પૉલ, વોલ્ફગૅન્ગ (Paul, Wolfgang) (જ. 10 ઑગસ્ટ 1913, લૉરેન્ઝકિર્ક, સેક્સની, જર્મની; અ. 7 ડિસેમ્બર 1993, બૉન, જર્મની) : આયન પાશ કાર્યપદ્ધતિ માટે 1989નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. નોબેલ પુરસ્કારનો અર્ધભાગ તેમની અને હાન્સ જ્યૉર્જ ડેહમેલ્ટ વચ્ચે વિભાજિત થયો હતો અને બીજો અર્ધ ભાગ નૉર્મન ફૉસ્ટર રેમ્ઝીને મળ્યો હતો.
વોલ્ફગૅન્ગ પૉલનો ઉછેર મ્યૂનિકમાં થયો. ત્યાં તેમના પિતા ઔષધીય રસાયણશાસ્ત્રના પ્રાધ્યાપક હતા. થોડાંક વર્ષો મ્યૂનિકમાં અભ્યાસ કર્યા બાદ તેમણે 1934માં બર્લિનની ટૅક્નિકલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી 1937માં ડિપ્લોમા મેળવ્યો. તે દરમિયાન તેમણે હાન્સ ગાઇગરના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. 1940માં તેમણે ટૅક્નિકલ યુનિવર્સિટી ઑવ્ બર્લિનમાંથી હાન્સ કૉપ્ફરમૅનના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. થોડો સમય જર્મન સૈન્યના વાયુદળમાં કામ કરવાનો પણ અનુભવ મેળવ્યો. યુનિવર્સિટી ઑવ્ ગૉટિન્ગનમાં હાન્સ કૉપ્ફરમૅન સાથે કેટલાંક વર્ષો વ્યાખ્યાતા તરીકે કામ કર્યા બાદ યુનિવર્સિટી ઑવ્ બૉનમાં પ્રાયોગિક ભૌતિકશાસ્ત્રમાં પ્રાધ્યાપકનું તથા અહીં જ ફિઝિક્સ ઇન્સ્ટિટ્યૂટના નિદેશકનું સ્થાન પ્રાપ્ત કર્યું અને અહીં 1952થી 1993 સુધી કાર્યરત રહ્યા. વચ્ચે 1952થી 1993 દરમિયાન તેમણે CERN પ્રયોગશાળાના ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્ર વિભાગના નિર્દેશક તરીકે સેવાઓ આપી.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે સમસ્થાનિક પૃથક્કરણ (isotope separation) અને દ્રવ્યમાન સ્પેકટ્રમમિતી પર સંશોધનો કર્યાં જે વિખંડન દ્રવ્યના (fission material) ઉત્પાદન માટે જરૂરી છે અને જેનો ઉપયોગ ન્યૂક્લિયર શસ્ત્રો બનાવવામાં થાય છે. તેમણે વિદ્યુત ચતુર્ધ્રુવી ક્ષેત્રના ઉપયોગ વડે વિદ્યુતભારિત કણોને બંધિત (સીમિત) કરવાની પદ્ધતિ વિકસાવી, જે આયન પાશ (ion trap) અથવા તેેમના નામ પરથી પૉલ પાશ (Paul trap) તરીકે ઓળખાય છે. આ કાર્યપદ્ધતિનો આજે વિદ્યુતભારિત કણોના અભ્યાસમાં બહોળો ઉપયોગ થાય છે. તેમણે પારમાણ્વીય પુંજ લેન્સની રચના કરી અને પ્રથમ 500 MeV અને ત્યાર બાદ 2500 MeV ઇલેક્ટ્રૉન સિન્ક્રોટ્રૉન પર પ્રયોગો કર્યા. તેમણે સંચયન-વર્તુળો(Storage rings)માં ધીમી ગતિના ન્યૂટ્રૉનનો અભ્યાસ કર્યો જે દ્વારા મુક્ત ન્યૂટ્રૉનની જીવન-અવધિનું માપન કર્યું.
1957માં તેમણે જર્મનીના અન્ય 18 ન્યૂક્લિયર વૈજ્ઞાનિકો સાથે જર્મન સૈન્યમાં ન્યૂક્લિયર શસ્ત્રોના સમાવેશના વિરોધમાં હસ્તાક્ષર કર્યા હતા.
પૂરવી ઝવેરી