પ્રક્ષેપણ પદ્ધતિ

વ્યક્તિત્વનું માપન કરવા માટેની પદ્ધતિઓમાંની એક. મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વનું માપન કરવા માટે કંઈક અંશે વિવાદાસ્પદ ગણાતી પદ્ધતિઓને પ્રક્ષેપણ-પ્રયુક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે. આમાં સંદિગ્ધ, અનિશ્ચિત અથવા અનિયંત્રિત (unstructured) વસ્તુની રજૂઆત કરવામાં આવે છે, જે એક પડદા તરીકે કામ કરે છે. તેના ઉપર કસોટી આપનાર વ્યક્તિ પોતાની અનભિજ્ઞ ઇચ્છાઓ, ગ્રંથિઓ અને સંઘર્ષો જેવી આંતરિક બાબતોનું પોતાની મરજી પ્રમાણે પ્રક્ષેપણ કરે છે. અલબત્ત, તેમાં વ્યક્તિનો તે વખતનો મનોભાવ (mood) અને તાજેતરના અનુભવો પણ થોડીવત્તી અસર કરે છે.

1. હર્મન રોર્શાક

પ્રક્ષેપણ-પ્રયુક્તિઓની કેટલીક આગવી વિશિષ્ટતાઓ છે. ઉદ્દીપક (stimulus) ખૂબ જ અનિશ્ચિત છે એટલે કે અનિયંત્રિત અથવા વધુમાં વધુ અર્ધનિયંત્રિત (semi-structured) હોય છે. પરિણામે અનેકવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ(responses)ની સંભવિતતા રહે છે; કારણ કે દરેક વ્યક્તિ ઉદ્દીપકનું પોતાપોતાની રીતે અર્થઘટન કરી, પોતાને જે સૂઝે તેવો પ્રતિક્રિયા આપે છે. પ્રક્ષેપણ-પ્રયુક્તિઓ સંદિગ્ધ હોય છે, પરંતુ આપવાની રીતની પદ્ધતિ નિયત કરેલી હોય છે એટલે કે આપવાની પદ્ધતિનું પ્રમાણીકરણ (standardisation) કરેલું હોય છે. આવા અનેકવિધ પ્રતિક્રિયાઓનું વિશ્લેષણ કરવા માટે તજ્જ્ઞતા અનિવાર્ય થઈ પડે છે અને તે માટે વિશિષ્ટ તાલીમ લેવાની જરૂર પડે છે. પ્રતિક્રિયા આપતી વ્યક્તિ અજાણતાં જ પોતાના મનમાં ચાલતા આંતરિક પ્રવાહોને છતા કરી દે છે. આ પ્રકારની પ્રક્ષેપણ-પ્રયુક્તિઓ એક રીતે છદ્મવેશે કસોટીમાપન (disguised testing) કરે છે, કારણ કે પોતાના પ્રતિક્રિયાઓનું અર્થઘટન કસોટી લેનાર વ્યક્તિ (a tester) કઈ રીતે કરશે તેની તેને ખબર હોતી નથી. આમાં સમગ્ર વ્યક્તિત્વનું માપન વ્યાપક અભિગમ (global approach) ધરાવે છે, જ્યારે સંશોધનમાં જુદાં જુદાં પાસાંનું (જેમ કે, અંતર્મુખીપણું–બહિર્મુખીપણું) અલગ અલગ માપન થતું હોય છે. પ્રસ્તુત પ્રયુક્તિઓનો ઉદભવ ચિકિત્સાલયોમાં થયો અને આજે પણ ચિકિત્સકોને તે વધુ ઉપયોગી છે. તેના અભિગમનો પ્રકાર જોતાં આ પ્રયુક્તિઓમાં ફક્ત સાંવેગિક, આંતરજાતીય સંબંધો કે ઉત્પ્રેરણાને લગતી બાબતો જ સમાયેલી હોતી નથી, પરંતુ વર્તનનાં કેટલાંક બૌદ્ધિક પાસાં કે શીખવાની પ્રક્રિયાઓ(learning processes)ને પણ કેટલીક વાર વણી લેવામાં આવે છે. વસ્તુત: પ્રયુક્તિના પ્રકારની ર્દષ્ટિએ અનેક પ્રકારના અભિગમો વપરાય છે. વ્યાપક ર્દષ્ટિએ પ્રસ્તુત પ્રયુક્તિઓનું પાંચ વિભાગોમાં વર્ગીકરણ કરી શકાય : (1) સાહચર્ય (associative) પ્રયુક્તિઓ; જેમાં કસોટી લેનાર વ્યક્તિને શબ્દો, શાહીના ડાઘા કે અન્ય ઉદ્દીપકો પ્રત્યે તેમનાથી, મનમાં તરત ઉદભવતી વિચારપ્રક્રિયાઓને લક્ષમાં લઈ પ્રતિક્રિયા આપવાનો હોય છે. (2) રચનાલક્ષી (construction) પ્રયુક્તિઓ; જેમાં વ્યક્તિને કશાકની રચના કરવાનું કહેવામાં આવે છે; જેમ કે, વાર્તા બનાવવી, પોતાની જાતે ચિત્ર દોરવું. (3) પૂર્તિ(completion)-પ્રયુક્તિઓ; જેમાં અર્ધવિકસિત ઉદ્દીપકને પૂરું કરવાનું કહેવામાં આવે છે; જેમ કે અપૂર્ણ વાક્યોને પૂર્ણ કરવાં. (4) પસંદગી અથવા ક્રમાંકન(choice or ordering)-પ્રયુક્તિઓ; જેમાં ચિત્રો કે શાહીના ડાઘાવાળી આકૃતિઓમાંથી વ્યક્તિને પસંદગી કરવાની હોય છે અથવા કોઈક રીતે તેમને ક્રમશ: ગોઠવવાની હોય છે. (5) અભિવ્યક્ત(expressive)-પ્રયુક્તિઓ; જેમાં વ્યક્તિ પોતાની જાતને ચોક્કસ રીતે અભિવ્યક્ત કરે છે; જેમ કે, આંગળી વડે રંગવું (finger painting).

પ્રક્ષેપણ-કસોટીઓ : પ્રક્ષેપણ-પ્રયુક્તિ દ્વારા વ્યક્તિત્વનું માપન કરતી પ્રક્ષેપણ-કસોટીઓ અનેક પ્રકારની છે; જેમાં મુખ્ય અને ઘણી જાણીતી તેમજ વપરાતી કસોટીઓ નીચે પ્રમાણે છે :

1. રોર્શાકની શાહીના ડાઘાયુક્ત કસોટી (the Rorschach Inkblot Test) :

સ્વિસ મનશ્ચિકિત્સક હર્મન રોર્શાકે 1921માં આ પ્રયુક્તિ વર્ણવી. અલબત્ત, શાહીના ડાઘાની પ્રમાણિત કરેલી શ્રેણીનો તે પહેલાં ઉપયોગ થતો હતો, પરંતુ સમગ્રતયા વ્યક્તિત્વના નિદાનાત્મક અન્વેષણ (diagnostic investigation) માટે સૌપ્રથમ ઉપયોગ કરનાર રોર્શાક હતા. તેમણે કાગળ ઉપર શાહી ઢોળી કાગળને વચ્ચેથી વાળી શાહીના ડાઘાઓને પ્રસરાવીને બંને બાજુ સુરૂપ (bilateral symmetrical) આકૃતિઓ ઉપજાવી હતી. ઘણી આકૃતિઓની અજમાયશ કરી તેમાંથી શાહીના ડાઘાવાળી 10 આકૃતિઓ પસંદ કરી હતી, જે પ્રસ્તુત કસોટીમાં આજે પણ વપરાય છે.

પાંચ આકૃતિઓમાં કાળા અને ઝાંખા કાળા (gray) રંગવાળા ડાઘા જોવા મળે છે. બેમાં કાળા ડાઘા ઉપરાંત થોડા લાલ ડાઘાવાળી આકૃતિઓ છે. બાકીના ત્રણ કાર્ડમાં વિવિધ રંગોના ડાઘ છે. માનસિક અવ્યવસ્થાવાળા રોગીઓની માનસિક મૂંઝવણો મનમાંથી બહાર લાવવા આ પ્રયુક્તિ કામયાબ નીવડી છે.

કસોટી આપનાર વ્યક્તિ એટલે કે પ્રયોગપાત્ર(subject)ને દશેય કાર્ડ એક પછી એક બતાવવામાં આવે છે. પ્રયોગપાત્રને પૂછવામાં આવે, ‘તમને શું દેખાય છે ? ડાઘા શું બતાવે છે?’ (પ્રયોગપાત્ર કાર્ડને આડું-અવળું ફેરવી શકે છે.) જે બાજુ ઉપર તરફ રાખીને તે કાર્ડ જુએ તેની નોંધ કરી લેવામાં આવે છે; પ્રતિક્રિયા-સમય(reaction time)ની નોંધ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત તેના વર્તન કે હાવભાવ દ્વારા અકળામણ, ચિંતા, ભય કે બીજા ભાવો, જે જોવા મળે તેની પણ નોંધ કરી લેવામાં આવે છે. જે કંઈ જવાબ આપે તે અક્ષરશ: (verbatim) નોંધવાનો હોય છે. પ્રયોગપાત્ર જે જે વસ્તુઓ–બાબતો જુએ તેમનાં નામો નોંધી લેવામાં આવે છે; તેમાં કોઈ પ્રકારની સમયમર્યાદા હોતી નથી. દશેય કાર્ડ એક પછી એક ક્રમશ: બતાવી તે સર્વે પરના પ્રતિક્રિયાઓની નોંધ કરી લીધા પછી, બીજા તબક્કામાં અગાઉ આપેલા પ્રતિક્રિયાઓ ક્યાં ક્યાં દેખાયા હતા તેમનું સ્થાન બતાવવાનું હોય છે. પ્રયોગકર્તા ઉત્તરપત્ર ઉપર છાપેલી, ડાઘાઓની નાના કદની આકૃતિઓમાં જરૂરી નિશાનીઓ કરી લે છે. પ્રયોગપાત્ર વધારાના નવા પ્રતિક્રિયાઓ આપે તો તે પણ નોંધી લેવાના હોય છે અને તેમનાં સ્થાન અંકિત કરી લેવામાં આવે છે. પ્રયોગપાત્રના પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન કરવાની વિવિધ પદ્ધતિઓમાં ચાર મુખ્ય બાબતો હોય છે : (1) સ્થાન (location), (2) વસ્તુ (content), (3) નિશ્ર્ચાયકો (determinants) અને (4) પ્રતિક્રિયાઓનો પ્રકાર (type of responses).

આકૃતિ 2 : શાહીના ડાઘાવાળી કસોટીનો એક નમૂનો, પ્રતિભાવ : એકબીજાને પોતાના પંજા વડે સ્પર્શતાં બે રીંછ રમતો રમે છે અથવા તો લડે છે તથા લડાઈને કારણે લોહી નીકળે છે.

સ્થાનમાં આખો ડાઘ અમુક વસ્તુ જેવો દેખાયો હોય તો W (whole); નાની વિગત અમુક ચીજ જેવી દેખાઈ હોય તો D (detail); તદ્દન નવી વિગત દેખાઈ હોય તો d (small detail); ખાલી જગા જોઈને તેના પર પ્રતિક્રિયા  આપ્યો હોય તો S (space) તરીકે નોંધ કરી લેવામાં આવે છે. ગુણાંકન-પદ્ધતિ (scoring system) પ્રમાણે તેનું અર્થઘટન બદલાય છે; છતાં કેટલીક મુખ્ય વર્ગીકૃત બાબતોનો નિયમિત રીતે ઉપયોગ થાય છે; જેમ કે માનવાકૃતિ (H), માનવશરીરનો ભાગ કે તેના ભાગો (anatomy) (At), પ્રાણી-આકૃતિ (A), કુદરતી ચીજો – નદી, સૂર્ય, પર્વત વગેરે (N), નકશા કે ભૂગોળના ખ્યાલો જે દ્વિપરિમાણમાં હોય (Geo). નિર્માણકારોમાં સ્વરૂપ, રંગ, ઝાંય (shading) અને હલનચલન(movement)નો વિચાર કરવામાં આવે છે. મનુષ્યાકૃતિ હાલતીચાલતી દેખાય તો M, નિર્જીવ વસ્તુ(દડો, પતંગ)નું હલનચલન m, ત્રિપરિમાણવાળી વસ્તુ દ્વિપરિમાણમાં દેખાય તો K, માત્ર સ્વરૂપ દેખાય પણ હલનચલન ન હોય તો F, માત્ર રંગ તો C, રંગ સાથે સ્વરૂપ FC – આ ત્રણ બાબતો ઉપરાંત ઘણી વખત પ્રતિક્રિયાનો પ્રકાર પણ ધ્યાનમાં લેવાય છે; જેમ કે, પ્રતિક્રિયા સામાન્ય કે ચીલાચાલુ હોય તો P (popular), પ્રતિક્રિયા તદ્દન નવો હોય તો O(original)ની નોંધ કરવામાં આવે છે. બધાં કાર્ડોના બધા પ્રતિક્રિયાઓને આ ચાર રીતોથી નોંધ્યા પછી તે સર્વ પ્રકારના ટકા શોધવામાં આવે છે; જેમ કે, કેટલા ટકા W, કેટલા ટકા D, કેટલા ટકા A, કેટલા ટકા N; આ ટકાવારી માનાંકો નથી. મનોવિજ્ઞાનીઓના અનુભવને આધારે પ્રતિક્રિયાઓના ટકા ઉપરથી વ્યક્તિના મનમાં શું ચાલે છે, તેની માનસિક સ્થિતિ કેવી છે, તે કેટલી બુદ્ધિશાળી છે વગેરેનું અર્થઘટન કરવામાં આવે છે. ઉપરાંત, પ્રતિક્રિયાઓ આપતી વખતનાં વર્તનોની નોંધ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અર્થઘટન આત્મલક્ષી (subjective) થવાની શક્યતા હોઈ, આ કસોટીનો ઉપયોગ કરતા પહેલાં નિષ્ણાતના હાથ તળે તાલીમની ખાસ જરૂર પડે છે; તેને લગતા સાહિત્યનું સાંગોપાંગ વાચન પણ અનિવાર્ય થઈ પડે છે. અર્થઘટનમાં સાંસ્કૃતિક ભૂમિકા અગત્યનો ભાગ ભજવે છે. ઇંગ્લૅન્ડ-અમેરિકા જેવા દેશોમાં હાથીની સૂંઢ જાતીય વૃત્તિનું ચિહ્ન ગણાય છે, જ્યારે ભારત–આફ્રિકામાં આ પ્રતિક્રિયા સામાન્ય ગણાય છે. વૈદકીય શાખાની વ્યક્તિ(ડૉક્ટર)ને શરીરના અવયવો – ફેફસાં, મૂત્રપિંડ વગેરે  જલદી દેખાય, તે અસામાન્ય ન ગણાય; રંગ સાથે કામ કરનારને રંગો વિશેની કલ્પના સ્વાભાવિક ગણાય. આ બધી બાબતો ધ્યાનમાં લેવાની હોઈ પ્રતિક્રિયાઓનું અર્થઘટન અટપટું અને સંકીર્ણ બની જાય છે અને તેથી જ વિશિષ્ટ તાલીમ અને અનુભવ અનિવાર્ય છે. આમ તો આ કસોટી પૂર્વપ્રાથમિક કક્ષાનાં બાળકોથી માંડીને પુખ્તવયની કક્ષા સુધી આપી શકાય; પરંતુ માનાંકોની માહિતી (normative data) પુખ્તવયનાં જૂથો પર તૈયાર કરેલ છે. Ames અને તેના સહકાર્યકરોએ 2થી 10 વર્ષનાં બાળકો, 10થી 16 વર્ષનાં તરુણ-તરુણીઓ પર અને 17થી 70 વર્ષની વ્યક્તિઓ પરના માનાંકો તૈયાર કર્યા છે. આની કામગીરી ગેસલ ઇન્સ્ટિટ્યૂટ ઓવ્ ચાઇલ્ડ ડેવેલપમેન્ટ યેલ[Gessel Institute of Child Development, Yale(U.S.)]માં  થયેલી છે.

રોર્શાકની ચીલાચાલુ ગુણાંકન-પદ્ધતિ અસંતોષકારક લાગતાં કેટલાક અન્વેષકોએ આ કસોટીના પ્રતિક્રિયાઓનું વસ્તુ-પૃથક્કરણ (contentanalysis) કરવાનું શરૂ કર્યું. રોર્શાક અને તેના મોટા ભાગના અનુયાયીઓ પ્રયોગપાત્રના શાહીના ડાઘા પરના પ્રત્યક્ષીકરણના પાયા (perceptual basis) પર જ વધુ પડતો ભાર મૂકતા હતા. આનાથી ઊલટું, વસ્તુ-પૃથક્કરણમાં વ્યક્તિ ડાઘાઓમાં શું પ્રત્યક્ષીકૃત કરે છે તેને લક્ષમાં લઈ પછી ક્લિનિકલ સાક્ષ્ય(interview)માં પ્રયોગપાત્ર શી વસ્તુ જુએ છે તે ધ્યાનમાં લેવામાં આવે છે; આનાં તારણો આશાસ્પદ જણાયાં છે.

