પ્યુમીસ (pumice) : આછા રાખોડી-શ્વેત રંગનો, જ્વાળામુખીજન્ય, વિશેષ સિલિકાધારક લાવાના ફીણમાંથી બનેલો, વધુ પડતો કોષમય કુદરતી કાચ. ખનિજીય બંધારણની ર્દષ્ટિએ સામાન્ય રીતે તે રહાયોલાઇટને સમકક્ષ, પરંતુ અસંખ્ય કોટરોથી ભરપૂર હોય છે. સંજોગભેદે તે ગઠ્ઠાઓ કે કણિકાને સ્વરૂપે પણ જમાવટ પામતો હોય છે, ક્વચિત્ તે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના સૂક્ષ્મ સ્ફટિકો ધરાવતો હોવાનું માલૂમ પડેલું છે. જ્વાળામુખીના પ્રસ્ફુટન વખતે અતિ ગરમ લાવા હવામાં સ્ફોટક રીતે ફેંકાઈને સપાટી પર પડી વહે ત્યારે જો ઘનીભવન થવા માટે પૂરતો સમય ન મળે તો ખનિજ-સ્ફટિકો બની શકતા નથી, પરંતુ ત્વરિત ઠરી જવાથી કાચમય કણરચના તૈયાર થતી હોય છે; આ ક્રિયા દરમ્યાન તેમાં રહેલા વાયુઓ બહાર નીકળી જવા માટે ઉપર તરફ વિસ્તરીને ઊડી જતા હોવાથી ઉપરના થરમાં ઘણાં સૂક્ષ્મ કાણાં રહી જાય છે, જેને કારણે કોષમય રચના તૈયાર થાય છે. કોષમય રચના હવાના અસંખ્ય પરપોટા ધરાવે છે, તેથી ઘણાં સપ્તાહો માટે, જ્યાં સુધી આવો ખડક પાણીથી તરબતર ન બની રહે ત્યાં સુધી, તે પાણી પર તરતા રહેવાની ક્ષમતાવાળો બની રહે છે. તેના મૂળ સ્થાનેથી તે 6,400 કિમી.ના અંતર સુધી તરતો રહેલો હોવાનું નોંધાયેલું છે. આમ તે વધુ પડતો છિદ્રાળુ અને તદ્દન ઓછી વિશિષ્ટ ઘનતાવાળો ખડકપ્રકાર ગણાય છે.
લાક્ષણિક પ્યુમીસ રહાયોલાઇટ કે ડેસાઇટ જેવા સિલિકા-બંધારણવાળો હોય છે, અર્થાત્ તેમાં રહાયોલાઇટની જેમ જ સિલિકાનું વિશેષ અને લોહ-મૅગ્નેશિયમનું તદ્દન ઓછું પ્રમાણ હોય છે. આ ઉપરાંત હલકામાં હલકો અને અત્યંત કોષમય પ્યુમીસ ક્યારેક બેસાલ્ટિક બંધારણવાળો પણ હોઈ શકે છે. બેસાલ્ટિક-પ્યુમીસ સ્કોરિયા તરીકે ઓળખાય છે. તે ઘેરા રંગવાળો હોય છે અને તેથી શુભ્રરંગી, વધુ સિલિકાયુક્ત રહાયોલાઇટ-પ્યુમીસથી અલગ પડી આવે છે. સ્કોરિયામાંની કોષયુક્ત રચના ખડકના મોટાભાગનું કદ આવરી લે છે, જેની સછિદ્રતા 95%થી પણ ક્યારેક વધી જાય છે.
પશ્ચિમ યુ.એસ.ના કેટલાક જ્વાળામુખીજન્ય વિસ્તારો, ખાસ કરીને ઑરેગૉન અને કૅલિફૉર્નિયામાં પ્યુમીસ જોવા મળે છે. દક્ષિણ ઇટાલીથી થોડેક દૂર લિપારી ટાપુઓમાં, ઑસ્ટ્રિયા, ફ્રાન્સ, રહાઇન ખીણ, જાપાન અને ન્યૂઝીલૅન્ડમાંથી પણ પ્યુમીસ મળે છે.
પ્યુમીસ ઘર્ષક તરીકે, તેમજ ચૂર્ણસ્વરૂપે ચમક (ઓપ) આપવાના દ્રવ્ય તરીકે ઉપયોગમાં લેવાય છે. તે અવાહક હોવાથી, તેને કચરીને ચૂર્ણ બનાવીને પ્લાસ્ટર અને સિમેન્ટ જેવા હેતુઓમાં પણ વાપરવામાં આવે છે.
ગિરીશભાઈ પંડ્યા