પ્રકાંડ

ભ્રૂણાગ્રમાંથી સૂર્યપ્રકાશની દિશા તરફ વૃદ્ધિ પામતો વનસ્પતિનો અક્ષ. બીજના અંકુરણ દરમિયાન ભ્રૂણાગ્ર સીધો ઉપર તરફ વૃદ્ધિ અને વિકાસ સાધી પ્રરોહનું નિર્માણ કરે છે. પ્રરોહમાં પ્રકાંડ અને તેની શાખાઓ, પર્ણો, કલિકાઓ, પુષ્પો અને તેમાંથી ઉદભવતાં ફળોનો સમાવેશ થાય છે.

આકૃતિ 1 : કોબીજની અગ્રકલિકાનો લંબવર્તી છેદ

શાકીય વનસ્પતિના પ્રકાંડ તેમજ બહુવર્ષાયુ વનસ્પતિના કુમળા પ્રકાંડ ક્લૉરોફિલ ધરાવતા હોવાથી રંગે લીલા દેખાય છે. પ્રકાંડની સપાટી પર વાતવિનિમય માટેનાં જરૂરી રંધ્રો આવેલાં હોય છે. તે શ્વસન, પ્રકાશસંશ્લેષણ અને બાષ્પોત્સર્જન જેવી દેહધાર્મિક ક્રિયાઓમાં મહત્વનો ભાગ ભજવે છે. પ્રકાંડ અને શાખાઓ પર સમાન અંતરે ગાંઠો આવેલી હોય છે. બે ગાંઠો વચ્ચેના પ્રદેશને આંતરગાંઠ (inter- node) કહે છે. પ્રત્યેક ગાંઠ પર એક કે તેથી વધારે પર્ણો ઉદભવે છે. પર્ણ તથા આંતરગાંઠ વચ્ચેના ઉપરના ખૂણાને પર્ણકોણ (leaf axid) કહે છે, જેમાં કક્ષકલિકા (axillary bud) હોય છે. કક્ષકલિકા વિકાસ પામતાં પર્ણયુક્ત શાખામાં પરિણમે છે. દરેક પ્રકાંડ કે શાખાની ટોચ પર એક અગ્રકલિકા વિકાસ પામે છે. અગ્રકલિકાની વૃદ્ધિને લીધે વનસ્પતિની લંબાઈમાં વધારો થાય છે. ઉત્પત્તિસ્થાનને અનુલક્ષીને કલિકાના બે પ્રકાર પડે છે : (1) સ્થાનિક કલિકા અને (2) અસ્થાનિક કલિકા. પ્રકાંડ અગ્ર અને પર્ણની કક્ષમાં આવેલી કલિકાઓને સ્થાનિક કલિકાઓ કહે છે. કોબીજ વનસ્પતિ-સૃષ્ટિની સૌથી મોટી સ્થાનિક અગ્રકલિકા છે. પર્ણફલક, પર્ણકિનારી, પુષ્પવિન્યાસ, મૂળ વગેરે ભાગો પર ઉત્પન્ન થતી કલિકાઓને અસ્થાનિક કલિકાઓ કહે છે.

આકૃતિ 2 : દમયંતીમાં ઉપકલિકા

અમુક વનસ્પતિમાં એક કલિકાને બદલે બે, ત્રણ કે તેથી વધુ કલિકાઓ એક-એકની ઉપર ફૂટે છે. આવી કલિકાને ઉપકલિકા (accessory bud) કહે છે; દા.ત., દમયંતી, બતકવેલ, મધુમાલતી અને રીંગણ. વાનસ્પતિક કલિકાઓ વનસ્પતિના પ્રકાંડ અને તેની શાખાઓની લંબવૃદ્ધિ કરે છે, જ્યારે પુષ્પીય કલિકાઓ લિંગી પ્રજનન માટે પુષ્પનિર્માણ કરે છે.

વનસ્પતિના પ્રરોહ પર ઉદભવતી શાખાઓની વિવિધ પ્રકારની ગોઠવણીને શાખાવિન્યાસ કહે છે. અમુક વનસ્પતિના પ્રરોહમાં મુખ્ય પ્રકાંડ શાખાઓ તેમજ ઉપશાખાઓ ઉત્પન્ન કરતો નથી. આવા પ્રરોહને શાખાવિહીન કહે છે; દા.ત., સાયકસ, તાડ, નાળિયેરી, ખજૂરી, સોપારી. શાખાવિન્યાસના મુખ્ય બે પ્રકાર છે : (1) યુગ્મશાખી (dichotomus) અને (2) પાર્શ્વીય (lateral). મુખ્ય પ્રકાંડની અગ્રકલિકાનું બે સરખા ભાગોમાં વિભાજન થઈ તેઓ સરખો વિકાસ સાધે છે. તેને યુગ્મશાખી શાખાવિન્યાસ કહેવામાં આવે છે. આ પ્રકારનો શાખાવિન્યાસ રિક્સિયા, લાઇકોપોડિયમ, માર્કેન્શિયા, સેલાજિનેલા તેમજ સાયકસના પ્રવાલમૂળ અને રાવણતાડમાં જોવા મળે છે.

આકૃતિ 3 : લાયકોપોડિયમમાં યુગ્યશાખીય શાખાવિન્યાસ

અગ્રકલિકાની કાર્યશીલતા તેમજ સ્થાનને અનુલક્ષીને પાર્શ્વીય શાખાવિન્યાસના બે પ્રકાર પાડવામાં આવે છે : અપરિમિત (racemose) અને પરિમિત (cymose). અપરિમિત પાર્શ્વીય શાખાવિન્યાસમાં પ્રકાંડની મુખ્ય અગ્રકલિકા સતત વૃદ્ધિ પામે છે અને પાર્શ્વીય શાખાઓ અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય છે અને વૃક્ષ શંકુ-આકાર ધારણ કરે છે. આ પ્રકારના શાખાવિન્યાસને એકાક્ષજન્ય (monopodial) શાખાવિન્યાસ પણ કહે છે; દા.ત., આસોપાલવ, સરુ. પરિમિત શાખાવિન્યાસમાં મુખ્ય પ્રકાંડની અગ્રકલિકાની થોડી વૃદ્ધિ પછી પાર્શ્વીય કક્ષકલિકાઓ વૃદ્ધિ કરે છે. તેના ત્રણ પ્રકાર પાડવામાં આવે છે : (1) એકશાખી (uniparous), (2) દ્વિશાખી (biparous) અને (3) બહુશાખી (multiparous).

(1) એકશાખી પરિમિત શાખાવિન્યાસમાં અગ્રકલિકાની નીચેથી ફક્ત એક જ પાર્શ્વીય શાખા ઉત્પન્ન થાય છે.

તેના બે ઉપપ્રકાર જોવા મળે છે : એકત:વિકાસી (helicoid) પરિમિત શાખાવિન્યાસ અને ઉભયત:વિકાસી (scorpoid) પરિમિત શાખાવિન્યાસ. અશોક (Saraca indica) વૃક્ષમાં આ પાર્શ્વીય શાખાઓ ડાબી કે જમણી એમ બેમાંથી ગમે તે એક જ બાજુએ ઉત્પન્ન થાય છે. ઉભયત:વિકાસી એકશાખી પરિમિત શાખાવિન્યાસમાં પાર્શ્વીય શાખાઓમાં વિકાસક્રમ એકાંતરિક રીતે બંને બાજુએ થાય છે; દા.ત., હાડસાંકળ. આ બંને ઉદાહરણોમાં જોવા મળતા મુખ્ય પ્રકાંડને સંયુક્તાક્ષજન્ય (sympodium) કે કૂટ પ્રકાંડ કહે છે.

આકૃતિ 4 : અપરિમિત શાખાવિન્યાસનું લાક્ષણિક સ્વરૂપ

(2) દ્વિશાખી પરિમિત શાખાવિન્યાસમાં અગ્રકલિકાની નીચે આવેલા બે સમ્મુખ પર્ણોની કક્ષકલિકાઓ એકસાથે લગભગ એકસરખો વિકાસ સાધતી બે પાર્શ્વીય શાખાઓ ઉત્પન્ન કરે છે; દા.ત., કરમદી અને ગુલબાસ.

(3) બહુશાખી પરિમિત શાખાવિન્યાસમાં બેથી વધુ કક્ષકલિકાઓ એકીસાથે વિકાસ સાધી બહુશાખી શાખાવિન્યાસ ઉત્પન્ન કરે છે; દા.ત., લાલ કરેણ, ખડચંપો, ક્રોટૉન સ્પેર્સિફ્લોરસ અને યુફૉર્બિયાની કેટલીક જાતિઓ.

આકૃતિ 5 : પરિમિત શાખાવિન્યાસ : (અ) એકશાખી એકત:વિકાસી પરિમિત શાખાવિન્યાસ;
(આ) એકશાખી ઉભયત:વિકાસી પરિમિત શાખાવિન્યાસ

પ્રકાંડ વિવિધ આકારનાં હોય છે : (1) નળાકાર : લીમડો, આંબો, સૂર્યમુખી, વાલ, મકાઈ. (2) ત્રિકોણાકાર : ચિયો, ત્રણખૂણિયો થોર. (3) ચોરસ : હાડસાંકળ, તુલસી, ડમરો, ફુદીનો, ઇંદ્રધનુ. (4) ચપટો : કલક, ફાફડો થોર, રસકસ. (5) ગોળાકાર : એકાઇનોકૅક્ટસ. (6) પોલા નલિકાકાર : વાંસ, ઘાસ, ધાણા, વરિયાળી.

આકૃતિ 5 : (ઇ) દ્વિશાખી પરિમિત શાખાવિન્યાસ; (ઈ) બહુશાખી પરિમિત શાખાવિન્યાસ

મકાઈ અને ગુલબાસ જેવી વનસ્પતિઓના પ્રકાંડની સપાટી લીસી કે સુંવાળી હોય છે. સમુદ્રશોષ, કાંસકી અને શંખાવલી જેવી વનસ્પતિઓના પ્રકાંડ પર રોમનું આચ્છાદન થયેલું હોય છે. આવા પ્રકાંડને રોમિલ કહે  છે. જુદી જુદી વનસ્પતિઓમાં એકકોષીય કે બહુકોષીય રોમ જોવા મળે છે; તે સાદા કે ગ્રંથિમય, સુંવાળા કે બરછટ અને શાખિત કે અશાખિત જોવા મળે છે. વીંછુડા તેમજ કૌવચ જેવી વનસ્પતિઓમાં રોમ પ્રકાંડની સપાટી પર રક્ષણાત્મક રીતે હોય છે. સંસર્ગમાં આવતા પ્રાણીની ચામડીમાં ભોંકાવાથી તે ખૂબ જ ખંજવાળ પેદા કરે છે ને તેથી અસહ્ય વેદના થાય છે. ગુલાબ, દારૂડી, શીમળો, સારસાપરિલા અને ઇંદ્રધનુ જેવી વનસ્પતિઓમાં પ્રકાંડ પર તીક્ષ્ણ, બહિર્જાત કંટકમય રચનાઓ જોવા મળે છે; જેને છાલશૂળ (prickle) કહે છે.

પ્રકાંડના સ્વરૂપ, કાલાવધિ તેમજ સ્થાનને આધારે વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. કઠોળ અને ધાન્યો ઉત્પન્ન કરતી વનસ્પતિઓ પોતાનું જીવનચક્ર એક વર્ષમાં પૂરું કરે છે અને તેમના છોડ કુમળા શાકીય પ્રકાંડના સ્વરૂપમાં જોવા મળે છે. તેમને એકવર્ષાયુ (annual) વનસ્પતિઓ કહે છે. સલગમ, ગાજર અને બીટ જેવી વનસ્પતિઓ પોતાનું જીવનચક્ર બે વર્ષને અંતે પૂરું કરે છે. પ્રથમ વર્ષે કોઈ એક અંગમાં ખોરાકનો સંચય કરે છે. બીજા વર્ષે ખોરાકનો ઉપયોગ કરી પુષ્પ, ફળ અને બીજ ઉત્પન્ન કરી પોતાનું જીવનચક્ર સમાપ્ત કરે છે. આવી વનસ્પતિઓને દ્વિવર્ષાયુ (biannual) કહે છે. લીમડો, વડ, પીપળો વગેરે વનસ્પતિઓ દીર્ઘ જીવનકાળ ધરાવે છે. પ્રકાંડ કાષ્ઠમય અને સખત હોય છે; તેમને બહુવર્ષાયુ (perennial) વનસ્પતિઓ કહે છે.

પ્રકાંડનાં સામાન્ય કાર્યોમાંનું પ્રથમ કાર્ય વનસ્પતિ-શરીરને આધાર આપવાનું અને પર્ણોની વ્યવસ્થિત ગોઠવણી કરવાનું છે. તેથી તે સામાન્ય રીતે કઠણ, મજબૂત અને ટટ્ટાર સ્થિતિમાં જોવા મળે છે; દા.ત., સૂર્યમુખી, મકાઈ, ધંતૂરો, બારમાસી અને કપાસ જેવી વનસ્પતિઓના પ્રકાંડ ટટ્ટાર હોય છે.

કેટલીક વનસ્પતિઓમાં તેમનો પ્રકાંડ હવામાં ટટ્ટાર ઊભો રહી શકતો ન હોવાથી તેવા પ્રકાંડને અશક્ત પ્રકાંડ કહે છે. તે કુમળી પાતળી અને લાંબી આંતરગાંઠો ધરાવે છે. અશક્ત પ્રકાંડો કાં તો જમીન પર ફેલાતા હોય છે; અથવા તો આધારની મદદ લઈ ઊંચે ચઢે છે. શંખાવલી, સાટોડી જેવી વનસ્પતિઓના અશક્ત પ્રકાંડો જમીનની સપાટી પર પથરાયેલા જોવા મળે છે; જેને અનુસર્પી (diffuse) પ્રકાંડો કહે છે. ગળો, અમરવેલ અને આઇપોમિયા જેવી વનસ્પતિઓના અશક્ત પ્રકાંડો આધારને વીંટળાઈને ઊંચે ચઢે છે. તેમને વળવેલ (twiner) કહે છે. કેટલીક વેલ આધાર પર ચઢવા માટે વિશિષ્ટ અંગો ઉત્પન્ન કરે છે. પ્રકાંડનું બીજું સામાન્ય કાર્ય પર્ણોમાં તૈયાર થયેલા ખોરાકને શરીરના જુદા જુદા ભાગો સુધી તેમજ ખોરાક-સંગ્રાહક અંગો તરફ લઈ જવાનું છે. તે દેહધાર્મિક કાર્ય ગણાય. આ સિવાય પ્રકાંડ સંગ્રહ, પોષણ, રક્ષણ, આધાર, પ્રજનન જેવાં વિશિષ્ટ કાર્યો કરવા માટે રૂપાંતરિત થયેલો હોય છે.

(અ) ખોરાક-સંગ્રહ કરનારા, ચિરંજીવિતા લાવનારા તથા વાનસ્પતિક પ્રજનન કરનારા ભૂગર્ભીય પ્રકાંડો : આ પ્રકારના પ્રકાંડો ખાસ કરીને ખૂબ જ પુષ્ટ અને માંસલ હોય છે. તે જમીનની અંદર રહી જીવે છે. પ્રતિકૂળ સંજોગો દરમિયાન ટકી રહેવા માટે પોતાનાં હવામાંનાં અંગો નાશ પામવા છતાં પણ ભૂમિગત ભાગોના ખોરાકનો સંગ્રહ કરે છે. સંગ્રહ કરેલ ખોરાકનો ઉપયોગ કરી અનુકૂળ સમયે  હવામાં રહેનારાં અંગો પેદા કરી પુષ્પ, ફળ વગેરે ધારણ કરી પોતાનું જીવનચક્ર ચાલુ રાખે છે. આ ભૂગર્ભીય અંગો દ્વારા તે વાનસ્પતિક પ્રજનન કરી ચિરંજીવિતા પ્રાપ્ત કરે છે. આવી રચનાઓમાં હરિતકણો ન હોવાથી તેઓ મૂળ જેવા દેખાય છે. તેમને ગાંઠો, આંતરગાંઠો, અગ્રકલિકા તથા કક્ષકલિકાઓ હોવાથી અને તેમની અંત:સ્થ રચના પરથી તેમને પ્રકાંડ ગણવામાં આવે છે.

ગાંઠામૂળી (rhizome) : ગાંઠામૂળી જમીનમાં આડું રહેલું અને સમાંતર વૃદ્ધિ પામતું માંસલ અને પૃષ્ઠવક્ષીય ચપટું ભૂગર્ભીય રૂપાંતર છે. તેમાં હરિતકણો હોતા નથી. તેના પર ગાંઠ, આંતરગાંઠ, શલ્કી પર્ણો, અગ્રકલિકા અને વક્ષ બાજુએથી અસ્થાનિક મૂળો હોય છે. વર્ષાઋતુમાં પૃષ્ઠ બાજુએથી શાખાઓ ફૂટે છે. આ શાખાઓ પર પર્ણસમૂહ વિકાસ પામે છે. તે ખોરાક બનાવે છે અને ભૂગર્ભીય પ્રકાંડમાં સંગ્રહ કરે છે. ઋતુને અંતે તેના પર પુષ્પવિન્યાસ ઉત્પન્ન થાય છે. બીજા વર્ષે વૃદ્ધિ નવી કક્ષકલિકાના વિકાસ દ્વારા ચાલુ રહેતી હોવાથી તેમને સંયુક્તાક્ષીય ગાંઠામૂળી કહે છે. દા.ત., આદુ, હળદર, કેના અને કેળ. હંસરાજ અને પ્ટેરીસની ગાંઠામૂળી જમીનની સપાટીને કાટખૂણે ગોઠવાયેલી હોય છે. તેને પ્રકંદ (rootstock) કહે છે. તે એકાક્ષીય ગાંઠામૂળી છે.

ગ્રંથિલ (tuber) : બટાટાના છોડમાં જમીનની સપાટી પાસે આવેલાં પર્ણોના કક્ષમાંથી ફૂટતી શાખાઓની અગ્રકલિકા કાંજી-સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરી ગોળ અને માંસલ બને છે. તેની ગાંઠો અસ્પષ્ટ હોય છે. તેની સપાટી પર ઘણા નાના ખાડાઓ આવેલા જોવા મળે છે. આ ખાડાઓને આંખ કહે છે. તેમાં કક્ષકલિકા અને શલ્કી પર્ણો આવેલાં હોય છે. અહીં અસ્થાનિક મૂળ જોવા મળતાં નથી. આંખવાળા ભાગને જમીનમાં રોપતાં તે દરેકમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. આમ ગ્રંથિલ ખોરાકનો સંગ્રહ કરતું અને વાનસ્પતિક પ્રજનન કરતું પ્રકાંડનું ભૂગર્ભીય રૂપાંતર છે. જેરૂસલેમ આર્ટિચોક(Helianthus tuberosus)માં ગાંઠ અને શલ્કી પર્ણો જોવા મળે છે. તેની ગ્રંથિલમાં ખોરાક-સંગ્રહ ઇન્યુલિન-સ્વરૂપે થાય છે. ચાઇનીઝ આર્ટિચોક (Stachys tubifera) તેમજ ચીયો ગ્રંથિલનાં બીજાં અગત્યનાં ઉદાહરણો છે.

વજ્રકંદ કે ઘનકંદ (corm) : તે જમીનમાં રહેતું અને એક જ આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ કરી ખૂબ જ પુષ્ટ અને માંસલ ગોળ કે અનિયમિત ગાંઠ જેવું સ્વરૂપ ધારણ કરે છે. તેના પર શલ્કી પર્ણો તેમજ અગ્રકલિકા જમીનની સપાટી તરફ અગ્રમધ્યભાગે જોવા મળે છે. તેની નીચેથી તેમજ બાજુમાંથી અસ્થાનિક મૂળો નીકળે છે. વજ્રકંદ ઉપર આવેલાં શલ્કી પર્ણોમાંની કક્ષકલિકા પ્રતિવર્ષે બાલ-વજ્રકંદો ઉત્પન્ન કરે છે. વજ્રકંદ ખોરાકનો સંગ્રહ કરવા ઉપરાંત વાનસ્પતિક પ્રજનનનું કાર્ય પણ કરે છે. સૂરણ અને ગ્લેડિયોલસના વજ્રકંદમાં ભૂત, વર્તમાન અને ભાવિ વજ્રકંદ – એમ ત્રણેય અવસ્થાઓ જોવા મળે છે. અળવી અને કેસરમાં પણ વજ્રકંદ જોવા મળે છે.

આકૃતિ 6 : પ્રકાંડનાં ભૂગર્ભીય ખોરાકસંગ્રહી રૂપાંતરો :
(અ) આદુની ગાંઠામૂળી

આકૃતિ 6 : (આ) ગ્રંથિલ : (1) બટાટા

આકૃતિ 6 : (આ) ગ્રંથિલ : (2) જેરૂસલેમ આર્ટિચોક

આકૃતિ 6 (ઇ) : (1) સૂરણ (2) કેસર

આકૃતિ 6 : (ઈ) કંદ : (1) આવરિત કંદ–ડુંગળી, (2) આવરિત કંદલિલિયમ

કંદ (bulb) : અત્યંત સંકુચિત પ્રકાંડ પર સમકેન્દ્રિત રીતે ગોઠવાયેલાં માંસલ શલ્કપર્ણો ધરાવતી ભૂગર્ભીય રચનાને કંદ કહે છે. પ્રકાંડ પર ગાંઠો સૂક્ષ્મ અંતરે આવેલી હોવાથી આંતરગાંઠ-પ્રદેશ નહિવત્ હોય છે. સંકુચિત પ્રકાંડને એક અગ્રકલિકા અને એક કે તેથી વધુ કક્ષકલિકાઓ હોય છે. પ્રકાંડના નીચેના ભાગેથી અસ્થાનિક મૂળનો ગુચ્છ નીકળે છે. પ્રકાંડ પરથી હવામાં લાંબાં, લીલાં અને ભૂંગળી જેવાં પર્ણો ફૂટે છે, જે ખોરાક તૈયાર કરી જમીનમાં રહેલાં પર્ણતલોમાં સંગ્રહે છે. આ પર્ણતલો તેથી જાડાં અને માંસલ બને છે અને એકબીજાંને આવરતાં હોય છે. કંદના ત્રણ પ્રકાર છે :

(1) આવરિત (tunicated) કંદ : આ પ્રકારનો કંદ સૌથી બહારનાં પરંતુ શુષ્ક પાતળાં, સફેદ કે સહેજ ગુલાબી રંગનાં શલ્કી પર્ણો વડે ઢંકાયેલો હોય છે. ડુંગળી તથા ગુલછડીના કંદમાં માંસલ શલ્કપર્ણોની ગોઠવણી સમકેન્દ્રિત હોય છે.

(2) અનાવરિત કંદ (scaly or imbricate) : આ પ્રકારના કંદમાં પુષ્ટ પર્ણતલો એકબીજાની કિનારીએથી જ અડકેલાં અને મુક્ત હોય છે. આ કંદ શુષ્ક, પાતળા શલ્કી આવરણ વડે ઢંકાયેલો હોતો નથી; દા.ત., અબૂટી, લિલિયમ.

(3) સંયુક્ત કંદ : લસણમાં છૂટાં છૂટાં આવેલાં પર્ણો ખોરાકનો સંગ્રહ ન કરતાં પાતળાં હોય છે. પરંતુ કક્ષકલિકાઓ ખોરાકનો સંગ્રહ કરી માંસલ બની એકબીજાંને અડોઅડ રહેલી હોય છે. પ્રત્યેક ખોરાકસંગ્રહી કલિકા અને સમગ્ર કંદ ચોફેરથી સૂકાં અને ધોળાં શલ્કી આવરણોથી ઢંકાયેલાં હોય છે. તેથી તેને સંયુક્ત કંદ કહે છે. લસણની પ્રત્યેક કલિકા વાનસ્પતિક પ્રજનનનું અસરકારક અંગ છે.

(આ) વાનસ્પતિક પ્રજનન તથા ચિરંજીવિતા માટેનાં ઉપવાયવ (subaerial) રૂપાંતરો : શાકીય સ્વરૂપની અશક્ત પ્રકાંડવાળી વનસ્પતિઓ વિશિષ્ટ પ્રકારની શાખાઓ દ્વારા બાલ-વનસ્પતિઓ ઉત્પન્ન કરે છે. આ વનસ્પતિઓ અલ્પજીવી હોવા છતાં પણ વાનસ્પતિક પ્રજનન દ્વારા ચિરંજીવી સમૂહ તરીકે વર્તે છે. તેમના ચાર પ્રકારો નીચે પ્રમાણે છે :

(i) ઉપરિભૂસ્તારી (runner) : ઘાસ, દૂર્વા, સ્ટ્રૉબેરી, બ્રાહ્મી, રતવેલીઓ (lippa), શીશમૂળિયું (commelina) અને ઉંદરકાની જેવી વનસ્પતિઓમાં અશક્ત લાંબી આંતરગાંઠોવાળો પ્રકાંડ મુખ્ય વનસ્પતિ(માતૃછોડ)ની ચારે તરફ જમીનની સપાટી પર પથરાય છે. તેની ગાંઠો જમીનના સંપર્કમાં આવતાં વક્ષભાગમાંથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે અને પૃષ્ઠભાગમાંથી પર્ણો ફૂટે છે. આમ નવી બાલ-વનસ્પતિ ઉત્પન્ન થાય છે; જે સ્વતંત્ર રીતે ઊછરી શકે છે.

(ii) ભૂસ્તરિકા (offset) : જળશૃંખલા (Pistia stratiotes), આઇકૉર્નિયા જેવી જલીય વનસ્પતિઓમાં ભૂસ્તારી સાથે સામ્ય દર્શાવતી વિશિષ્ટ પ્રકાંડ-શાખાઓ વિકાસ પામે છે, પરંતુ તે પ્રમાણમાં બહુ ટૂંકી અને જાડી અને એક જ આંતરગાંઠની બનેલી હોય છે. તેની ગાંઠની નીચેની સપાટીએથી અસ્થાનિક મૂળ અને ઉપરની સપાટીએથી પર્ણો સમૂહમાં નીકળે છે

આકૃતિ 7 : પ્રકાંડનાં ઉપવાયવ રૂપાંતરો : (અ) ઉપરિભૂસ્તારી અબૂટી

આકૃતિ 7 : (આ) ભૂસ્તારિકા-આઇકૉર્નિયા; (ઇ) અંત:ભૂસ્તારી-ગુલદાઉદી; (ઈ) વિરોહ-પીપરમીંટ

(iii) અંત:ભૂસ્તારી (sucker) : ફુદીનો અને ગુલદાઉદી જેવી વનસ્પતિઓમાં પ્રકાંડ જમીનમાં થોડા અંતર સુધી ત્રાંસા વધે છે અને છેવટે જમીનની બહાર હવામાં આવે છે. હવામાંની શાખા પર પર્ણો ઉદભવે છે. શાખાના જમીનના ભાગની ગાંઠો પર અસ્થાનિક મૂળો ઉત્પન્ન થાય છે. આમ અનેક અંત:ભૂસ્તારીઓ મુખ્ય છોડની આજુબાજુ વિકાસ પામે છે. દરેક બાલછોડ સ્વતંત્ર વિકાસ પામે છે.

(iv) વિરોહ (stolon) : હંસરાજ, જળસરપોલિયાં અને પીપરમિન્ટ જેવી વનસ્પતિઓમાં મુખ્ય પ્રકાંડ ભૂગર્ભીય હોય છે. પર્ણની કક્ષમાંથી નીકળતી શાખાઓ જમીનથી થોડે ઊંચે હવામાં વૃદ્ધિ પામી કમાનની જેમ વાંકી વળે છે, જેથી અગ્રકલિકા જમીનના સંપર્કમાં આવે છે. તે જ્યાં જમીનના સંપર્કમાં આવે છે ત્યાં નીચેની સપાટી તરફ અસ્થાનિક મૂળ અને ઉપરની સપાટીએ પર્ણ-સમૂહ ઉત્પન્ન કરે છે. આમ નવી બાલ-વનસ્પતિનું સર્જન થાય છે.

(ઇ) વાયવ (aerial) રૂપાંતરો : (1) પોષણ કે પ્રકાશસંશ્લેષણ : રણપ્રદેશમાં ઊગતી વનસ્પતિઓમાં પાણીની અછત હોવાને કારણે પર્ણો ખૂબ નાનાં કે સંપૂર્ણ ગેરહાજર હોય છે. તેથી બાષ્પોત્સર્જનથી થતો પાણીનો વ્યય અટકાવી શકાય છે. આવી પરિસ્થિતિમાં પર્ણનું કાર્ય પ્રકાંડ ઉપાડી લે છે અને પ્રકાંડ પર્ણો જેવા લીલા, પહોળા, સપાટ અને ચપટા ભાગોમાં રૂપાંતરિત થાય છે. તેના બે પ્રકાર છે :

આકૃતિ 8 : પ્રકાંડના પ્રકાશસંશ્લેષણના કાર્ય માટે રૂપાંતરો : (અ) પર્ણકાર્યસ્તંભ : (1) ફાફડો થોર; (2) કલક; (આ) એકપર્વીય પર્ણકાર્યસ્તંભ : (1) શતાવરી, (2) કસાઈનું ઝાડુ

(i) પર્ણકાર્યસ્તંભ (phylloclade) : ફાફડો થોર, વિલાયતી ખરસાણી, ખરસાણી, ગોળ કંટાળ, ત્રિધારો થોર, ચોધારો વાડથોર, કલક અને સરુ જેવી વનસ્પતિઓમાં પર્ણો જેવો બનતો ભાગ કાં તો સંપૂર્ણ વનસ્પતિનું અથવા શાખાઓનું અથવા શાખાની એક કરતાં વધારે આંતરગાંઠોનું થયેલું રૂપાંતર હોય છે. તેમના પર ગાંઠ, આંતરગાંઠ, શલ્કી પર્ણો કે પર્ણોનું કંટકમય રૂપાંતર, કલિકાઓ, શાખા તેમજ પુષ્પો જેવી પ્રકાંડની લાક્ષણિકતાઓ જોઈ શકાય છે.

આકૃતિ 9 : રક્ષણ – (અ) અગ્રકંટક–કરમદી; (આ) કક્ષીય કંટક-દમયંતી

(ii) એકપર્વીય પર્ણકાર્યસ્તંભ (cladode) : શતાવરી અને કસાઈનું ઝાડુ (Ruscus) જેવી વનસ્પતિઓમાં પ્રકાંડની ફક્ત એક જ આંતરગાંઠનું લીલી પર્ણ જેવી રચનામાં રૂપાંતર થયેલું હોય છે. તેને એકપર્વીય પર્ણકાર્યસ્તંભ કહે  છે. શતાવરીમાં પ્રકાંડ અશક્ત હોય છે. જેથી તેને અશક્ત પ્રકાંડ ધરાવતી વળવેલ કહેવામાં આવે છે. તેના મુખ્ય પ્રકાંડ પર આવેલાં પર્ણો કંટમાં રૂપાંતર પામેલાં હોય છે. તેની શાખાઓ પર સૂક્ષ્મ કથ્થાઈ રંગનાં શલ્કી પર્ણો હોય છે. ગાંઠો પર આવેલાં શલ્કી પર્ણના કક્ષમાંથી લીલી, ટૂંકી શાખાઓ એક જ આંતરગાંઠની બનેલી બેથી પાંચના ગુચ્છમાં આવેલી હોય છે. તે પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.

આકૃતિ 10 : આધાર (આરોહણ) : (અ) અગ્રીય પ્રકાંડસૂત્ર – હાડસાંકળ; (આ) કક્ષીય પ્રકાંડસૂત્ર – કૃષ્ણકમળ; (ઇ) પુષ્પવિન્યાસ અક્ષસૂત્ર – આઇસક્રીમવેલ

(2) રક્ષણ : રણપ્રદેશની વનસ્પતિઓમાં બાષ્પોત્સર્જનનો દર ઘટાડવા તેમજ ચરતાં ઢોરો(તૃણાહારી પ્રાણીઓ)થી વનસ્પતિને રક્ષણ મળે એ માટે પ્રકાંડમાંથી પરિમિત વૃદ્ધિ દર્શાવતી તીક્ષ્ણ અને સખત શાખા-રચનાઓ ઉદભવે છે; જેમને પ્રકાંડ-કંટક (thorn) કહે છે. તે પ્રકાંડમાં ઊંડે સ્થાપિત થયેલા હોય છે, પ્રકાંડમાં આવેલા વાહીપુલો સાથે સીધી રીતે જોડાયેલા હોય છે અને તે સહેલાઈથી તોડી શકાતા નથી. આવા કંટકો અગ્રકલિકા અથવા કક્ષકલિકાનાં રૂપાંતરો હોય છે. કરમદીમાં શાખાની અગ્રકલિકાની વૃદ્ધિ કુંઠિત થઈને દ્વિશાખિત તીક્ષ્ણ પ્રકાંડ-કંટકમાં પરિણમે છે, જેને અગ્રકંટક કહે છે. વીકળો, ઇંગોરિયો, દાડમ અને મેંદીમાં કંટકો કક્ષકલિકાનું રૂપાંતર છે. તેમના પર પર્ણ, પુષ્પ તથા ફળનું નિર્માણ થયેલું જોવા મળે છે.

આકૃતિ 11 : પ્રકલિકા : (અ) કક્ષીય પ્રકલિકા-કનક; (આ) પુષ્પીય પ્રકલિકા-રામબાણ

(3) આધાર : અશક્ત પ્રકાંડવાળી વનસ્પતિઓ પર્ણોની યોગ્ય ગોઠવણી માટે પ્રકાંડના કોઈક ભાગને સ્પર્શસંવેદી પાતળા તંતુમય પ્રવર્ધમાં રૂપાંતરિત કરે છે. તેને પ્રકાંડસૂત્ર કહે છે. હાડસાંકળમાં અગ્રકલિકાનું પ્રકાંડસૂત્રમાં રૂપાંતર હોય છે; તો કૃષ્ણકમળમાં પ્રકાંડસૂત્ર કક્ષકલિકાનું રૂપાંતર હોય છે. આઇસક્રીમવેલ(Antigonon)માં પુષ્પવિન્યાસ અક્ષ અને તેની ટોચે આવેલાં કેટલાંક અવિકસિત પુષ્પોના પુષ્પદંડ સૂત્રમાં રૂપાંતર પામતા હોય છે.

(4) વાનસ્પતિક પ્રજનન : પ્રકાંડ, મૂળ, પર્ણ જેવાં વાનસ્પતિક અંગો દ્વારા વાનસ્પતિક પ્રજનન શક્ય બને છે. પ્રકાંડ આ પ્રકારના પ્રજનનમાં અગત્યનો ભાગ ભજવે છે. આદુ, હળદર, કેના, બટાટા, સૂરણ, અળવી, ડુંગળી, લસણ, અબૂટી જેવી વનસ્પતિઓમાં ભૂગર્ભીય પ્રકાંડો કલિકાઓ ધારણ કરે છે અને અનુકૂળ વાતાવરણમાં સંચિત ખોરાકનો ઉપયોગ કરી નવી બાલ-વનસ્પતિઓ ઉત્પન્ન કરે છે. ઉપરિભૂસ્તારી, ભૂસ્તરિકા, અંત:ભૂસ્તારી અને વિરોહ જેવા વિશિષ્ટ ઉપવાયવ પ્રકાંડો જે ઘાસ, હંસરાજ, ફુદીનો, આઇકૉર્નિયામાં જોવા મળે છે, તેમના દ્વારા પણ વાનસ્પતિક પ્રજનન શક્ય બને છે. કનકમાં કક્ષકલિકા ખોરાકનો સંગ્રહ કરી ગોળ કે અનિયમિત આકાર ધારણ કરે છે. આવી વિશિષ્ટ રચનાને પ્રકલિકા (bulbil) કહે છે. આવી પ્રકલિકા માતૃછોડ પરથી છૂટી પડી જમીનના સંપર્કમાં આવતાં તે નવો બાલ-છોડ ઉત્પન્ન કરી શકે છે. રામબાણમાં પુષ્પીય કલિકા પુષ્પના વિવિધ અવયવો ઉત્પન્ન કરવાને બદલે ખોરાકસંગ્રહ કરી પુષ્પીય પ્રકલિકામાં પરિણમે છે. આમ જુદાં જુદાં વાનસ્પતિક અંગો દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે.

મધુસૂદન જાંગીડ