Holtzman Inkblot Testને આવી જ પદ્ધતિથી વિકસાવવામાં આવ્યો છે, જેમાં રોર્શાક કસોટીની આંકડાશાસ્ત્રીય પ્રશ્નોની નબળાઈઓ(મર્યાદાઓ)ને દૂર કરવાના પ્રયત્નો થયેલા છે. આ કસોટીમાં 45 શાહીના ડાઘાવાળી આકૃતિઓની શ્રેણી પ્રયોગપાત્રને આપવામાં આવે છે જેમાં દરેક કાર્ડદીઠ ફક્ત એક જ પ્રતિક્રિયા આપવાનો રહે છે. એક જ વ્યક્તિની પુન: કસોટી લેતી વખતે 45 બીજાં કાર્ડોની વૈકલ્પિક શ્રેણી (alternate series) અપાય છે. કેટલાક અન્વેષકોએ શાહીના ડાઘા પરના પ્રતિક્રિયાઓ પરથી ભવિષ્યના વર્તનની આગાહી કરવાની પદ્ધતિ શોધી છે; જેમ કે, શાબ્દિક પ્રતિક્રિયાઓનું વિષયવસ્તુ-પૃથક્કરણ કરીને તારવી કાઢેલી ચિંતા કે વેરવૃત્તિ, મનોપચાર- (psychotherapy)ની ર્દષ્ટિએ સાનુકૂળ કે પ્રતિકૂળ પ્રતિક્રિયા ગણાવી શકાય કે કેમ તેની ચકાસણી કરવામાં આવી છે. પ્રયોગપાત્ર દ્વારા જણાવાતા શાહીના ડાઘા પરનાં પ્રત્યક્ષીકરણો (perceptions) અને મૌખિક પ્રતિક્રિયાના વિષયવસ્તુ (content) પરથી વિશિષ્ટ પ્રકારની પરિસ્થિતિ(જેમ કે, પ્રાયોગિક રીતે ચિંતા કે વેરવૃત્તિ ઊભી કરીને)માં પેદા થતી અસરોના અભ્યાસ અંગેનું સારું એવું મોટું નવું ક્ષેત્ર હાલ ખેડાઈ રહ્યું છે. તાજેતરમાં અર્થઘટનમાં કમ્પ્યૂટરનો ઉપયોગ પણ થઈ રહ્યો છે. 1974થી પિટ્રૉવ્સ્કીએ તૈયાર કરેલી યોજના પ્રમાણેનો Pitrowski’s Automated Rorschach (PAR) અમલમાં આવ્યો છે.

2. થિમૅટિક એપર્સેપ્શન કસોટી (Thematic Apperception Test TAT) : ‘ટીએટી’ના ટૂંકા નામે ઓળખાતી આ પ્રક્ષેપણ-કસોટી રોર્શાક પછી સૌથી વધુ લોકપ્રિય કસોટી છે. હાર્વર્ડ સાઇકોલૉજિકલ ક્લિનિકમાં હેન્રી મરેએ 1938માં આ કસોટીની રચના કરી હતી.

3. હેન્રી મરે

રોર્શાક કસોટી સંપૂર્ણ રીતે અનિયંત્રિત છે. તેની સરખામણીમાં આ કસોટીને અર્ધનિયંત્રિત ગણાવી શકાય. ચિકિત્સાલયોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં તેમજ સંશોધન-સંસ્થાઓમાં એનો બહોળો ઉપયોગ થઈ રહ્યો છે અને પાછળથી, આ કસોટીને પાયા તરીકે લઈ, બીજી અનેક પ્રક્ષેપણ-કસોટીઓ તૈયાર થયેલી છે.

પ્રસ્તુત કસોટીમાં 20 કાર્ડ છે, જેમાંથી 19 સફેદ કાર્ડ ઉપર કાળી શાહીથી છાપેલાં ચિત્રો છે અને 1 કાર્ડ બિલકુલ કોરું – સફેદ છે. કાર્ડમાંનાં ચિત્રો થોડી અસ્પષ્ટ પરિસ્થિતિ દર્શાવે છે. સામાન્યત: આ ચિત્રો ભાવાવેશ દર્શાવતી વિવિધ પરિસ્થિતિઓનાં છે.

આકૃતિ 4 : ટીએટી કાર્ડનો નમૂનો. આ ચિત્ર એવી સ્ત્રીનું છે જે આખી જિંદગી સુધી ઘણી જ શંકાશીલ અને દુરાચારી હતી. તે દર્પણમાં જોઈ રહી છે અને પોતાની પરિવર્તિત આકૃતિની પાછળ દેખાતી પોતાની વૃદ્ધાવસ્થાની આકૃતિને પણ તે જુએ છે : શંકાશીલ અને દુરાચારી.

એક પછી એક કાર્ડ પ્રયોગપાત્રને બતાવી તેને જે દેખાય તેના અંગે એક વાર્તા બનાવવાનું કહેવામાં આવે છે. આ વાર્તા ચાર પ્રશ્નોના આધારે બનાવવાની હોય છે : ચિત્રમાં બતાવેલ પ્રસંગ કઈ ઘટના/બનાવને લઈને ઊભો થયો હશે ? અત્યારે શું થઈ રહ્યું છે ? તેમાંનાં પાત્રો કઈ લાગણી અનુભવે છે ? અને શું વિચારી રહ્યાં છે ? અંતે તેનું શું પરિણામ આવશે ? આના પ્રતિક્રિયાઓ અક્ષરશ: લખી લેવામાં આવે છે. વાર્તા બનાવતી વખતે પ્રયોગપાત્ર વાર્તાના નાયક સાથે તાદાત્મ્ય (identification) અનુભવે છે અને વાર્તાની વસ્તુમાં પોતાની જરૂરિયાતો, સંઘર્ષો અને વૈફલ્યોને છતાં કરે છે. ટૂંકમાં, પોતાની જાતનું જ તે પ્રક્ષેપણ કરે છે. કસોટી આપતી વખતે એક એક કલાકની બે બેઠકો યોજવામાં આવે છે. પહેલા કલાકમાં 10 કાર્ડ અને બીજા કલાકમાં વધુ અસામાન્ય, નાટકીય અને કંઈક અંશે વિચિત્ર (bizarre) 10 કાર્ડ હોય છે. છેલ્લા કોરા કાર્ડમાં પ્રયોગપાત્રે પોતે કોઈ પણ ચિત્રની કલ્પના કરીને તેની વિગતો જણાવી વાર્તા બનાવવાની હોય છે. આને સંપૂર્ણ અનિયંત્રિત વસ્તુ (unstructured content) કહી શકાય. 14 વર્ષથી નાના છોકરાઓ માટે, 14 વર્ષથી નાની છોકરીઓ, 14 વર્ષથી મોટી ઉંમરના પુરુષો માટે અને 14 વર્ષથી મોટી ઉંમરની સ્ત્રીઓ માટે – એમ ચાર પ્રકારનાં જુદાં જુદાં 20 કાર્ડના સેટ હોય છે. અલબત્ત, કેટલાંક કાર્ડ બધાં જૂથો માટે એક જ હોય છે. સમય બચાવવાની ર્દષ્ટિએ કેટલાક મનશ્ચિકિત્સકો 20 કાર્ડમાંથી માત્ર નવ વિષયવસ્તુવાળાં અને એક કોરું એમ કરીને 10 કાર્ડ પસંદ કરીને અટકી જાય છે. વાર્તાઓ મેળવી લીધા પછી તે વાર્તાઓ અંગે પ્રયોગપાત્ર સાથે વાતચીત કરીને તે વાર્તાનું મૂળ, તેમાં આવેલ સ્થળ/સ્થળો, માણસોનાં નામ, તારીખ, સમય અને અન્ય કાંઈ અસાધારણ બાબત હોય તો તે વિષે માહિતી મેળવી લેવામાં આવે છે. એ પછી, વાર્તાઓનું છ તત્વો દ્વારા વિશ્લેષણ કરવામાં આવે છે.

(ક) નાયક : નાયક સાથે પ્રયોગપાત્રનું તાદાત્મ્ય સધાતું હોઈ નાયકની લાગણીઓ પ્રયોગપાત્રની પોતાની લાગણીઓ હોવાનો સંભવ હોય છે. વાર્તાનો નાયક કોણ છે તે જાણી પ્રયોગપાત્ર કોને પ્રાધાન્ય આપે છે તે નક્કી કરવામાં આવે છે.

(ખ) નાયકના હેતુઓ, વલણો અને લાગણીઓ : નાયકના વર્તન ઉપરથી તેમને પ્રેરણા આપનારાં બળો, તેનાં વલણો અને તે કેવા પ્રકારની લાગણીઓ અનુભવે છે તે સર્વે બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે. તેમાં જે કંઈ અસામાન્ય હોય તે તરફ વિશેષ લક્ષ આપવામાં આવે છે.

(ગ) પર્યાવરણ : નાયકના પર્યાવરણમાં જે વિશિષ્ટતા હોય, જે બાબતો ઘણી વાર્તાઓમાં આવતી હોય અને જે પ્રબળ હોય તે સર્વેની નોંધ કરી લેવામાં આવે છે. મરેએ લગભગ 30 મહત્વની બાબતો નોંધવાની યોજના આપેલી છે. દરેકની પ્રબળતા પંચ-બિંદુ-માપદંડ પર અંકિત કરવામાં આવે છે.

(ઘ) નીપજ (outcome) : નાયકની જરૂરિયાતો અને તેનાં પર્યાવરણનાં પરિબળો વચ્ચેના સંઘર્ષમાંથી જે સફળતા – નિષ્ફળતા, આનંદ-શોક, સાફલ્ય-વૈફલ્ય વગેરે જન્મે છે તે જુદાં પાડવામાં આવે છે.

(ઙ) વિષયવસ્તુ : ઉપર્યુક્ત નીપજમાંથી વાર્તાનું વસ્તુ (theme) તૈયાર થાય છે. ઉપરની ચાર બાબતોના સંયોજનમાંથી આ વસ્તુ જન્મે છે.

(ચ) રસો અને સ્થિર ભાવો : વાર્તામાં રહેલાં વિવિધ તત્વો વિધેયાત્મક અને નિષેધાત્મક વલણો દર્શાવે છે અને તેમાંથી પ્રયોગપાત્રના રસો અને સ્થાયી ભાવો (sentiments) છતા થાય છે.

જુદા જુદા મનોવૈજ્ઞાનિકો વાર્તાઓનાં ગુણાંકનો કરે અને તેમાં એકવાક્યતા દેખાય તો તે scorer reliability દર્શાવે છે. વિવિધ વાર્તાઓ વચ્ચેના સામાન્ય મુદ્દાઓ તે વાર્તાઓની વિશ્વસનીયતા દર્શાવે છે. વિવિધ વાર્તાઓમાંથી છતી થતી પ્રયોગપાત્રની જરૂરિયાતો વચ્ચેની સમાનતા પણ વિશ્વસનીયતા દર્શાવે છે.

સમયનો બચાવ કરવા ચિત્રોને પડદા ઉપર પ્રક્ષેપિત કરી, વ્યક્તિગત કાર્ડ આપવાને બદલે સમૂહમાં પણ હવે કાર્ડ આપવામાં આવે છે.

