પો–ચૂ–ઈ (જ. 28 ફેબ્રુઆરી 772, હોનાન; અ. 8 સપ્ટેમ્બર 846 Lyoyang, ચીન) : ચીની કવિ. મુખ્યત્વે બૅલેડ કાવ્યો અને વ્યંગ્ય કવિતા માટે વિખ્યાત. સામાન્ય જનતા સમજી શકે તેવી કવિતા સર્જવાના આગ્રહી. તેમના કુટુંબમાં મોટા ભાગના સભ્યો કવિઓ અને અધિકારીઓ હતા. 794માં પિતાના નિધનથી સિવિલ સર્વિસની પરીક્ષાના અભ્યાસમાં વિક્ષેપ ઊભો થયો. 800માં તેઓ રાજધાની ચેંગ ઍન ગયા. ત્યાં ચીન શીનની પદવી પ્રાપ્ત કરી ત્રણેક વર્ષ બાદ સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં સચિવાલયમાં ડિપાર્ટમેન્ટ ઑવ્ આર્કાઇવ્ઝમાં નોકરી મળી; ત્યાં તેમને ઘણા સાહિત્યકાર મિત્રોનો પરિચય થયો. તેમાંથી યુઆન-ચેન અને લી-યુ-શી જેવા મિત્રો જીવનભર સારા દોસ્તો રહ્યા. 806માં તે ચોઉ-ચીહના મૅજિસ્ટ્રેટ બન્યા. તેમનું કામ કર-ઉઘરાણીના કેસોનો નિકાલ કરવાનું હતું. કામગીરી દરમિયાન લોકોની યાતનાઓનો તેમને પરિચય થયો. 807માં હાન-લીન એકૅડેમીના સભ્ય તરીકે તેમની નિમણૂક થઈ. 811માં માતાનું નિધન અને થોડાક સમય બાદ પોતાના શિયા-કૂઈમાં નિવાસ દરમિયાન પુત્રીનું અવસાન. આ આઘાતોને કારણે છેક 814 સુધી સ્વાસ્થ્ય કથળેલું રહ્યું. વળી પાછા તેઓ રાજધાની પાછા ફર્યા; ત્યાં તેમને ઈસ્ટર્ન પૅલેસમાં જુનિયર કાઉન્સલર ટુ ધ ક્રાઉન પ્રિન્સની પદવી આપવામાં આવી.
આ સમયગાળા દરમિયાન તેમણે સાહિત્યસર્જન કર્યું. તેમનાં જાણીતાં કાવ્યો ‘બૅલેડ ઑવ્ ધી એવરલાસ્ટિંગ સૉરો’, ‘સૉંગ્ઝ ઑવ્ ધ લડ ઑવ્ ચીન’ અને ‘ન્યૂ મ્યુઝિક બ્યૂરો પોએમ્સ’ આ સમયમાં રચાયેલાં છે. તેમનાં કાવ્યોમાં તેમણે લશ્કરવાદ, ભારે કરવેરા, અતિ ખર્ચાળ ન્યાયતંત્ર, અધિકારીઓનું માનસ અને દમનવૃત્તિ જેવા વિષયો ઉપર કલમ ચલાવી છે.
તે સમયમાં હીજડાઓના એક શક્તિશાળી વૃંદનું સરકારમાં વર્ચસ હતું. કવિએ પોતાનાં કાવ્યોમાં તેમને પણ લક્ષ્ય બનાવ્યા, પણ 815માં કવિ પોતે જ આ હીજડાઓનાં કરતૂતોનો શિકાર બની ગયા, અને તેમની બદલી થઈ. તેમને ચિયાંગ-ચોઉમાં ઊતરતી પાયરી ઉપર મોકલવામાં આવ્યા. ત્યાં નોકરીની ખાસ કામગીરી હતી નહિ. તેથી તેમનો સમય હરવાફરવામાં અને કાવ્યો લખવામાં પસાર થતો. અહીંથી તેમણે ‘બૅલેડ ઑવ્ ધ લ્યૂટ’ અને 800 જેટલી કાવ્યરચનાઓનો સંગ્રહ પ્રગટ ર્ક્યો. આ સમય દરમિયાન પોતાના સાહિત્યકાર મિત્રને એક પત્રમાં સાહિત્ય તરફનો પોતાનો અભિગમ રજૂ કર્યો છે : ‘‘સાહિત્યકારે પોતાની પેઢીના લોકોની સેવા માટે સાહિત્યનું સર્જન કરવું જોઈએ. તેનાં કાવ્યોમાં જાહેર જીવનની ઘટનાઓ પ્રતિબિંબિત થતી હોવી ઘટે.’’
818માં પો-ચૂ-ઈની નિયુક્તિ ચુંગ-ચોઉના ગવર્નર તરીકે થઈ, જ્યાં તેમણે ‘બૅમ્બૂ સ્પ્રિંગ સૉંગ્ઝ’ રચ્યાં. તેમાંનાં મોટા ભાગનાં કાવ્યોમાં સ્થાનિક રીત-રિવાજોનું વર્ણન મળે છે. 820માં ફરી વાર તેમને રાજધાની પરત બોલાવી ‘બૉર્ડ ઑવ્ પનિશમેન્ટ’માં કોઈ નાનકડા હોદ્દા ઉપર નિયુક્ત કરવામાં આવ્યા. રાજકીય તડીપારીમાંથી આ મુક્તિ હતી; પણ તે કોઈ ખાસ આનંદની ઘટના ન બની, કારણ કે તેઓ પોતે બીજા અનેક રાજકીય કાવાદાવા અને ભ્રષ્ટાચારના સાક્ષી બની રહ્યા.
831-833ના સમયગાળા દરમિયાન હોનાન(લોયાન્ગ)ના મેયર તરીકે તેમણે સેવા આપી. પાછલાં વર્ષો કોઈ ખાસ કામના બોજા વિના શાંતિમય રીતે ત્યાં પસાર થયાં.
પંકજ જ. સોની