પૉલ, સ્વરાજ (જ. 18 ફેબ્રુઆરી 1931, જલંધર) : ભારતીય મૂળના ઇંગ્લૅન્ડના ઉદ્યોગપતિ, ત્યાંની ઉમરાવસભાના સભ્ય, અગ્રણી દાનવીર અને રાજકારણી. હાલના હરિયાણા રાજ્યના હિસાર જિલ્લાના ખેડૂતકુટુંબમાં જન્મ. પિતાનું નામ પ્યારેલાલ અને માતાનું નામ માંગવતી. દેશના ભાગલા પૂર્વે લાહોરમાં વ્યાપાર કરતા આ પરિવારે 192૦ના અરસામાં તે વખતના પંજાબ પ્રાંતના જલંધર શહેરમાં સ્થળાંતર કર્યું અને ત્યાં એક નાનું કારખાનું શરૂ કર્યું. 1945માં સ્વરાજ મૅટ્રિકની પરીક્ષામાં પાસ થયા અને ત્યારબાદ બે વર્ષ (1945-47) લાહોર ખાતેની ફોરમન ક્રિશ્ચિયન કૉલેજમાં અભ્યાસ કર્યો. 1947માં દેશના ભાગલા પડ્યા બાદ જલંધર કૉલેજમાં દાખલ થયા અને 1949માં ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક કક્ષાની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ મિકૅનિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકાની જાણીતી શિક્ષણ-સંસ્થા મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં દાખલ થયા, જ્યાંથી 1952માં એક જ વર્ષમાં સ્નાતક અને અનુસ્નાતક બંને સ્તરની પદવીઓ પ્રાપ્ત કરી. માર્ચ, 1953માં સ્વદેશ પાછા ફર્યા અને થોડાક સમય માટે કૉલકાતા ખાતેના કુટુંબના વ્યવસાયમાં વ્યસ્ત રહ્યા. જાન્યુઆરી, 1954માં પોલાદ ખરીદવાનો કરાર કરવાના હેતુથી સોવિયેત સંઘની મુલાકાત લીધી. વ્યાપારાર્થે તે દેશની મુલાકાત લેનાર તેઓ ખાનગી ક્ષેત્રના પ્રથમ ભારતીય નાગરિક હતા. 1966માં પુત્રીની સારવાર માટે ઇંગ્લૅન્ડ ગયા અને તેના અવસાન (1968) સુધી ત્યાં જ રહ્યા. ત્યારબાદ ઇંગ્લૅન્ડ અને યુરોપના દેશો સાથેના પોલાદના વ્યાપારમાં ઝંપલાવ્યું. થોડાક સમય બાદ લંડનની નજીક હન્ટિન્ગડન ખાતે ‘નૅચરલ ગૅસ ટ્યૂબ્ઝ લિમિટેડ’ નામનું કારખાનું સ્થાપ્યું, જે પાછળથી ‘કેપારો ગ્રૂપ’ સંકુલમાં પરિણમ્યું. આજે આ સંકુલ 5૦ કરોડ પાઉંડનું મૂડીરોકાણ ધરાવે છે. 1969માં તેમણે તે જ નામથી હરિયાણામાં ઔદ્યોગિક સંકુલ ઊભું કર્યું. જુલાઈ, 1994માં ગુડગાંવ ખાતે તેમણે ‘કેપારો મારુતિ પ્લાન્ટ’ની સ્થાપના કરી.
નહેરુ કુટુંબ સાથે તેમનો હમેશાં ગાઢ સંબંધ રહ્યો છે. 1984માં તેમણે ઇન્દિરા ગાંધીનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું. ઇંગ્લૅન્ડની ટેમ્સ વૅલી યુનિવર્સિટીના તેઓ કુલપતિ રહી ચૂક્યા છે. એક સમયે લંડન ખાતેનું પ્રાણીસંગ્રહાલય આર્થિક કટોકટીને લીધે બંધ થવાની અણી પર હતું, પરંતુ સ્વરાજ પૉલની સખાવતને કારણે તે બચી જવા પામ્યું છે. તેમની આ કામગીરીથી તેઓ ઇંગ્લૅન્ડમાં ખૂબ લોકપ્રિય બન્યા છે.
અત્યાર સુધી તેમણે ઘણાં માનસન્માન પ્રાપ્ત કર્યાં છે. 1983માં ભારત સરકારે તેમને ‘પદ્મવિભૂષણ’ ખિતાબથી નવાજ્યા હતા. 1992માં ઇંગ્લૅન્ડની હલ યુનિવર્સિટીએ તેમને ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફીની માનાર્હ પદવી એનાયત કરી હતી. ઑક્ટોબર, 1996માં ઇંગ્લૅન્ડની મહારાણીએ તેમને લૉર્ડ પૉલ ઑવ્ મેરિલોબોનની ઉપાધિ સાથે ઇંગ્લૅન્ડની સંસદના ઉપલા ગૃહ – હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ – નું સભ્યપદ બહાલ કર્યું છે.
1998માં ‘બિયૉન્ડ બાઉન્ડરિઝ’ શીર્ષક હેઠળ તેમનાં સંસ્મરણો પ્રકાશિત થયાં છે.
2014માં તેમને લંડનમાં આંતરરાષ્ટ્રીય પ્રતિભા માટેનું સન્માન પ્રાપ્ત થયું હતું. તેમજ 2018માં યુ.કે એશિયા બિઝનેસ એવોર્ડ પણ એનાયત થયો છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે