પ્રકાશીય અસ્વાભાવિકતાઓ (optical anomalies)
February, 1999
પ્રકાશીય અસ્વાભાવિકતાઓ (optical anomalies) : સૂક્ષ્મદર્શક હેઠળ ખનિજ-છેદોના અભ્યાસ દરમિયાન કેટલીક વખતે ખનિજોમાં જોવા મળતી સ્વાભાવિક ગુણધર્મો કરતાં જુદાં જ લક્ષણો દર્શાવતી ઘટના. સામાન્ય પ્રકાશીય ગુણધર્મની ચલિત થતી સ્થિતિને પ્રકાશીય અસ્વાભાવિકતા કહે છે. સામાન્ય રીતે ખડક-વિકૃતિ દરમિયાન ખનિજોની અણુરચનામાં થતા ફેરફારોને કારણે આ પ્રકારની પ્રકાશીય વિસંગતતાઓ ઉદભવતી હોય છે. નીચેનાં ઉદાહરણોની મદદથી તે સ્પષ્ટ રીતે સમજી શકાય : ગાર્નેટ ખનિજ સામાન્ય સંજોગોમાં તો સમદિક્ધર્મી (isotropic) હોય છે, પરંતુ ક્યારેક તે દ્વિવક્રીભવન (double refraction) પણ બતાવે છે. કેટલાંક એકાક્ષી (uniaxial) ખનિજો ક્યારેક દ્વિઅક્ષી વ્યતિકરણ-આકૃતિ પણ બતાવે છે. ક્વાર્ટ્ઝના છેદમાં જોવા મળતો વાદળ જેવો (undulose) વિલોપ અને કૅલ્સાઇટ તથા ફેલ્સ્પાર ખનિજોમાં ઉદભવતી પરિણામી યુગ્મતા પણ પ્રકાશીય વિસંગતતાનાં ઉદાહરણો છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે