પ્રકાશ, ખેમચંદ (જ. 1907, ગામ સુજાનગઢ, રાજસ્થાન રાજ્ય; અ. 10 ઑગસ્ટ 1950, મુંબઈ) : હિંદી ચલચિત્રોના સંગીતકાર, જેમણે ટૂંકી કારકિર્દીમાં ઘણાં ગીતો માટે કર્ણપ્રિય સંગીત આપ્યું. રાજસ્થાનના એક બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ખેમચંદને બાળપણથી ગીત-સંગીત પ્રત્યે લગાવ હતો. પિતા ગોવર્ધનપ્રસાદ પાસેથી ધ્રુપદ-ગાયકી શીખ્યા. કથકના પણ તેઓ સારા નર્તક હતા. નેપાળના રાજદરબારમાં આઠ વર્ષ નોકરી કર્યા બાદ, તેઓ કલકત્તા આવ્યા હતા; જ્યાં ખ્યાતનામ ચલચિત્રનિર્માણ કંપની ન્યૂ થિયેટર્સ સાથે જોડાઈને પ્રસિદ્ધ સંગીતકાર તિમિર બરનના સહાયક બન્યા. આ કંપનીના નેજા હેઠળ બનેલા ચિત્ર ‘સ્ટ્રીટ સિંગર’માં ‘લો ખા લો મડ્ડમ ખાના’ ગીતને તેમણે પોતાનો સ્વર આપ્યો હતો અને નૃત્ય પણ કર્યું હતું.
ખેમચંદ પ્રકાશે હિંદી ચલચિત્રોમાં 1939ના અરસામાં પ્રવેશ કર્યો. ‘ગાઝી સલાહુદ્દીન’ પ્રથમ ચિત્ર હતું. 1940માં ‘દિવાલી’ અને ‘હોલી’ ચિત્રોમાં સંગીત આપીને તેમણે એ જમાનાની ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત રણજિત ફિલ્મ કંપની સાથે સંબંધ બાંધ્યો, જે લાંબો સમય ટક્યો. દરમિયાન ઘણાં ચિત્રોમાં તેમણે કર્ણપ્રિય સંગીત આપ્યું. 1947થી ’50નો ગાળો ખેમચંદ પ્રકાશની કારકિર્દીનો મહત્વનો સમય હતો, પણ આ ગાળામાં જ તેમના એક અંગ જેવાં ગાયિકા ખુરશીદ તેમનાથી અલગ થઈને પાકિસ્તાન જતાં રહ્યાં. એ પછી ખેમચંદ પ્રકાશ દારૂના રવાડે ચઢી ગયા, અને ધીમે ધીમે પોતાની પડતી નોતરી લીધી.
ત્રીસેક ચિત્રોમાં સંગીત આપનાર ખેમચંદ પ્રકાશ ‘મહલ’ ચિત્રના સંગીત દ્વારા ખૂબ સન્માન પામ્યા. લતા મંગેશકરના કંઠે ગવાયેલું આ ચિત્રનું એક ગીત ‘આયેગા, આયેગા આનેવાલા….’ લોકપ્રિયતાની ચરમસીમાને આંબી ગયું હતું. જોકે ‘મહલ’ છબિઘરોમાં પ્રદર્શિત થાય એ પહેલાં જ તેમનું નિધન થયું. તેમનું અંતિમ ચિત્ર ‘તમાશા’ 1952માં પ્રદર્શિત થયું. યોગાનુયોગ બૉમ્બે ટૉકિઝના નેજા હેઠળ બનેલું આ આખરી ચિત્ર હતું.
‘ગાઝી સલાહુદ્દીન’ અને ‘મહલ’ ઉપરાંત ખેમચંદ પ્રકાશનાં અન્ય કેટલાંક ચિત્રો આ મુજબ છે : ‘મેરી આંખ’ (1939), ‘આજ કા હિંદુસ્તાન’ (’40), ‘પરદેશી’ (’41), ‘ચાંદની’ (’42), ‘ચિરાગ’ (’43), ‘મુમતાઝમહલ’ (’44), ‘ધન્નાભગત’ (’45), ‘ચલતે ચલતે’, ‘સમાજ કો બદલ ડાલો’ (’47), ‘આશા’ (’48), ‘રિમઝિમ’ (’49), ‘બિજલી’ (’50).
હરસુખ થાનકી