હતું. એ જમાનાના ખ્યાતનામ નાટ્યકલાકાર બાલગંધર્વને લઈને ‘ધર્માત્મા’ ચિત્ર બનાવ્યું, પણ નાટકોમાં બાલગંધર્વને સ્ત્રીપાત્રમાં જોવા ટેવાયેલા પ્રેક્ષકો આ ચિત્રમાં તેમને પુરુષપાત્રમાં ન સ્વીકારી શક્યા. એ પછી ‘રાજપૂતરમણી’ ચિત્ર બન્યું અને તે સાથે પ્રભાતની ભાગીદારી તૂટી. આ ચિત્રના નિર્માણ દરમિયાન તારિકા નલિની તરખૂડ સાથે કેશવરાવ ધાયબરને પ્રેમસંબંધ બંધાયો. પ્રભાતનો એક નિયમ હતો કે કંપની સાથે સંકળાયેલાં કોઈ બે જણાં આવો સંબંધ ન બાંધી શકે. ધાયબરે કંપની છોડી દીધી.

પછીનાં વર્ષોમાં પ્રભાતે કેટલાંક યાદગાર ચિત્રો બનાવ્યાં. ‘અમરજ્યોતિ’ (1936) વેનિસના આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં દર્શાવાઈ. એ જ વર્ષે બનેલી ‘સંત તુકારામ’ (જુઓ તુકારામ) ધાર્મિક ફિલ્મ હતી, પણ તેણે પ્રભાતની પ્રતિષ્ઠા વધારી. દામલે અને ફત્તેલાલે બનાવેલા આ ચિત્રને વેનિસના આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં પારિતોષિક મળ્યું હતું. ઓછા ખર્ચે બનેલું આ એટલું સુંદર ચિત્ર હતું કે દેશ-વિદેશના ચિત્રસર્જકો મોંમાં આંગળાં નાખી ગયા હતા. ખ્યાતનામ લેખક-દિગ્દર્શક ખ્વાજા અહમદ અબ્બાસે આ ચિત્રને ભારતનું પ્રથમ યથાર્થવાદી ચલચિત્ર ગણાવ્યું હતું. એ પછી નિર્માણ પામેલાં બે ચિત્રો ‘દુનિયા ના માને’ (1937) અને ‘આદમી’(1939)એ પ્રભાતની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવી દીધા. ‘દુનિયા ના માને’(મરાઠીમાં ‘કુંકુ’)માં વૃદ્ધ સાથે પરણાવી દેવાયેલી એક કિશોરીની દાસ્તાન રજૂ કરાઈ હતી. ટેકનિકની દૃષ્ટિએ પણ આ ચિત્ર નોંધપાત્ર હતું. તેમાં પાર્શ્વસંગીતનો ઉપયોગ કરવાને બદલે વાતાવરણના નૈસર્ગિક ધ્વનિનો ઉપયોગ કરાયો હતો. ‘આદમી’ (મરાઠીમાં ‘માણુસ’) પણ તેની સુંદર રજૂઆતને કારણે આજે પણ નમૂનારૂપ ચિત્ર ગણાય છે. કોમી એકતાનો સંદેશો આપતી ‘પડોશી’- (મરાઠીમાં ‘શેજારી’)ના નિર્માણ બાદ 1942ની 13 એપ્રિલે વી. શાંતારામે પણ પ્રભાતમાંથી વિદાય લીધી. ભાગીદારો સાથેના વણસેલા સંબંધોનું એ પરિણામ હતું.

એ પછી પ્રભાતે ઘણાં ચિત્રો બનાવ્યાં, જેમાં ‘રામશાસ્ત્રી’ ઉલ્લેખનીય છે. હવે પ્રભાતની પડતી શરૂ થઈ ચૂકી હતી. સોળમા વર્ષે પ્રભાત લિમિટેડ કંપની બની અને ધાયબર તેમાં પરત આવ્યા. બહારના કલાકારો અને કસબીઓને લેવાનો પણ પ્રારંભ થયો, પણ આર્થિક સંકટ વધતું ચાલ્યું. 1957ની 11મી જાન્યુઆરીએ એસ. એચ. કેલકરે પ્રભાત કંપની ખરીદી લીધી. કેલકરને ચિત્રનિર્માણની કોઈ જાણકારી નહોતી. 1959માં ભારત સરકારે ફિલ્મ તાલીમ સંસ્થા શરૂ કરવાનું વિચાર્યું ત્યારે કેલકરે પ્રભાત ફિલ્મ કંપની વેચવાનો પ્રસ્તાવ મૂક્યો. સરકારે 11 લાખમાં તે કંપની ખરીદી લીધી. આજે એટલું આશ્વાસન લઈ શકાય તેમ છે કે એક જમાનામાં જ્યાં પ્રતિષ્ઠિત પ્રભાત ફિલ્મ કંપની હતી ત્યાં હવે ખ્યાતનામ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ખડી છે. પ્રભાતે તેના કાર્યકાળ દરમિયાન 32 સવાક્ ફિલ્મો બનાવી હતી, જેમાંની મોટાભાગની હિંદી-મરાઠી બંને ભાષાઓમાં હતી.

હરસુખ થાનકી