ભારતનાં ઉમા ચૌધરીએ ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને TATનાં મૂળ ચિત્રોનાં પહેરવેશ, મકાન, કુદરતી વાતાવરણ વગેરે બદલીને નવાં ચિત્રો તૈયાર કર્યાં છે. તેમનાં ચિત્રોમાં પહેરવેશ બંગાળી અને આસામી વ્યક્તિઓનો હોય તેવો દેખાય છે. બાકીની પદ્ધતિમાં TATનું અનુસરણ કરવામાં આવ્યું છે. એસ. એલ. દાસે તરુણો માટે ચલચિત્રો દ્વારા સમૂહમાં આપી શકાય એવી કસોટીની રચના કરી છે. વ્યક્તિત્વનાં દશ લક્ષણો માટે દશ ચિત્રો એક પછી એક બતાવવાનાં હોય છે. તે ચલચિત્રો હોવા છતાં મૂંગાં છે અને દરેકનો સમય ફક્ત અર્ધી મિનિટનો હોય છે. પ્રયોગપાત્રોએ ચલચિત્ર જોઈ TATની જેમ વાર્તા લખવાની હોય છે. વાર્તાનું વિશ્ર્લેષણ TATની પદ્ધતિથી કરવામાં આવે છે.

3. શબ્દ-સાહચર્ય કસોટી (word-association test) : 1879માં ગાલ્ટને આ પદ્ધતિનો પ્રથમ વાર ઉપયોગ કર્યો હતો. ત્યારપછી જર્મનીમાં વુન્ડ્ટ અને અમેરિકામાં જે. મેક. કેટેલે પોતાની મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં તેનો ઉપયોગ કર્યો હતો. મનશ્ચિકિત્સામાં આ પદ્ધતિનો ઉપયોગ મનશ્ચિકિત્સકોએ અને મનોવિશ્લેષકોએ મનોવિશ્લેષણના વિકાસ સાથે કરવા માંડ્યો. સૌથી વધારે પદ્ધતિસરનો ઉપયોગ 1901માં સી. જે. યુંગે કર્યો છે. ભાવાવેશો ઉપજાવે એવા શબ્દોનો ઉપયોગ કરી યુંગે શબ્દ-સાહચર્ય કસોટી બનાવી. આવા શબ્દો પારખવા પ્રયોગપાત્રને પ્રતિક્રિયા આપતાં જે સમય લાગે તે પ્રતિક્રિયા-સમય(reaction time)ને પ્રતિક્રિયાઓની વસ્તુ અને ભાવાત્મક તાણ દર્શાવતી પ્રયોગપાત્રની શારીરિક અભિવ્યક્તિને ધ્યાનમાં લેવામાં આવી હતી. 1946માં અમેરિકાના મેનિન્જર ક્લિનિકમાં રેપાપોર્ટે યુંગની કસોટી પરથી 60 શબ્દોની એક નવી કસોટીની રચના કરી; એમાંના શબ્દો મનોવિશ્ર્લેષણ-વિષયક છે અને કેટલાક તો માનસિક-લૈંગિક સંઘર્ષ (psycho-sexual-conflicts) સાથે સંબદ્ધ છે. શબ્દ-સાહચર્ય કસોટીનો ઉપયોગ અસત્ય-શોધક (lie-detector) તરીકે પણ થાય છે. યુંગે આ રીતે કસોટીનો ઉપયોગ કરેલો, અને પછી તેના ઉપર અનેક પ્રયોગો થયા છે. શબ્દ-સાહચર્ય કસોટી દ્વારા અસત્ય હંમેશાં શોધી જ શકાય છે તેમ કહી શકાય નહિ.

શબ્દ-સાહચર્યથી ભિન્ન અભિગમ ધરાવતી કૅન્ટ અને રોઝનૉફે 1910માં તૈયાર કરેલી મુક્ત-સાહચર્ય કસોટી સંપૂર્ણપણે વસ્તુલક્ષી અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી ગુણાંકન કરી માનાંકો સાથે સરખાવી પરિણામો દર્શાવી શકાય તેવી સગવડવાળી છે. તેમાં સામાન્ય, તટસ્થ કહી શકાય તેવા 100 શબ્દો પસંદ કરવામાં આવ્યા છે કે જે પ્રયોગપાત્રો પાસેથી એકસરખા પ્રતિક્રિયાઓ પેદા કરાવી શકે છે, જેમ કે ‘ટેબલ’ કહેતાં ‘ખુરશી’, ‘અંધકાર’ કહેતાં ‘ઉજાસ’ જેવા પ્રતિક્રિયાઓ સામાન્યપણે મળે છે. સામાન્ય અનુકૂલનવાળા (well-adjusted) માણસો મોટાભાગે લોકપ્રિય પ્રતિક્રિયાઓ આપે છે, જ્યારે જેમના ઘણા પ્રતિક્રિયાઓ અસામાન્ય લાગે તેમના મનમાં માનસિક અવ્યવસ્થા હશે તેમ કહી શકાય. ગાંડા માણસોના કે મનોવિકૃતિ ધરાવતા માણસોના પ્રતિક્રિયાઓ તદ્દન અસામાન્ય જોવા મળે છે. વ્યક્તિત્વ-માપન માટે કૅન્ટ-રોઝેનૉફની આ કસોટીનું રૂપાંતર ઘણા દેશોમાં કરવામાં આવ્યું છે અને ચિકિત્સાલયોમાં તેનો બહોળો ઉપયોગ થાય છે.

4. વાક્ય-પૂર્તિ કસોટી (sentence-completion test) સંશોધનક્ષેત્રે તેમજ મનશ્ચિકિત્સાક્ષેત્રે બહોળા પ્રમાણમાં વપરાતી આ બીજા પ્રકારની શાબ્દિક કસોટી છે. તેમાં વાક્યમાં બહુ થોડા શબ્દો મૂકેલા હોય છે કે જેથી પ્રયોગપાત્ર બીજા ઘણા શબ્દોની પુરવણી કરી શકે અને તે ક્રિયા દરમિયાન પોતાના મનના વ્યાપારોને ઠાલવી શકે; જેમ કે, ‘મારી મહત્વાકાંક્ષા …….’, ‘સ્ત્રીઓ ……..’, ‘મારી માતા …….’, ‘મારી ચિંતા એ છે કે ……..’ વગેરે. જે પ્રકારના વ્યક્તિત્વની પરીક્ષા કરવાની હોય તેને લગતા શબ્દોવાળાં વાક્યો પણ આવી કસોટીમાં મૂકવામાં આવે છે. પ્રમાણિત કર્યા વગરની, પોતાની સગવડ પ્રમાણે તૈયાર કરેલી કસોટીઓનો વપરાશ સંશોધનમાં તેમજ ચિકિત્સાલયોમાં થાય છે; છતાં કેટલીક પ્રમાણિત કસોટીઓ પણ વપરાય છે. આવી રૉટર અપૂર્ણ વાક્ય કસોટી (Rotter incomplete sentence blank) જાણીતી પ્રમાણિત કસોટી છે. તેમાં 40 વાક્યો હોય છે. દરેક વાક્યમાં જે પૂર્તિ કરેલી હોય તેનું મૂલ્યાંકન 7 બિંદુવાળા માનદંડ ઉપર કરવામાં આવે છે. પૂરી કસોટી પરથી અનુકૂલન-પ્રાપ્તાંક (adjustment score) મળે છે. તેના સૂચનાપત્ર(manual)માં ગુણાંકન તથા મૂલ્યાંકન-પદ્ધતિ તેમજ અર્થઘટન માટેના અનેક નમૂના આપેલા છે. પ્રતિક્રિયાઓની વસ્તુનો ચિકિત્સાત્મક સંકેતો શોધવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

વધુ સારી વાક્યપૂર્તિ-કસોટી વૉશિંગ્ટન યુનિવર્સિટી વાક્યપૂર્તિ કસોટી છે, જેનું નિર્માણ લેવિન્જરે પ્રતિપાદિત કરેલા અહમ્ના વિકાસના સિદ્ધાંત પરથી કરાયેલું છે. તેમાં અહમના વિકાસને 7 સોપાનોમાં વહેંચવામાં આવેલો છે. સોપાનો આ પ્રમાણે છે : પૂર્વ સામાજિક, આવેગયુક્ત, આત્મસંરક્ષણાત્મક, રૂઢિગત, સંનિષ્ઠ, આત્મનિર્ભર અને સુગ્રથિત. દરેક વાક્યપૂર્તિ ઉપરથી પ્રાપ્તાંક નક્કી કરી કુલ પ્રાપ્તાંક ઉપરથી અહમના વિકાસની કક્ષા નક્કી કરવામાં આવે છે. નાનાં તથા મોટાં સ્ત્રી-પુરુષો માટેનાં અલગ-અલગ ફૉર્મ તૈયાર કરેલાં છે. નમૂનારૂપ પ્રતિક્રિયાઓ, ગુણાંકન કરનારને આપવાની તાલીમ વગેરે બાબતો તેના મોટા કદના સૂચનાપત્રમાં આપવામાં આવી છે.

5. રોઝેન્ઝિવગ ચિત્ર-વૈફલ્ય કસોટી (Rosenzweig picture frustration study, P. F. study) : રોઝેન્ઝિવગના વૈફલ્ય અને આક્રમણના સિદ્ધાંત ઉપર રચાયેલી આ કસોટીઓ બે અલગ અલગ કક્ષા માટેની છે. બાળકો માટેની કસોટી 4થી 13 વર્ષનાં બાળકોને આપી શકાય છે. 14 વર્ષ અને તેથી મોટી ઉંમરનાઓ માટેની કસોટી તરુણો તથા મોટી ઉંમરના માણસોને આપી શકાય છે. તેમાં કાર્ટૂન જેવાં ચિત્રો છે, જેમાં એક વ્યક્તિ એવું કંઈક કહે છે જેને લીધે સામેની વ્યક્તિમાં વૈફલ્યની લાગણી પેદા થાય. તેને લીધે એ વ્યક્તિ સામો કેવો પ્રતિક્રિયા આપશે તે પ્રયોગપાત્રે ખાલી ચોકઠામાં લખવાનું છે. પ્રયોગપાત્ર પ્રતિક્રિયા આપતાં પોતાની જાતનું પ્રક્ષેપણ કરશે અથવા તેની સાથે તાદાત્મ્યની લાગણી અનુભવશે અને પ્રતિક્રિયા આપતાં પોતાના વૈફલ્યને તેમાં ઠાલવશે. આવાં 24 ચિત્રો બાળકોની કસોટીમાં છે, જે સમૂહમાં આપી શકાય છે. આ કસોટીમાં પરિસ્થિતિઓ બહુ સ્પષ્ટ છે અને તેથી રોર્શાક તથા TAT કરતાં ભિન્ન છે. પ્રતિક્રિયા ટૂંકા હોવાથી તથા તેમના ગુણાંકનની આંકડાશાસ્ત્રીય પદ્ધતિ હોવાથી તે વસ્તુલક્ષી (objective) બની છે. અમેરિકામાં લઘુમતી કોમો તરફનાં વલણ માપવાં; યુદ્ધ અટકાવવા અંગેના અભિપ્રાયો જાણવા; જેમનાં હાથ, પગ, આંખ જેવાં શરીરનાં અંગો કપાઈ કે ફૂટી ગયેલાં હોય તેવા વિકલાંગીઓનાં વલણો માપવા માટે આવી કસોટીઓ બનાવવામાં આવી છે.

6. પ્રાણીઓનાં ચિત્રોની કસોટી (animal crackers) : 1975માં એડકિન્સ અને બેલિફે ઍનિમલ ક્રૅકર્સ નામની કસોટી બહાર પાડી છે, જેમાં 60 વિગતો (items) છે. સિદ્ધિપ્રેરણ (achievement motivation) માપવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે. બાળકોનાં શાળામાંનાં વર્તનોના પાંચ ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે : (1) શાળામાં મજા પડવી,, (2) આત્મવિશ્વાસ, (3) હેતુલક્ષિતા, (4) કારક પ્રવૃત્તિઓ, (5) આત્મમૂલ્યાંકન. દરેક ચિત્રમાંથી બાળકે પોતાને કયું પ્રાણી ગમે છે તે દર્શાવવાનું હોય છે. એમાં બબ્બે વિધાનોમાંથી કોઈ પણ એક પસંદ કરવાનું હોઈ નિયંત્રિત પ્રતિક્રિયા પ્રકારની કસોટી બને છે, છતાં તેનું ગુણાંકન સ્વસાપેક્ષ (ipsative) નથી, કેમ કે દરેકમાં એક જ લક્ષણ અંગેનાં બે વિધાનો હોય છે. આ રીતે આ પ્રક્ષેપણ-પ્રયુક્તિને વસ્તુલક્ષી બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમેરિકાનાં 32 રાજ્યોનાં 5,000 બાળકોને આ કસોટી આપીને તેને પ્રમાણિત કરેલી છે. કિન્ડરગાર્ટન અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગમાં આવે છે.

અભિવ્યક્તિની પ્રયુક્તિઓમાં પ્રયોગપાત્રે કોઈક રીતે અભિવ્યક્તિ કરવાની હોય છે; જેમ કે, બાળકોને કાચા રંગો આપવામાં આવે છે, જેમાં તેઓ હાથ બોળીને કૅન્વાસ કે કાગળ ઉપર ઊભા-આડા જેમ ગમે તેમ લપેડા કરે છે. એને finger-painting કહેવામાં આવે છે. ચિત્રવાર્તા બનાવો (make picture-story) કસોટીમાં ગુફા, હરિયાળી, મહોલ્લો, જંગલ, સ્નાનાગાર જેવાં 22 પાર્શ્વભૂમિકાનાં કાપેલાં ચિત્રો હોય છે; ઉપરાંત તેમાં જીવંત વસ્તુઓ, માણસો, પ્રાણીઓ વગેરેનાં કાપેલાં 67 ચિત્રો હોય છે. તેમાં 65 માણસોનાં અને 2 પ્રાણીઓનાં ચિત્રો છે. આ સર્વને વિવિધ સ્થિતિમાં એટલે કે ઊભાં, દોડતાં, બેઠેલાં વગેરે બતાવેલાં હોય છે. પ્રયોગપાત્ર જાતે જ વાર્તા રચે છે ત્યારે તે પોતાના મનોભાવોનું પ્રક્ષેપણ કરે છે.

રમતો દ્વારા પ્રક્ષેપણ (role playing) : રમતનો વિશિષ્ટ પ્રકારનો ઓરડો બનાવી તેમાં વિવિધ પ્રકારનાં રમકડાં  ચિત્રો, ચોપડીઓ, રસોડાનાં, બાથરૂમનાં કે એવાં કેટલાંક સાધનો મૂકવામાં આવે છે. બાળકને સ્વૈચ્છિક રીતે જે રમવું હોય તે રમવાનું કહેવામાં આવે છે. દરમિયાન oneway glass visionથી તેનું અવલોકન કરી નોંધ કરવામાં આવે છે. આમ મુક્ત રમત દ્વારા નિદાન તેમજ ઉપાય – બંને થઈ શકે છે. ગુજરાતી નાનાં બાળકો ‘ઘર-ઘર’ની રમત રમે છે તે પણ આ પ્રકારનું સામાન્ય, અપ્રમાણિત (non-standardised) ઉદાહરણ છે.

મનોનાટ્ય (psychodrama) : મોરેનો(Moreno)એ ગંભીર માનસિક ગરબડ ઊભી થયેલી હોય તેવી વ્યક્તિઓની અસ્થિરતાઓના નિદાન અને ઉપાય માટે આ પ્રકારની ‘મનોનાટ્ય’-પ્રયુક્તિનો ઉપયોગ કર્યો છે. એક ગોળ સ્ટેજ પર અસ્થિરતાવાળા માણસને પોતાને પસંદ હોય તેવું નાટક કરવાની સૂચના આપવામાં આવે છે; અન્ય અસ્થિરતાવાળા માણસો પ્રેક્ષકો તરીકે બેઠેલા હોય છે અને જ્યારે મન થાય ત્યારે સ્ટેજ પર જઈ નાટકમાં ભાગ લે છે. મનોનાટ્યનો મુખ્ય સિદ્ધાંત એ છે કે વ્યક્તિ પોતાના મનમાં ભરાઈ રહેલી અને તેને હેરાન કરતી સર્વ લાગણીઓને ભજવીને બહાર કાઢે ત્યારે તેની મૂંઝવણો દૂર થઈ શકે છે. તેનું માનસિક વિરેચન (catharsis) થાય છે. વ્યક્તિના સંવાદો તેમજ હાવભાવ પરથી તેની મૂંઝવણોનું નિદાન મનોવિજ્ઞાની કરે છે અને એ જ પ્રવૃત્તિ(નાટક)થી તેનામાં સુધારો પણ થાય છે.

જયંતીભાઈ હીરાલાલ શાહ