પ્રતિનાયક (ખલનાયક) : સંસ્કૃત નાટકમાં નાયક કરતાં પ્રતિકૂળ આચરણવાળો તે પ્રતિનાયક. તે નાયકનો ઉચ્છેદ કરવાને માટે તત્પર હોય છે. તેનામાં પ્રતાપ, અભિમાન, સાહસ વગેરે ગુણો હોવા આવશ્યક છે. પ્રાય: તે ધીરોદ્ધત હોય છે. ‘દશરૂપક’ અનુસાર પ્રતિનાયક ધીરોદ્ધત, સ્તબ્ધ, પાપકર્મ કરનારો, વ્યસની અને શત્રુ હોય છે; જેમ કે, રામ અને યુધિષ્ઠિરના પ્રતિનાયકો અનુક્રમે રાવણ અને દુર્યોધન છે. તેનું કાર્ય નાયકને થતી ફલપ્રાપ્તિમાં વિઘ્નરૂપ બનવાનું છે. તે સતત નાયકની યોજનાઓમાં અવરોધ ઊભો કરતો રહે છે. ‘નાટ્યદર્પણ’કારે તેને મુખ્ય નાયકનો વિરોધી કહ્યો છે.
નાટકની જેમ મહાકાવ્યમાં પણ પ્રતિનાયકનું પાત્ર મહત્વનું બની રહે છે. મહાકાવ્યમાં નાયકના જેવા જ પ્રતિનાયકના ગુણો દર્શાવીને પછી એવા શત્રુનો – પ્રતિનાયકનો નાયકે પરાજય કર્યો, એવું વિધાન નાયકનો ઉત્કર્ષ બતાવવા કરવાનું દંડીએ કહ્યું છે.
રુદ્રટ પ્રતિનાયકને પણ કુલીન અને ગુણવાન તરીકે ચિત્રિત કરવાનું કહે છે. તે પોતાનો સ્વાર્થ અથવા મિત્રનું પ્રયોજન સિદ્ધ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. પ્રતિનાયકનું કાર્ય એવું હોય છે કે તેથી નાયકનો ક્રોધાગ્નિ ભડકી ઊઠે છે અને નાયક તેની સામે યુદ્ધ માટે કમર કસે છે.
રાવણ જેવા પ્રતિનાયકો નાયકને જ નહિ, નાયિકાને પણ રંજાડે છે. ખલ અને કામી પ્રતિનાયકો નાયિકાનું અપહરણ કરે છે. નાટકમાં કે મહાકાવ્યોમાં મોટાભાગે સંગ્રામમાં પ્રતિનાયકનો પરાજય અથવા મૃત્યુ થાય છે. પ્રતિનાયકમાં સાહસ વગેરે ગુણો હોવા છતાં તે અધર્મી હોય છે એટલે અંતે ધર્માચરણ કરનાર નાયક દ્વારા તેનો એટલે કે અધર્મનો પરાજય દર્શાવી નાયકના વિજય દ્વારા यतो धर्मस्ततो जय:ને ચરિતાર્થ કરવામાં આવે છે.
પારુલ માંકડ