પ્રતિવિષ (antidote) : ઝેર(વિષ)ની અસરને નાબૂદ કરતાં દ્રવ્યો. તેમને ઝેરનું મારણ પણ કહે છે. તેઓ 3 પ્રકારે કાર્ય કરે છે – ભૌતિક, રાસાયણિક અને દેહધાર્મિક (physiological). કેટલાંક દ્રવ્યો ઝેરને ભૌતિક ક્રિયા દ્વારા નિષ્ક્રિય કરે છે, જેમ કે સક્રિયકૃત કોલસો (activated charcoal) જ્યારે 4થી 5 ગ્રામની માત્રામાં આપવામાં આવે ત્યારે કેટલાંક સેન્દ્રિય (organic) અને ધાત્વીય (mineral) ઝેરને નિષ્ક્રિય કરે છે. સક્રિયકૃત કોલસાનાં છિદ્રો આ ઝેરી દ્રવ્યોને અવશોષીને સાચવી રાખે છે. તેને અધિશોષણ(adsorption)ની ક્રિયા કહે છે. આમ કોલસો અધિશોષણની એક ભૌતિક ક્રિયા કરીને કેટલાંક ઝેરની અસર ઘટાડે છે. ચરબી, તેલ અને ઈંડાંમાંનું શ્વેત નત્રલદ્રવ્ય (albumen) પણ જઠરની દીવાલ પર એક આવરણ બનાવીને દાહક ઝેરની તેના પરની અસરને ઘટાડે છે. આવી રીતે પુષ્કળ પ્રમાણમાં લેવાયેલો ખોરાક તેના કદ વડે કાચની નુકસાનકારક અસર ઘટાડે છે.
રાસાયણિક પ્રતિવિષ દ્રવ્યો ઝેરી રસાયણ સાથે સંયોજાઈને બિનહાનિકારક અથવા અદ્રાવ્ય રસાયણો બનાવે છે; જેમ કે ઍસિડની સામે આલ્કલાઇન કાર્બોનેટ અને મૅગ્નેશિયા, આલ્કલી સામે મંદ ઍસિડ, ઑક્ઝેલિક ઍસિડ સામે ચૂનો (lime), સીસા સામે સોડિયમ સલ્ફેટ અને આલ્કેલૉઇડ, ઝેર સામે ટેનિન (કડક ચા કે કૉફી) તથા શ્વેતનત્રલ (albumin). રાસાયણિક પ્રતિવિષ રૂપે વપરાતાં દ્રવ્યો બિનઝેરી હોવા જરૂરી ગણાય છે. તેથી દાહક આલ્કલી સામે વિનેગાર કે લીંબુનો રસ અપાય છે પણ કોઈ અસેન્દ્રિય ઍસિડ અપાતો નથી.
પોટૅશિયમ પરમૅંગેનેટ ઑક્સિદાયી (oxidising) દ્રવ્ય છે અને તેથી તેનો રાસાયણિક પ્રતિવિષ તરીકે વ્યાપક ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ અફીણ (પોસનાં ડૂંડાં), બાર્બિચ્યુરેટ, મૉર્ફીન, ઍટ્રોપિન, ફૉસ્ફરસ વગેરે ઑક્સિ-આદાયી (oxidisable) દ્રવ્યોના ઝેરના મારણમાં પોટૅશિયમ પરમૅંગેનેટ વપરાય છે. દર્દીને ઊલટી પહેલાં અને પછી, જેટલું તે પોટૅશિયમ પરમૅંગેનેટનું પ્રવાહી પી શકે તેટલું તેને તે લેવાનું કહેવાય છે. જો તે બેભાન હોય તો તે નાકજઠરી નળી દ્વારા આપી શકાય છે. ટિંક્ચર આયોડીનનું મંદ દ્રાવણ ઘણા આલ્કેલૉઇડ્ઝનો નિક્ષેપ (precipitate) કરે છે. તેથી ક્યારેક તે પણ વાપરી શકાય છે. જો ઝેરનો પ્રકાર ખબર ન હોય તો ભૂકો કરેલો સક્રિયકૃત કોલસો (અથવા બળેલી બ્રેડનો ભૂકો), ટૅનિક ઍસિડ (અથવા કડક ચા) અને મૅગ્નેશિયમ ઑક્સાઇડ(મિલ્ક ઑવ્ મૅગ્નેશિયા)નું દ્રાવણ કરીને અપાય છે. સક્રિયકૃત કોલસો આલ્કેલૉઇડ્ઝનું અધિશોષણ કરે છે, દા.ત., ઝેરકચોલું. ટૅનિક ઍસિડ આલ્કેલૉઇડ્ઝ, ગ્લૂકોસાઇડ્ઝ અને ધાતુઓનું નિક્ષેપન કરે છે. મૅગ્નેશિયા ઍસિડનું તટસ્થીકરણ કરે છે અને આર્સેનિકના પ્રતિવિષ તરીકે કાર્ય કરે છે.
