પ્રતિદ્રવ્ય (antibody) : પૃષ્ઠવંશી પ્રાણીઓના રુધિરરસમાંથી વહેતા રુધિરકોષો દ્વારા ઉત્પન્ન થયેલાં પ્રોટીન દ્રવ્ય જે શરીરમાં પ્રવેશ પામતાં બાહ્યદ્રવ્યોને ચોંટીને તેમનાથી શરીરની રક્ષા કરે છે. પ્રતિદ્રવ્યના ઉત્પાદન માટે કારણભૂત પદાર્થને પ્રતિજન કહે છે. પ્રતિદ્રવ્યમાં સંયોજક-સ્થાન (combinant site) નામે ઓળખાતાં વિશિષ્ટ સ્થાનો આવેલાં છે, જેની સાથે પ્રતિજનમાં આવેલ નિશ્ચાયક સ્થાન (determinant site) ચોંટે છે. પ્રતિદ્રવ્યો ગ્લોબ્યુલિનના સ્વરૂપમાં આવેલાં હોય છે. તેઓ બાહ્ય પદાર્થ સામે સફળતાપૂર્વક સામનો કરી શરીરને રોધક્ષમ (immune) બનાવતાં હોવાથી આ પ્રોટીનો ઇમ્યુનો-ગ્લોબ્યુલિન (Ig) તરીકે ઓળખાય છે. બંધારણની ર્દષ્ટિએ Ig, પાંચ પ્રકારમાં એટલે કે IgG,  IgM, IgA, IgD અને IgE તરીકે વહેંચાયેલાં છે. ઉત્પાદન અને પ્રક્રિયાની ર્દષ્ટિએ તેઓ બે પ્રકારનાં છે :

1. દેહદ્રવી-પ્રતિદ્રવ્ય (humoral antibody) : સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા આ અણુનું રુધિરરસ કે દેહરસમાં મુક્ત સ્વરૂપમાં વિમોચન કરવામાં આવે છે. તે જીવાણુઓનાં વિષકારી દ્રવ્યો કે જીવાણુઓના ‘આવરણ’ સાથે જોડાઈ જાય છે.

2. કોષબંધક (cell bound) પ્રતિદ્રવ્ય: આ દ્રવ્યનું ઉત્પાદન સુગ્રાહિતા (sensitized) લસિકાકોષોની સપાટીએથી થાય છે અને તે પ્રભાવિત કોષની રોધક્ષમ અનુક્રિયા(response)ની અસર હેઠળ નિર્માણ થાય છે.

મોટાભાગનાં પ્રતિદ્રવ્યો બે ભારે અને બે હલકા બહુલક – પેપ્ટાઇડોની શૃંખલાના સ્વરૂપમાં આવેલાં છે અને દ્વિ-સલ્ફાઇડ બંધનો વડે જોડાયેલાં રહે છે.

શરીરના રુધિરરસમાં IgGનું પ્રમાણ 80% જેટલું હોય છે અને તેનો અણુભાર 1,50,000 છે. IgG નવજાત શિશુને જીવનના શરૂઆતના  તબક્કામાં ચેપી રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. શરીરમાં દાખલ થયેલ જીવાણુના વિષને કુંઠિત કરે છે. IgA લાળ, આંસુ, પરસેવો તથા મૂત્રમાં પણ જોવા મળે છે. રક્તરસમાં તેનું પ્રમાણ 13% છે અને તેનો અણુભાર 1,60,000 છે. એ પણ રોગકારક જીવાણુઓ સામે રક્ષણ બક્ષે છે. IgM રોગ કરનાર ગ્રામ-ઋણી પ્રકારના જીવાણુઓને ખૂબ ઝડપથી મારી નાખે છે. કેટલીક વખત મનુષ્યના રક્તમાં ચેપી જીવાણુઓ દાખલ થતાં  તેમનો નાશ કરવાનું કાર્ય IgM ઉપાડે છે. IgMનું પ્રમાણ 6% છે અને અણુભાર 9,00,000 છે. IgDના કાર્ય વિશે ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી. પરંતુ તેઓ પ્રતિદ્રવ્યોના ઉત્પાદનના નિયમનમાં અગત્યનો ભાગ ભજવે છે. રક્તરસમાં 1% જેટલું પ્રમાણ ધરાવનાર IgDનો અણુભાર 1,85,000 છે. ખોરાક કે અન્યથી થતી પ્રત્યૂર્જન (allergy) માટે IgE જવાબદાર છે. તે પ્રતિજન સાથે પ્રક્રિયા કરી હિસ્ટોમાઇન જેવાં તત્ત્વોને છૂટાં પાડે છે. તેનું મુખ્ય કાર્ય રોગકારક જીવાણુઓ અને   તેના દ્વારા પેદા થયેલ વિષનો સામનો કરી શરીરને રોગથી બચાવવાનું છે. રક્તરસમાં તેનું પ્રમાણ ખૂબ જ અલ્પ એટલે કે 0.002% જેટલું હોય છે અને તેનો અણુભાર 2,00,000 છે.

આમ, પ્રતિદ્રવ્યો રોગકારકો અને તે દ્વારા પેદા થતા ઝેર વગેરે સામે શરીરને રક્ષણ પૂરું પાડે છે. તે શરીરને ચેપથી બચાવે છે અને ચેપ સામેની માવજત માટે પણ તેઓ ઉપયોગી બને છે.

હોસંગ ફરામરોજ મોગલ