પ્રતિતૂની (પ્રતૂની) : પ્રતિતૂની કે પ્રતૂની — એને આયુર્વેદવિજ્ઞાને વાતપ્રકોપજન્ય એક રોગ ગણેલ છે. ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના નિદાનસ્થાન 11માં ‘વિદ્રધિ-વૃદ્ધિ-ગુલ્મ નિદાન’ નામના અધ્યાયમાં આ રોગોનું વર્ણન ઉપલબ્ધ છે.
પક્વાશય(ગ્રહણી સિવાય નાનાં તથા મોટાં આંતરડાં)માંથી ગુદા અને મૂત્રેન્દ્રિય તરફ (ઉપરથી નીચેની દિશામાં) જતા અને અટકી અટકીને વારંવાર જોરદાર તીવ્ર વેદના કરતા, વાયુદોષજન્ય પીડાના રોગને ‘તૂની’ કહે છે. જ્યારે તેનાથી ઊલટા જતા, અર્થાત્ ગુદા અને મૂત્રેન્દ્રિયમાંથી (નીચેથી ઉપરની દિશામાં) પક્વાશય તરફ જતાં અટકી અટકીને તીવ્ર અને ભારે જોરથી પીડા (pain) પેદા કરનાર વાયુ-પ્રકોપના દર્દને ‘પ્રતિતૂની’ કે ‘પ્રતૂની’ કહે છે.
આયુર્વેદવિજ્ઞાન મુજબ આ દર્દ વાયુપ્રકોપજન્ય હોઈને આ રોગમાં સ્નિગ્ધ, ઉષ્ણ, ગુરુ, ગુણવાન અને મધુર, ખાટા અને લવણરસપ્રધાન ચિકિત્સાનો સિદ્ધાંત છે. આ દર્દમાં મહાનારાયણ તેલ કે પંચગુણ તેલને જરા ગરમ કરી, પીડાના સ્થાને માલિસ કરવાની અને પછી ગરમ જળથી દુખતા ભાગ પર ધાર કરી, શેક આપવાની કે ગરમ જળના ટબમાં કમરબૂડ બેસાડવાની હિમાયત થાય છે. તે સાથે ઔષધ રૂપે દશમૂલારિષ્ટ અને અભયારિષ્ટ 2–2 ચમચી દવામાં પાણી ઉમેરી અપાય છે. જમતા પહેલાં લવણભાસ્કર કે હિંગ્વાષ્ટક ચૂર્ણ ઘી કે પાણી સાથે લઈ શકાય છે. જમ્યા પછી અગ્નિતુંડીવટી કે લશૂનાદિવટીની 2–2 ગોળી પણ આપી શકાય છે. રાતે દિવેલનો જુલાબ પણ આપવામાં આવે છે.
પરેજીમાં દર્દીને સૂકો, હલકો, લૂખો, ઠંડો અને વાયડો ખોરાક, તમામ કઠોળ વગેરે બંધ કરવાનું કહેવામાં આવે છે. ગળ્યો, ખાટો અને ખારો રસ જેમાં પ્રધાન હોય તેવો ગરમ, તાજો અને ઘી-તેલયુક્ત ખોરાક (જેમ કે, ઘી–ગોળ–ઘઉંના લોટનો શીરો કે તેની રાબ) લેવાનું જણાવાય છે. આ રોગમાં લસણ, મેથી અને સરગવાના ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે.
બળદેવપ્રસાદ પનારા