પ્રકાશીય સંજ્ઞા (optic sign) : પ્રકાશીય ગુણધર્મ. પ્રકાશીય ગુણધર્મો પ્રમાણે ખનિજોના બે પ્રકાર છે : (1) સમદૈશિક (isotropic) અને (2) વિષમદૈશિક (anisotropic). સમદૈશિક ખનિજોના છેદ સૂક્ષ્મદર્શક હેઠળના અવલોકન દરમિયાન અમુક સ્થિતિમાં સંપૂર્ણપણે કાળા રહેવાનો ગુણધર્મ ધરાવે છે. ક્યૂબિક સ્ફટિકવર્ગનાં ખનિજો આ પ્રકારની લાક્ષણિકતા ધરાવતાં હોવાથી તે સમદૈશિક અથવા સમદિકધર્મી કહેવાય છે. વિષમદૈશિક ખનિજોના છેદ સૂક્ષ્મદર્શક હેઠળના અવલોકન દરમિયાન વિલોપની સ્થિતિ સિવાય કાળા દેખાતા નથી, તેથી આ ખનિજો વિષમદૈશિક અથવા વિષમદિકધર્મી કહેવાય છે. વિષમદૈશિક ખનિજોના એકાક્ષી અને દ્વિઅક્ષી એ પ્રમાણેના બે પ્રકારો છે. ટેટ્રાગોનલ અને હેક્ઝાગોનલ સ્ફટિકવર્ગનાં ખનિજો એકાક્ષી છે, જ્યારે ઑર્થોરહોમ્બિક, મૉનોક્લિનિક અને ટ્રાયક્લિનિક સ્ફટિકવર્ગનાં ખનિજો દ્વિઅક્ષી છે. કેટલીક વખતે બે વિષમદૈશિક ખનિજોના છેદ સૂક્ષ્મદર્શકની અમુક પ્રકારની ગોઠવણીમાં સમાન પ્રકાશીય ગુણધર્મો બતાવે છે. તેથી આવાં ખનિજોને જુદાં પાડવા માટે તેમની વ્યતિકરણ આકૃતિઓ(inter-ference figures)નો ઉપયોગ કરવામાં આવે છે. આ આકૃતિઓની મદદથી પ્રકાશીય સંજ્ઞા નક્કી કરી શકાય છે. પ્રકાશીય સંજ્ઞા નક્કી કરવા માટે માઇકા પ્લેટ, જિપ્સમ પ્લેટ અને ક્વાર્ટ્ઝ વેજનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપકરણો(accessories)માં તેમની લંબાઈને સમાંતર સ્પંદન-દિશા ધીમી (slow) કે તેજ (fast) હોય છે. જરૂરી અનુષંગી પ્લેટને વ્યતિકરણ-આકૃતિ પર સૂક્ષ્મદર્શકની નળીમાંના રંધ્ર(slot)માં દાખલ કરવામાં આવે છે ત્યારે એકાક્ષી અને દ્વિઅક્ષી ખનિજોની વ્યતિકરણ-આકૃતિઓ પર જુદી જુદી અસર દેખાય છે, જેના અવલોકન પરથી ખનિજની પ્રકાશીય સંજ્ઞા +Ve કે –Ve નક્કી કરી શકાય છે. આમ વિષમદૈશિક ખનિજો +Ve કે –Ve પ્રકાશીય ગુણધર્મવાળાં હોય છે.
એકાક્ષી +Ve ખનિજમાં સામાન્ય કિરણ(ordinary ray)ની ગતિ અસામાન્ય કિરણ(extra-ordinary ray) કરતાં વધુ હોય છે. પરિણામે એકાક્ષી +Ve ખનિજમાં ne > no હોય છે, જ્યારે એકાક્ષી –Ve ખનિજોમાં +Ve ખનિજો કરતાં વિરુદ્ધ લક્ષણ જોવા મળે છે. પરિણામે એકાક્ષી –Ve ખનિજમાં no > ne હોય છે. દ્વિઅક્ષી ખનિજોમાં જ્યારે લઘુકોણ સ્પંદનદિશા Z હોય ત્યારે તે +Ve કહેવાય છે, પરંતુ લઘુકોણ સ્પંદનદિશા X હોય તો તે –Ve કહેવાય છે. (no = સામાન્ય કિરણનો વક્રીભવનાંક, ne = અસામાન્ય કિરણનો વક્રીભવનાંક).
વ્રિજવિહારી દીનાનાથ દવે