પોલો : ‘હૉર્સ પોલો’ નામે ઓળખાતી અને દરેક ટુકડીમાં ચાર ઘોડેસવાર ખેલાડીઓ દ્વારા રમાતી મર્દાનગીભરી દડારમત. દરેક ટુકડી દડાને લાકડી વડે ફટકારી સામેની ટુકડીના ગોલમાં મોકલી, ગોલ કરવા પ્રયત્ન કરે છે. ખેલાડીઓ સામાન્યત: તેમના ઘોડાને ડાબા હાથ વડે નિયંત્રિત કરે છે; કારણ કે રમતની લાકડી જમણા હાથે પકડવાની હોય છે.

સુસજ્જ પોલો-ખેલાડી

નિયત સમયમર્યાદામાં વધારે સંખ્યામાં ગોલ કરનાર ટુકડી વિજેતા ગણાય છે. દરેક રમત (સ્પર્ધા) સામાન્યત: 7થી 8 હિસ્સા(ચક્કર)માં વહેંચાયેલી હોય છે અને રમતનો કુલ સમય 56 મિનિટનો હોય છે.  રમત હરિયાળી (ટર્ફ) પર રમાય છે. પોલોનું મેદાન 274.2 મી. × 146.2 મી. અને બંને ગોલ વચ્ચેનું અંતર 228.5 મી. હોય છે. બે ગોલસ્તંભ વચ્ચેનું અંતર 7.3 મી. અને ઊંચાઈ 3.05 મી. હોય છે. દડાનો વ્યાસ 8.8 સેમી.થી વધારે નહિ અને વજન 158.8 ગ્રા.થી વધુ ન હોવું જોઈએ.

મૂળે ઈરાન દેશની આ રમત પૌરસ્ત્ય દેશોમાં પ્રસાર પામી અને બ્રિટિશ અમલ દરમિયાન હિંદુસ્તાનમાં આવેલા બ્રિટિશ અધિકારીઓ દ્વારા ઓગણીસમી સદીમાં ઇંગ્લૅન્ડમાં તે પ્રચલિત બની. ત્યાંથી પછી દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ, ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના વગેરે દેશોમાં તે પ્રચાર-પ્રસાર પામી. સૌપ્રથમ પોલો-ક્લબ ભારતમાં કૉલકાતા ખાતે 1862માં અને ઇંગ્લૅન્ડમાં લંડન ખાતે 1872માં સ્થપાઈ. ભારતે વિશ્વકક્ષાના-પોલો ખેલાડીઓ આપ્યા છે; જેમાં જયપુર, જોધપુર, ભોપાલ, રતલામ, કિસનગઢ, અલવર, પતિયાલા, બારિયા વગેરે રાજ્યોનો નોંધપાત્ર ફાળો છે. વિશ્વકક્ષાએ આ રમતનું નિયંત્રણ લંડનની ‘હર્લિંગહામ ક્લબ’ કરે છે. રમત માટેના પ્રમાણભૂત નિયમો પણ આ સંસ્થાએ જ ઘડીને વિશ્વને આપ્યા છે.

પોલો રમતમાંથી રૂપાંતર પામી ઉદભવેલા અન્ય પ્રચલિત રમતપ્રકારો પણ છે : (1) ઘોડાને બદલે સાઇકલ પર બેસી રમાતી સાઇકલ-પોલો રમત. (2) તરણકુંડમાં તરતાં તરતાં રમાતી વૉટર-પોલો રમત. (3) પાણીમાં હોડકામાં બેસી રમાતી કેનો-પોલો રમત.

ચિનુભાઈ શાહ