પોચો સડો : ફૂગ અને જીવાણુઓના આક્રમણને લીધે ફળ અને શાકભાજીમાં થતો રોગ. તે મુખ્યત્વે ફળ અને શાકભાજીને અપૂરતાં હવા-ઉજાસવાળી પેટીમાં ભરી, અપૂરતી કાળજી રાખી તેમની હેરફેર કરવાથી થાય છે. આ સૂક્ષ્મ પરોપજીવીઓ કૃત્રિમ જખમ દ્વારા ફળમાં પ્રવેશ કરે છે અને તેની વૃદ્ધિ થતાં ફળ પોચું થઈ સડી જાય છે. દૂષિત ફળ પોચું રહેવાથી રોગને ફળના પોચા સડા તરીકે ઓળખવામાં આવે છે.
કેરી, ચીકુ અને જામફળ જેવા ફળને ઝાડ ઉપરથી ઉતારતી વેળાએ ઝાડની ડાળી જમીન સાથે અથડાતાં ઘણી વાર ફળો ઉપર જખમ થાય છે. આ જખમવાળાં ફળો હવાચુસ્ત ખોખામાં ભરી પકવતાં અથવા વેચાણ માટે હેરફેર કરવાના ગાળા દરમિયાન રોગના સૂક્ષ્મજીવોના આક્રમણનો ભોગ થતાં સડો આખા ફળમાં પ્રસરે છે. કેટલાક કિસ્સાઓમાં સડતા ફળમાંથી પ્રવાહી બહાર નીકળે છે અને રોગ સાથે રાખેલાં બીજાં ફળોમાં પણ ફેલાય છે.
પીથિયમ નામની ફૂગ આદુનો પોચો સડો કરે છે. આ ફૂગ જમીનજન્ય હોવાથી છોડની વૃદ્ધિ દરમિયાન તે થડમાં પ્રવેશ કરે છે. પરિણામે છોડ પીળા થઈ મરી જાય છે. રોગિષ્ઠ આદુનો ગમે તેમ સંગ્રહ કરવાથી, સંગ્રહ દરમિયાન પણ આદુને પોચો સડો લાગે છે. નિતાર વિનાની, પાણી ભરાઈ રહેતી જમીનમાં રહેલા આદુને પોચા સડાના રોગથી વિશેષ નુકસાન થાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