દેહધાર્મિક પ્રતિવિષ : ઝેરની શરીર પર જે અસર હોય તેનાથી વિપરીત અસર કરતાં દ્રવ્યોને દેહધાર્મિક પ્રતિવિષ કહે છે. જોકે દેહધાર્મિક પ્રતિવિષની પોતાની પણ દેહધાર્મિક અસરો હોવાથી તેઓ પોતે પણ ક્યારેક ઝેર જેવું કાર્ય કરે છે. જેમ કે, મૉર્ફીનનો પ્રતિવિષ ઍટ્રોપિન છે પરંતુ તે પોતે પણ મૉર્ફીનની માફક વધુ માત્રામાં લેવાય તો દર્દીને મારી શકે છે. ઍટ્રોપિન અને ફાયઝોસ્ટિગ્મિન બંને ખરેખરાં અને પૂરેપૂરાં દેહધાર્મિક પ્રતિવિષ છે. ઑર્ગેનોફૉસ્ફરસનાં સંયોજનોની ઝેરી અસરને નાબૂદ કરવામાં ઍટ્રોપિન એક અગત્યનું પ્રતિવિષ ગણાય છે. આવાં અન્ય પ્રતિવિષનાં જોડકાં છે, દા.ત., ઍટ્રોપિન અને પાયલોકાર્પિન, સ્ટ્રિક્નિન અને બ્રોમાઇડ સાથેનો ક્લોરલ હાઇડ્રેટ તથા ડિજિટાલિસ અને ઍકોનાઇટ.
આર્સેનિક અને પારાની ઝેરી અસર ઘટાડવા દેહધાર્મિક પ્રતિવિષ રૂપે ડાયમર્કેપ્ટોપ્રોપેનોલ વપરાય છે. તેવી જ રીતે લોહની ઝેરી અસર ઘટાડવા ડિફેરોક્સેઝાઇમ અને સીસા તથા તાંબાની ઝેરી અસર ઘટાડવા ડી-પૅનિસિલેમાઇન વપરાય છે. ડાયમર્કેપ્ટોપ્રોપેનોલનો ઉપયોગ સોનું, બિસ્મથ અને અન્ય ધાતુઓની ઝેરી અસર ઘટાડવા માટે પણ કરાય છે. સીસાના પ્રતિવિષ તરીકે તથા તેવી રીતે તાંબું, કોબાલ્ટ, કૅડ્મિયમ, લોહ અને નિકલ જેવી ભારે ધાતુઓના પ્રતિવિષ તરીકે કૅલ્શિયમ ડાયસોડિયમ વર્સિનેટ ગણાય છે. આ બધાં ધાતુઓનાં પ્રતિવિષ દ્રવ્યોને કિલેટકો (chelating agents) પણ કહે છે. ટ્રાયમિથોપ્રિમ, પાયરિમિથામિન તથા મિથોટ્રેક્ઝેટની વિષાક્તતા ઘટાડવા માટે ફૉલિક ઍસિડ વપરાય છે. આ પ્રતિવિષ જે ચયાપચયની ક્રિયા અટકી ગઈ હોય છે તેને આગળ ચલાવીને મિથોટ્રેક્ઝેટ જેવી દવાઓની અસરો અને ઝેરી અસરોને નાબૂદ કરે છે.
રવીન્દ્ર ભીંસે
શિલીન નં. શુકલ